Ravi Purti

લોહીમાં લખાયેલો પરગ્રહવાસીનો કોડ?

By GS Team
25 Jul 20267 mins read
લોહીમાં લખાયેલો પરગ્રહવાસીનો કોડ?
  • ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

શું મનુષ્ય પ્રજાતિ બ્રહ્માંડમાં એકલી છે, કે પરગ્રહવાસી જેવી અન્ય પ્રજાતિઓ પણ બ્રહ્માંડમાં આવેલી છે? આ પ્રશ્ન સદીઓથી માનવ મનને મથાવતો આવ્યો છે. પરંતુ હવે આ પ્રશ્ન માત્ર તારાઓ તરફ નજર માંડીને પૂછાતો નથી. આ પ્રશ્નનો જવાબ આપણી પૃથ્વીની ગુફાઓમાં, અમેરિકન સરકારી ગુપ્ત દફતરોમાં અને આપણા પોતાના શરીરના ડીએનએમાં પણ શોધાઈ રહ્યો છે. તાજેતરમાં ત્રણ અલગ-અલગ દિશાઓથી, એવા ખુલાસાઓ સામે આવ્યા છે, જે દુનિયાને હચમચાવી નાખે તેવા છે. પ્રથમ, અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએના એક ભૂતપૂર્વ 'સાઇકિક સ્પાય', એટલે કે માનસિક શક્તિ વડે જાસૂસી કરનારે, પૃથ્વી પર ચાર છુપા એલિયન થાણાઓ ક્યાં આવેલા છે તે જણાવ્યું છે. બીજું, વિજ્ઞાનીઓએ પ્રથમ વખત એક સત્તાવાર ૮-મુદ્દાની યોજના બહાર પાડી છે કે, જો ક્યારેક એલિયન્સ તરફથી સંદેશ મળે તો શું કરવું? અને ત્રીજું, એક આનુવંશિક વિજ્ઞાનીએ દાવો કર્યો છે કે, માનવ ડીએનએમાં જ એલિયન્સના આનુવંશિક નિશાન છુપાયેલા છે. સરળ ભાષામાં એમ કહી શકાય કે, 'જો આ ત્રણેય દાવાઓ સાચા હોય, તો આપણે જે દુનિયાને ઓળખીએ છીએ તે સંપૂર્ણ બદલાઈ જાય.' આ બધી વાતોની શરૂઆત ક્યાંથી થઈ? આ વિચારોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે? અમેરિકન સરકારે ભૂતકાળમાં એલિયન સંશોધન પર ગુપ્ત રીતે કેટલું
કામ કર્યું છે?

સ્ટારગેટ : મનની આંખે જોયેલું રહસ્ય
૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં, સીઆઈએએ એક અત્યંત ગુપ્ત કાર્યક્રમ શરૂ કર્યો હતો : સ્ટારગેટ. આ કાર્યક્રમ અંતર્ગત એવી વ્યક્તિઓની ભરતી કરવામાં આવી હતી, જેઓ કથિત રૂપે 'રિમોટ વ્યૂઇંગ', એટલે કે માત્ર મનની શક્તિ વડે દૂરના સ્થળો જોવાની ક્ષમતા ધરાવતા હોવાનો દાવો કરતા હતા. અમેરિકન સરકાર આને એક વૈજ્ઞાનિક ક્ષમતા તરીકે ચકાસવા માગતી હતી. આવી વ્યક્તિઓને કોઈ ચોક્કસ સ્થળ વિશે અગાઉથી કોઈ માહિતી આપ્યા વિના, 'બ્લાઇન્ડ' પદ્ધતિએ ત્યાં 'માનસિક દ્રષ્ટિ' કરવા કહેવામાં આવતું. ત્યારબાદ તેઓ જે સ્કેચ અને વર્ણન આપે તેને ચકાસવામાં આવતું. સ્ટારગેટના સહભાગીઓ અમેરિકી સૈન્ય અને ગુપ્તચર વિભાગ માટે સક્રિય રીતે કામ કરતા હતા. સ્ટારગેટ કાર્યક્રમ ૧૯૯૫ સુધી ચાલ્યો હતો. જ્યારે સમીક્ષા સમિતિએ તારણ કાઢયું કે, 'સમગ્ર કાર્યક્રમ વૈજ્ઞાનિક રીતે અવિશ્વસનીય છે, જે ગુપ્ત માહિતી મેળવવામાં વ્યાવહારિક રીતે નિષ્ફળ રહ્યો છે.' પરંતુ આ કાર્યક્રમ દ્વારા એકઠી કરવામાં આવેલી ખાસ માહિતી, પૃથ્વી પરના કથિત એલિયન થાણાઓ વિશે, આજે પણ ચર્ચાનો વિષય બનેલી છે. ૧૯૭૩માં, સ્ટારગેટના સૌથી પ્રારંભિક સહભાગીઓ પૈકીના એક ભૂતપૂર્વ પોલીસ અધિકારી પેટ પ્રાઇસે દાવો કર્યો હતો કે, 'તેઓ મનની શક્તિ વડે પૃથ્વી પર ચાર છુપા એલિયન થાણાઓ શોધી શક્યા છે.' તેઓનો દાવો હતો કે, 'આ સ્થળો અલાસ્કા, ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને યુરોપના પાઇરેનીઝ પર્વતોમાં આવેલાં છે.' આ ખુલાસો એટલો ચોંકાવનારો હતો કે, સીઆઈએએ 'પ્રોજેક્ટ ૮૨૦૦' નામનો અલગ કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેથી અન્ય સ્વતંત્ર રિમોટ વ્યૂઅર્સ દ્વારા, પ્રાઇસના દાવાઓ ચકાસી શકાય.
૧૯૯૫માં સરકારી સમીક્ષા સમિતિએ તારણ કાઢયું કે, 'સ્ટારગેટ કાર્યક્રમની પ્રક્રિયા વૈજ્ઞાનિક રીતે અવિશ્વસનીય છે અને ગુપ્ત માહિતી મેળવવામાં વ્યાવહારિક રીતે અસફળ રહી છે.' છતાં આ કાર્યક્રમ દ્વારા એકઠી કરવામાં આવેલી ખાસ માહિતી, એટલે કે પૃથ્વી પરના કથિત એલિયન થાણાઓ, આજે પણ ચર્ચા અને વિવાદ જગાડે છે.

