Ravi Purti

એક જ પરિવારમાં બધી જનરેશન

By GS Team
2 Aug 20266 mins read
એક જ પરિવારમાં બધી જનરેશન
  • ભારતીય પરિવારમાં અનોખો પડકાર : સાયલન્ટ, બેબી બુમર, જેન ઝી અને આલ્ફા બધા જ એક છત નીચે
  • હોરાઈઝન-ભવેન કચ્છી
  • 'થોડા હમારા થોડા તુમ્હારા' તેવી સમજ અને સ્વીકાર પરિવારના સભ્યોમાં હોય તો ઘર નંદનવન બની જાય
  • 'અમારા જમાનામાં તો અમે આમ કરતા હતા…' એ વાક્યનો નવી પેઢી સમક્ષ વારંવાર ઉપયોગ કરવાનું ટાળો : જુદી જુદી પેઢીનું સહજીવન તો મોટી તાકાત છે

અ ગાઉના સમયમાં પરિવારમાં મુખ્યત્વે બે પેઢી હતી 'જૂની પેઢી અને નવી પેઢી. પરંતુ આજના બદલાતા યુગમાં ભારતીય સમાજની એ બહુ મોટી વિશેષતા છે કે એક જ છત નીચે દાદા-દાદી (Baby boomer), માતા-પિતા (Gen X / Millennial), યુવાન પૌત્ર-પૌત્રી (Gen Z)અને નાની બેબી (Gen Alpha) જેવાં ત્રણથી ચાર અલગ-અલગ સભ્યો સાથે રહેતાં હોય છે. પરિવારનું આ 'મલ્ટી-જનરેશનલ' ચિત્ર જેટલું પ્રેમ અને સુરક્ષાથી ભરેલું લાગે છે, એટલું જ તે વૈચારિક સંઘર્ષ અને જનરેશન ગેપની જુદી જુદી ખાઈઓથી ઘેરાયેલું પણ છે.
પેઢીઓનું મેપિંગ
જેઓ ૧૯૪૬ પહેલા જન્મ્યા છે તેઓ 'સાયલન્ટ પેઢી' તરીકે વર્ગીકૃત થયા છે. બેબી બૂમર્સ (Baby Boomer: 1946 - 1964 દરમ્યાન જન્મેલા)
જમા બાજુ : અથાક પરિશ્રમ, ધૈર્ય, સંસ્કાર, અનુભવનું ભાથું, નાણાકીય શિસ્ત અને પરિવારને જોડી રાખવાની દ્રઢ ભાવના, શ્રદ્ધા અને ધર્મગ્રંથો તેમજ શાસ્ત્રોમાં જે ઉપદેશ આપ્યા હોય તેની સામે દલીલો કર્યા વગર તેનો સ્વીકાર કરવો.
મનોજગત : પરિવર્તન સ્વીકારવામાં હિચકિચાટ, સ્વેચ્છાએ પોતાના વિચારો રોપવાનો આગ્રહ, માનસિક સ્વાસ્થ્ય જેવા આધુનિક વિચારો પ્રત્યે અણગમો, તનાવ કે ડિપ્રેશન હોય જ શું કામ તેવી નવી પેઢી સમક્ષ અપેક્ષા, તેઓ નહીં હોય તો વિશ્વ, સમાજ, પરિવારની પડતી થશે તેવો ભ્રમ.પોતાનું ૬૦ વર્ષ સુધીનું જીવન પોતાના અને પરિવારના ઉત્થાનમાં આપ્યું હોય છે તે પછી દાદા દાદી કે નાના નાની તરીકેની જવાબદારીનો આનંદ તો માણે જ છે પણ કોઈ વખત મુક્તતા પણ ઝંખે છે.
મિલેનિયલ્સ (Millennials / Gen X : ૧૯૬૫ - ૧૯૯૫માં જન્મેલા)
જમા બાજુ : પરંપરા અને આધુનિકતા વચ્ચેના ખડા થયેલ પુલ પર ઉભા રહી શકે છે, અગાઉની પેઢીને સમજવાની ક્ષમતા, જવાબદારી ઉપાડવાની ઉત્કટ ભાવના અને વ્યાવસાયિક સંતુલન, સમાજની પરંપરાગત સિસ્ટમને સ્વીકારે, બંડ દબાવીને કારકિર્દી, અપેક્ષામાં સમાધાન કરી લે.
મનોજગત : 'સેન્ડવિચ જનરેશન' હોવાને કારણે માનસિક તનાવ, બાળકો, પતિ કે પત્ની અને મા બાપ બધાને ખુશ રાખવાનો પડકાર તનાવમાં રાખે છે જેને લીધે પરિવાર પણ વિખેરાઈ જાય તેવું બને. પૈસા કમાવવા જરૂરી હોઇ આ પેઢી પાસે સમયનો અભાવ છે. જેની અસર ગુણવત્તાસભર જીવનશૈલી પર પડે છે. પોતે જીવનને તેમની રીતે માણવાની રીતે સમાધાન કર્યું હોય છે તેથી રંજ સાથે પણ જીવતા હોય
તેવું બને.
