Ravi Purti
ભવિષ્યવેત્તા કીરોની સચોટ ભવિષ્યવાણીઓ
By GS Team
4 Jul 20265 mins read

અગોચર વિશ્વ-દેવેશ મહેતા
કીરોએ ભવિષ્યવાણી કરી હતી તે રીતે તેમનું મૃત્યુ થયું હતું. ઇંગ્લેન્ડના રાજા એડવર્ડ સાતમા માટે તેમણે જે ભવિષ્ય વાણી કરી તે સાચી પડી હતી
‘The Study of people gifted with occult powers has interested me for several Years. I have met and consulted scores. In almost every respect I consider cheiro the most highly gifted of all. He helps as well as astonishes.
અલૌકિક શક્તિ ધરાવતા લોકોના અભ્યાસમાં મને ઘણા વર્ષોથી રસ છે. હું આવા ઘણા લોકોને મળી છું અને તેમની સલાહ લીધી છે. લગભગ દરેક બાબતમાં હું કીરોને સૌથી વધુ પ્રતિભાશાળી માનું છું. તે માત્ર આશ્ચર્યચકિત જ નથી કરતા, પરંતુ લોકોની મદદ પણ કરે છે.'
- Ella wheeler wilcox
(એલા વ્હીલર વિલકોક્સ)
‘Cheiro has exposed my character to me with humiliating accuracy. I ought not to confess this accuracy, still I am moved to do so.
કીરોએ મારા વ્યક્તિત્વનું એટલી શરમજનક ચોકસાઇથી વિશ્લેષણ કર્યું છે કે તેનો સ્વીકાર ન કરવો જોઈએ, છતાં હું તેનો સ્વીકાર કરવા પ્રેરાયો છું.' - Mark Twain
(માર્ક ટ્વેઇન)
‘You are wonderful. what more can I say.
તમે અદ્ભૂત છો. હું આનાથી વધુ શું કહી શકું?' - Dame Nellie Melba
(ડેમ નેલી મેલ્બા)
વિશ્વના અગ્રગણ્ય નામાંકિત ભવિષ્યવેત્તાઓમાં એક નામ કીરો (Cheiro) નું પણ છે. તેમનું જન્મ સમયનું નામ વિલિયમ જ્હોન વોર્નર હતું. બાદમાં તેમણે કાઉન્ટ લુઇસ હેમોન નામ ધારણ કર્યું હતું. કીરોના આત્મકથાત્મક સંસ્મરણોમાં દર્શાવ્યા પ્રમાણે તેમણે તેમની ભવિષ્યકથન વિદ્યા અને હસ્તરેખા શાસ્ત્રનું જ્ઞાન ભારતમાંથી પ્રાપ્ત કર્યું હતું. તે ૧૭ વર્ષની ઉંમરે મુંબઇ આવ્યા હતા. ત્યાં તેમની મુલાકાત ભારતીય ચિત્પાવન બ્રાહ્મણ ગુરુ વેદનારાયણ જોશી સાથે થઇ હતી. તે તેમને મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશની ખીણમાં આવેલા પોતાના ગામમાં લઇ ગયા હતા. ત્યાં તેમણે હસ્તરેખાશાસ્ત્રના પ્રાચીન ગ્રંથનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ગુરુ વેદનારાયણ જોશીના માર્ગદર્શનમાં કીરોએ હિમાલય, કાશ્મીર અને વારાણસીની યાત્રા કરી હતી. ત્યાં પણ તેમણે સામુદ્રિક શાસ્ત્ર (Physiognomy) અને પ્રાચીન ભારતીય જ્યોતિષ, ભવિષ્યકથન વિદ્યાનો ગહન અભ્યાસ કર્યો હતો.
ભવિષ્યદર્શનની વિવિધ શાખાઓમાં નિપુણતા પ્રાપ્ત કર્યા બાદ તે લંડન પરત ફર્યા હતા. ૧ નવેમ્બર ૧૮૬૬માં આયરલેન્ડના ડબ્લિન શહેરની બહાર આવેલા રાથડાઉન બેરોનીમાં જન્મેલા કીરોએ લંડનમાં હસ્તરેખાશાસ્ત્રી (Palmist) તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. એક દિવસ એક અજબ ઘટના બની. કીરો ઇંગ્લેન્ડની ઇસ્ટ એન્ડ સ્ટ્રીટ પરથી જઇ રહ્યા હતા. ત્યાં એક દીવાલ પર કોઇના હાથના પંજાનું ચિત્ર મૂકાયેલું હતું. એ જોઇને કીરો અટકી ગયા. ત્યાંથી તે સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા. તેમણે પોલીસને એ ચિત્રમાં ઉપયોગમાં લેવાયેલા માણસના હાથ પરથી પોતાને જે દેખાયું તે કહ્યું - 'તેમણે જણાવ્યું કે આ એક હત્યારાનો હાથ છે જેણે તેના પિતાની હત્યા કરી છે. પોલીસને એની વાત પર વિશ્વાસ ના બેઠો. પણ તેણે એ દિશામાં તપાસ શરૂ કરી તો તે માણસ પાછળથી હત્યારો જ સાબિત થયો અને પોલીસે તેની ધરપકડ કરી. આ કિસ્સાથી કીરોની ખ્યાતિ આખા યુરોપમાં પ્રસરી અને લોકો તેની ભવિષ્યવાણીઓનો લાભ ઉઠાવવા લાગ્યા.'