પૃથ્વી પરનું એ ગુપ્ત વિમાનમથક
આ ત્રણ અલગ-અલગ વૈજ્ઞાનિક સંશોધનોની વિગતો આપણી પાસે છે, જેને જરા વિગતે જાણીએ તો ચિત્ર વધુ સ્પષ્ટ થાય. પ્રથમ નજર કરીએ લિન બ્યૂકેનનના ચાર કથિત એલિયન થાણાઓ પર. માઉન્ટ હેઝથ બ્યૂકેનન પ્રમાણે, આ સ્થળ પૃથ્વી પરની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખતું ગુપ્તચર કેન્દ્ર છે, જ્યાં ડેટા, સંકેતો અને માહિતી એકત્ર કરવામાં આવતી હતી. આ કેન્દ્ર પર્વતની ઊંડાઈમાં છુપાયેલું છે. પ્રાઇસ અને અન્ય રિમોટ વ્યૂઅર જો મૅકમૉનીગલે, ત્યાં માનવો અને એલિયન્સ સાથે મળીને કામ કરતા હોવાનું વર્ણવ્યું હતું. જોકે, બ્યૂકેનને આ સ્થળ 'જોયું' હતું. તેઓ કહે છે કે, 'હવે આ કેન્દ્ર સ્વચાલિત સાધનોથી ચાલે છે, ત્યાં કોઈ કર્મચારીઓ કાર્યરત નથી.' બ્યૂકેનન કહે છે કે, 'ઓસ્ટ્રેલિયાનો માઉન્ટ ઝીલ, જે નોર્ધન ટેરિટરીમાં આવેલો છે, આ સ્થળ એલિયન્સ માટે પૃથ્વી પરનું 'પ્રવેશ બિંદુ' છે.' સરળ ભાષામાં એમ કહી શકાય કે, 'જેમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વિમાનો ઉતરે, મુસાફરો ઊતરે અને વિમાનોની જાળવણી થાય, તેવી જ રીતે આ સ્થળ યુએફઓ માટેના 'યુફોપોર્ટ' જેવું કામ કરે છે. ઉપરના માળ પર યુએફઓ ઉતરે-ઊડે અને નીચેના માળ પર તેઓની સર્વિસ થાય છે.' બ્યૂકેનન દાવો કરે છે કે, આ સ્થળ 'મૈત્રીપૂર્ણ' એલિયન્સ માટે છે, જેઓ ગુપ્ત રીતે અહીંથી દુનિયામાં ફેલાઈ જાય છે.
બીજો એલિયન બેઝ ઝિમ્બાબ્વેનો માઉન્ટ ન્યાંગાની પર્વત છે. આ સ્થળને યુએફઓના સમારકામ કેન્દ્ર તરીકે વર્ણવવામાં આવે છે. બ્યૂકેનન કહે છે કે, આ સ્થળ ભારે સુરક્ષા હેઠળ છે. આ વિસ્તારમાં ઘણા લોકો ગાયબ થઈ જવાના અહેવાલો મળેલા છે. ત્રીજું સ્થળ પાઇરેનીઝ પર્વતોમાં આવેલું છે, જ્યારે ચોથું સ્થળ સ્પેન અને ફ્રાન્સ વચ્ચેની પર્વતમાળામાં હોવાનો દાવો છે. પરંતુ બ્યૂકેનન સ્વીકારે છે કે, તેઓએ આ સ્થળ ક્યારેય 'જોયું' નથી. સેટી સમિતિ દ્વારા, આઠ-મુદ્દાની યોજના બહાર પાડવામાં આવી છે. જો કોઈને એલિયન સંદેશ મળે તો, સૌ પ્રથમ અનેક સ્વતંત્ર ટીમો અને વેધશાળાઓ દ્વારા એલિયન સંદેશની ચકાસણી કરવી. સૌથી અગત્યની વાત, જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સહમતિ ન થાય ત્યાં સુધી, એલિયન સંદેશનો કોઈ પ્રત્યુત્તર ન મોકલવો.