જેન ઝી (Gen Z : ૧૯૯૬ - ૨૦૧૦માં જન્મેલા)
જમા બાજુ : ટેકનીકી રુચિ, વૈશ્વિક દ્રષ્ટિકોણ, સ્વતંત્ર વિચારો, અંગત સ્પષ્ટતા અને ખુલ્લી અભિવ્યક્તિ.
મનોજગત : ધૈર્યનો અભાવ, ઝડપી પરિણામોની અપેક્ષા, ડિજિટલ દુનિયામાં વધુ અને વાસ્તવિક સંબંધોમાં ઓછું જીવવું, ભાવનાત્મક અસ્થિરતા.
જેન આલ્ફા (Gen Alpha : ૨૦૧૧ - વર્તમાન વર્ષમાં જન્મેલા)
જમા બાજુ : જન્મથી જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્ક્રીન સાથે સજ્જ, તીવ્ર બુદ્ધિમત્તા, માહિતી મેળવવાની અદભુત ઝડપ.
મનોજગત : શારીરિક રમતોથી અંતર, ધ્યાન કેન્દ્રિત કરવાનો ઓછો સમય (Attention Span), વાસ્તવિક લાગણીઓ અનુભવવામાં અસમર્થતા.
ચિંતકોના નિરીક્ષણ
મનોવૈજ્ઞાનિક એરિક એરિક્સનના માનસિક-સામાજિક વિકાસના સિદ્ધાંત મુજબ, વડીલોની વય ‘Generativity vs Stagnation'ના તબક્કે હોય છે. અર્થાત, તેઓ જો નવી પેઢીને માર્ગદર્શન આપે અને તેમના વિચારો સ્વીકારે તો તેઓમાં સંતોષ જન્મે છે, પરંતુ જો તેઓ માત્ર ભૂતકાળમાં જીવશે તો વિષાદ ઉત્પન્ન થશે.
સમાજશાસ્ત્રી કાર્લ મન્હાઈમ તેમના પુસ્તક ‘The Problem of Generations' માં નોંધે છે કે,
'દરેક પેઢી પોતાની આસપાસના સામાજિક અને ટેકનીકી વાતાવરણમાંથી ઘડાય છે. આથી, એક પેઢી બીજી પેઢીને પોતાની દ્રષ્ટિથી માપે તે જ મોટો અન્યાય છે.'
તેવી જ રીતે, મહાન દાર્શનિક ખલીલ જીબ્રાન પોતાના પુસ્તક ‘The Prophet' માં માતા-પિતા અને વડીલોને સંબોધીને સદીઓ પહેલા લખ્યું છે :
'તમારા બાળકો તમારા દ્વારા આવે છે, પણ તેઓ તમારામાંથી આવ્યા નથી. તમે તેમને તમારો પ્રેમ આપી શકો છો, પણ તમારા વિચારો નહીં; કારણ કે તેમની પાસે પોતાના વિચારો છે. તમે તેમના જેવા બનવાનો પ્રયત્ન કરી શકો છો, પરંતુ તેમને તમારા જેવા બનાવવાનો પ્રયત્ન ન કરો.'
પરસ્પર સન્માન
'કોઈ આઉટડેટેડ નથી, કોઈ સુપીરિયર નથી'
ઘરમાં જ્યારે એક પેઢી બીજી પેઢીને 'આઉટડેટેડ' એટલે કે જુનવાણી ગણે અને બીજી પેઢી નવી પેઢીને 'ઉછાંછળી' કે 'ગંભીરતા વગરની' ગણે ત્યારે ઘર પરિવાર ન રહેતાં સંઘર્ષનું મેદાન બની જાય છે.
જૂની પેઢી પાસે અનુભવનું એવું જ્ઞાન છે જે કોઈ ગૂગલ કે એ. આઈ. આપી શકતું નથી. બીજી તરફ, નવી પેઢી પાસે બદલાતી દુનિયા સાથે કદમ મિલાવવાની ઝડપ અને ટેકનોલોજીનું જ્ઞાન છે.
જ્યારે વડીલો નવી પેઢી પાસેથી ટેકનોલોજી શીખવાની નમ્રતા બતાવે અને નવી પેઢી વડીલો પાસેથી જીવનનું સત્ય શીખવાની ધીરજ દાખવે, ત્યારે જનરેશન ગેપ ખાઈ મટીને પરસ્પર પૂરકતાનો સેતુ બની જાય છે.
કઈ રીતે રહેવું
વડીલોની સાયલન્ટ, બેબી બુમર પેઢીની ઘરમાં સંતુલન અને શાંતિ જાળવવામાં સૌથી મોટી અને મહત્ત્વની ભૂમિકા હોય છે, કારણ કે તેમની પાસે અનુભવ અને પરિપક્વતાની પૂંજી છે.