ઇ.સ. ૧૮૯૩માં કીરોએ અમેરિકાની મુલાકાત પણ લીધી. તે ન્યૂયોર્કના ફિફ્થ એવેન્યુ ખાતે રોકાયા હતા. અમેરિકાના ન્યૂઝપેપર ન્યૂયોર્ક વર્લ્ડની સંવાદદાતા મહિલાને કીરોની કસોટી કરવા મોકલવામાં આવી. તેણે કીરોને એક ફોટો આલ્બમ આપ્યું અને એમાં એકત્રિત કરાયેલ હાથના પંજાના ફોટા એક પછી એક બતાવી એ જે વ્યક્તિઓના હાથના પંજા હતા એમના જીવન વિશે વિવરણ આપવા આહ્વાન કર્યું કીરોએ એ બધા વિશે વિગતવાર માહિતી આપવા માંડી. જાણે કીરો એ બધાને પહેલેથી ઓળખતા ના હોય એ રીતે એમના વિશે જણાવવા માંડયું. એમાં એક ફોટો એ મહિલા પત્રકારના પ્રેમીના હાથના પંજાનો હતો. એ હથેળી પર આલેખિત હસ્તરેખા અને અન્ય ચિહ્નો જોઈ કીરોએ કહ્યું - 'આ તમારા પ્રેમીની હથેળીનો ફોટો છે. ટૂંક સમયમાં જ તેની હત્યાઓના આરોપસર ધરપકડ કરાશે અને તે જેલમાં પાગલ બનીને મરણ પામશે. આ બધું બને એ પહેલાં તમે એની સાથે પ્રેમસંબંધનો અંત લાવી દો એમાં જ તમારું ભલું છે. થોડા સમય પછી કીરોની વાત સાચી સાબિત થઈ. આ બાબત 'ન્યૂયોર્ક વર્લ્ડ'માં સારા એવા કવરેજથી પ્રકાશિત થઇ હતી.'
વિખ્યાત લેખક, કવિ અને નાટયકાર ઓસ્કર વાઇલ્ડનું ભવિષ્યકથન કરતાં કીરોએ કહ્યું હતું - 'તમે બહુ જલદી જેલમાં જશો અને લાંબા સમય સુધી કારાવાસનો દણ્ડ ભોગવશો.' તે સમયે ઓસ્કર વાઇલ્ડે કહ્યું હતું - 'આ સર્વથા અસંભવ છે. તમે કદાચ, મને ડરાવીને કોઈ રકમ પડાવવા માંગો છો.' કીરોએ કહ્યું - 'બિલકુલ નહીં. હું કોઈ રકમ લેવા માંગતો નથી. પણ મારી વાત સાચી પડશે તે નક્કી.' ભવિષ્યમાં તે બાબત સાચી પુરવાર થઇ. ૨૫ મે ૧૮૯૫ના રોજ તેમને કારાવાસ થયો, અનેક જેલોમાં સ્થાનાંતરિત કરાયા પછી ૧૯ મે ૧૮૯૭માં તેમનો જેલમાંથી છુટકારો થયો હતો. ૧૮૯૭માં રશિયાના સમ્રાટ ઝારે એમની હથેળીનો ફોટો મોકલ્યો અને ભવિષ્ય કથન કરવા કહ્યું ત્યારે તેમણે તેની પાછળ લખીને મોકલ્યંુ - આ વ્યક્તિ આજથી ૨૦ વર્ષ પછી એના બધા અધિકાર ગુમાવી દેશે અને પરિવાર સાથે અસાધારણ રીતે મરણ પામશે. ઝારે તે પત્ર સાચવી રાખ્યો હતો અને કીરોએ ભવિષ્યવાણી કરી હતી તે રીતે તેમનું મૃત્યુ થયું હતું. ઇંગ્લેન્ડના રાજા એડવર્ડ સાતમા માટે તેમણે જે ભવિષ્ય વાણી કરી તે સાચી પડી હતી. તેમનો રાજ્યાભિષેક, બીમારી અને મરણ એ બધાનો સચોટ સમયગાળો કીરોએ જણાવ્યો હતો તે પ્રમાણે જ બન્યું હતું. તેમણે ૧૯૩૧માં ભવિષ્યવાણી કરી હતી કે આ દશકના અંત સુધી વિશ્વયુદ્ધ થશે અને તે પછી ઇંગ્લેન્ડ ભારતને સ્વતંત્ર કરી દેશે.
કીરોએ માર્ક ટ્વેન, ડબલ્યુ ટી. સ્ટેડ, સારાહ બર્નહાર્ટ, માતા હરી, ગ્રોવર ક્લીવલેન્ડ, થોમસ એડિસન, પ્રિન્સ ઑફ વેલ્સ, જનરલ કિચનર, વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટોન, જોસેફ ચેમ્બરલેઇન, એની બેસન્ટ, સ્વામી વિવેકાનંદ, મોતીલાલ નહેરુ અને કર્નલ આર્થર જેવી મહાન હસ્તિઓના હાથ જોયા હતા અને તેમના વિશે ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઇ હતી. કીરોએ હસ્તરેખાશાસ્ત્ર (Palmistry) જ્યોતિષ અને અંકજ્યોતિષ (Numerology) પર અનેક પુસ્તકો લખેલા છે.