ડીએનએનો એ ભાગ…
સીઆઈએના સ્ટારગેટ કાર્યક્રમ અને એલિયન ડીએનએ સંશોધનની આ કહાણીમાં પણ એવા ત્રણ વ્યક્તિત્વો છે, જેઓ આ વિષયની ધરી પર ઊભા છે : લિન બ્યૂકેનન, પેટ પ્રાઇસ અને ડૉ. મેક્સ રેમ્પલ. લિન બ્યૂકેનન અમેરિકી સૈન્યના નિવૃત્ત ઇન્ટેલિજન્સ અધિકારી છે. તેઓ સ્ટારગેટ કાર્યક્રમના સૌથી સક્રિય સહભાગીઓ પૈકીના એક હતા. તેઓ સીઆઈએ માટે 'રિમોટ વ્યૂઇંગ', મનની શક્તિ વડે દૂરના સ્થળો જોવાની ક્ષમતા દ્વારા ગુપ્ત સ્થળો પર નજર રાખવાનું કામ કરતા હતા. પેટ પ્રાઇસ સ્ટારગેટ કાર્યક્રમના સૌથી પ્રારંભિક અને સૌથી વધુ ચર્ચિત સહભાગી હતા. ભૂતપૂર્વ પોલીસ અધિકારી તરીકે કામ કર્યા બાદ, ૧૯૭૩માં પેટ પ્રાઇસ સીઆઈએના સાઇકિક સંશોધન કાર્યક્રમ સાથે જોડાયા. તેઓ પૃથ્વી પર ચાર છુપા એલિયન થાણાઓ 'જોઈ' શક્યા છે. તેઓના વર્ણનો એટલા વિગતવાર હતા કે, સીઆઈએએ પ્રોજેક્ટ ૮૨૦૦ અંતર્ગત અન્ય વ્યૂઅર્સ દ્વારા, આ સ્થળોની ચકાસણી કરાવી જરૂરી લાગી હતી. બ્યૂકેનને જણાવ્યા પ્રમાણે 'બ્લાઇન્ડ' પદ્ધતિથી બનાવવામાં આવેલા સ્કેચ, પ્રાઇસના સ્કેચ સાથે આશ્ચર્યજનક રીતે મળતા આવતા હતા. તેઓ આ સ્થળોને એલિયન બેઝના વાસ્તવિક અસ્તિત્વના પુરાવા ગણે છે.
ડૉ. મેક્સ રેમ્પલ સાન ડિએગોની ડીએનએ રિઝોનન્સ રિસર્ચ ફાઉન્ડેશનના આણ્વિક આનુવંશિક વિજ્ઞાની છે. 'શું માનવ ડીએનએમાં એલિયનના આનુવંશિક અંશો ઇરાદાપૂર્વક દાખલ કરવામાં આવ્યા છે?' તેઓ આ સિદ્ધાંત પર કામ કરી રહ્યા છે. ૨૦૨૫માં તેઓએ ૧,૦૦૦ જિનોમ્સ પ્રોજેક્ટ અંતર્ગત ૫૮૧ સંપૂર્ણ પરિવારોના ડીએનએનું વિશ્લેષણ કર્યું છે, જેમાં ૧૧ એવા પરિવારો શોધ્યા છે, જેઓના ડીએનએમાં એવા આનુવંશિક અંશો હતા, જે ન તો મનુષ્ય માતા પાસેથી આવ્યા હોય, અથવા ન મનુષ્ય પિતા પાસેથી વારસામાં મળ્યા હોય. સરળ ભાષામાં એમ કહી શકાય કે, 'જાણે કોઈ પુસ્તકના પૃષ્ઠમાં અચાનક એવો ફકરો આવી જાય, જે લેખકે ક્યારેય લખ્યો જ ન હોય.' રેમ્પલ હવે 'સ્ટારસીડ જેનિટિક્સ' નામનો નવો કાર્યક્રમ શરૂ કરી રહ્યા. જેમાં કથિત એલિયન અપહરણનો અનુભવ ધરાવતા પરિવારોનું ડીએનએ પરીક્ષણ કરવામાં આવશે.