વડીલોએ શું કરવું : પરિવર્તનનો સ્વીકાર કરવો, સમય સાથે રીત-રિવાજો, પહેરવેશ અને વાત કરવાની, વાતમાં ઉપયોગમાં લેવાતા શબ્દોની પદ્ધતિઓ બદલાય છે તે વાસ્તવિકતાને સહજતાથી સ્વીકારો.
પ્રશંસા અને પ્રોત્સાહન આપવું : નવી પેઢીના નાના પ્રયાસો, તેમની પ્રગતિ કે તેમના નવા વિચારોની મુક્ત મને પ્રશંસા કરો.
ટેકનોલોજી શીખવાનો ઉત્સાહ દાખવવો તેમજ પૌત્ર-પૌત્રીઓ પાસેથી સ્માર્ટફોન કે નવી એપ્સ શીખો. આનાથી બંને વચ્ચે સંવાદનો એક નવો રસ્તો ખુલશે.
સાંભળવાની આદત કેળવવી : બોલવા કે શિખામણ આપવા કરતાં યુવાન પેઢીની વાતો, તેમની મૂંઝવણો અને વિચારોને શાંતિથી સાંભળો.
અનુભવ લેવા દો : દરેક પેઢીને પોતાની રીતે નિર્ણય લેવાની અને ભૂલો કરીને શીખવાની થોડી સ્વતંત્રતા આપો.
સોનેરી નિયમો
ડાઇનિંગ ટેબલ રૂલ (Digital Detox) : દિવસમાં ઓછામાં ઓછું એક ભોજન એવું રાખવું જ્યાં પરિવારના તમામ સભ્યો મોબાઈલ વગર એક સાથે બેસે અને માત્ર સુખ-દુ:ખની વાતો કરે.
પેઢીગત જ્ઞાનની આપ-લે : ઘરમાં એવું વાતાવરણ બનાવો જ્યાં દાદા-દાદી બાળકોને વાર્તાઓ, મૂલ્યો અને અનુભવો આપે, જ્યારે બાળકો દાદા-દાદીને નવી ટેક્નિક, મુક્ત વિચારો કે વૈશ્વિક પ્રવાહો વિશે માહિતગાર કરે.
મલ્ટી-જનરેશનલ પરિવાર એ ભારતીય સંસ્કૃતિનું સૌથી સુંદર વરદાન છે.
જ્ઞાન પોસ્ટ
એક પરિવારમાં દાદાજી (જેમણે આખી જિંદગી હાથથી ચોપડા લખીને વેપાર કર્યો હતો) અને તેમનો પૌત્ર (જે ડેટા સાયન્ટિસ્ટ હતો) રહેતા હતા. એકવાર દાદાજી પૌત્રને લેપટોપ પર સતત કોડિંગ કરતો જોઈને બોલ્યા, 'બેટા, આટલો બધો સમય સ્ક્રીન સામે બેસીને તું શું શોધે છે? આંકડાઓથી ક્યારેય માણસ સમજાતો નથી.'
પૌત્રે હસીને જવાબ આપ્યો, 'દાદાજી, આ ડેટાથી અમે ભવિષ્યના બિઝનેસના નિર્ણય લઈએ છીએ. તમારો જમાનો જૂનો હતો, હવે આ બધું ગૂગલ અને એ. આઈ.થી થાય છે.'
દાદાજીએ શાંતિથી કહ્યું, 'સાચી વાત છે બેટા, ગૂગલ તને એ બતાવી શકશે કે કયો સામાન ક્યાં વેચાશે. પણ ગૂગલ તને એ નહીં શીખવે કે ખરો ધંધો તો સંબંધ, ઓળખાણ, પ્રતિષ્ઠા અને શાખ (ગુડવીલ)થી થાય છે. ગ્રાહક જોડેની નૈતિકતા ધંધાનો પ્રસાર કરી આપશે. આંખો અને અંત: કરણથી જે પણ થાય છે એ. આઈ.થી નથી થઈ શકતું. છઠ્ઠી ઇન્દ્રિયથી જે થાય તે જ તમને જુદા પાડે છે. ગ્રાહક પાસે હાલ પૈસા ન હોય ત્યારે એના પર વિશ્વાસ રાખીને ઉધાર સામાન આપવો કે નહીં. એ નિર્ણય ડેટા નહીં, માણસાઈનો અનુભવ લે છે.'
પૌત્રને એ દિવસે સમજાઈ ગયું કે વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે, પણ દાદાજીનો આત્મસાત કરેલો અનુભવ એની જગ્યાએ અજોડ છે. બીજી તરફ દાદાજીએ પણ પૌત્રની ટેકનોલોજીકલ ક્ષમતાનો અનાદર કરવાને બદલે તેને સ્વીકારી. આમ બે પેઢીના ટકરાવ કરતા બંને એકબીજાનું સારું સ્વીકારે તો બેવડી તાકાત બની જાય. પરિવારમાં સુમેળ પણ રહે.