એલિયન કોયડો યથાવતત પ્રશ્નો પૂરા, પુરાવા અધૂરા
છુપા એલિયન થાણાઓ, પ્રથમ એલિયન સંદેશ-સંપર્ક યોજના અને એલિયન ડીએનએ. જો આ ત્રણેય મુદ્દાઓ એકસાથે જોઈએ તો, એક ભયાવહ અને રોમાંચક ચિત્ર ઊભું થાય છે. સવાલએ નથી કે આ સાચું છે? કે ખોટું? સવાલ એ છે કે 'જો આમાંથી એક પણ વાત સાચી નીકળે, તો માનવ સભ્યતા માટે તેના પરિણામો કેટલા ઊંડા અને દૂરોગામી હશે? સેટીની આઠ-મુદ્દાની યોજનાએ સ્પષ્ટ સંકેત છે કે 'વૈજ્ઞાનિક સમુદાય હવે આ શક્યતાને ગંભીરતાથી લઈ રહ્યો છે. આ યોજના માત્ર વૈજ્ઞાનિક પ્રક્રિયા નથી. તે માનવજાતની સામૂહિક તૈયારીનો ઐતિહાસિક પ્રયાસ છે. જેમ ભૂકંપ આવે ત્યારે શું કરવું? તેની તૈયારી આગળથી કરીએ છીએ, તેમ એલિયન સંપર્ક થાય ત્યારે, વૈશ્વિક અફરાતફરી ન થાય તે માટે આ યોજના ઘડવામાં આવી છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના યુગમાં, જ્યાં અફવા વીજળીની ઝડપે ફેલાય છે. ત્યાં આવી સ્પષ્ટ અને પારદર્શક કાર્યયોજના ખૂબ જ આવશ્યક છે. આ યોજનાએ પણ સૂચવે છે કે 'કોઈ એક દેશ કે સંસ્થા એકલા હાથે, આ નિર્ણય ન લઈ શકે.આ બાબતે સમગ્ર માનવજાતે સાથે મળીને વિચારવું પડશે. ડૉ. રેમ્પલનું સ્ટારસીડ જેનેટિક્સ સંશોધન જો સફળ થાય અને ખરેખર 'નોન-પેરેન્ટલ ડીએનએ ઇન્સર્શન' એટલે કે માતા-પિતા બેમાંથી ન આવ્યા હોય, તેવા એલિયન આનુવંશિક અંશો કેટલાક લોકોના ડીએનએમાં હોવાનું સાચું સાબિત થાય તો, તે જીવવિજ્ઞાનના ઇતિહાસની સૌથી મોટી શોધ બની શકે. જોકે, આ તમામ દાવાઓ હજુ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયા નથી. એન્સેસ્ટ્રી કંપનીએ સ્પષ્ટ નકારી કાઢયું છે કે 'ગુપ્તચર સંસ્થાઓ તેઓના ડેટાબેઝ સુધી મુક્તપણે પહોંચી શકે છે.' સ્ટારગેટ કાર્યક્રમ સરકારી સમીક્ષામાં નિષ્ફળ ઘોષિત થયો. રેમ્પલના ડીએનએ અભ્યાસ પર પીયર રિવ્યૂ હજુ બાકી છે. મોટાભાગના મુખ્યધારાના વિજ્ઞાનીઓ, ડીએનએની અસાધારણતાઓ માટે, પૃથ્વી પરના જ જૈવિક કારણો હોઈ શકે છે' તેવું માને છે. સત્ય શોધવા માટે વધુ કઠોર, સ્વતંત્ર અને પારદર્શક વૈજ્ઞાનિક સંશોધન જ એકમાત્ર માર્ગ છે.