મેદાન, કેનવાસ અને કાગળ પરની કમાલ

- ગુજરાત કરતા પણ ઓછી વસ્તી ધરાવતા સ્પેનનો વિશ્વમાં સુપર સોફ્ટ પાવર
- હોરાઈઝન-ભવેન કચ્છી
- ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, કાર રેસીંગથી માંડી સાહિત્ય, કલા, સિનેમામાં શિરમોર સ્પેન પાસેથી ભારતે શીખવાની જરૂર
દુ નિયાના નકશા પર સ્પેનને જુઓ તો તે યુરોપના એક ખૂણે આવેલો એક મધ્યમ કદનો દેશ દેખાશે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત સ્પેન કરતાં છ ગણો મોટો છે અને વસ્તીની દ્રષ્ટિએ તો ભારતનો એકાદ મોટો જિલ્લો કે રાજ્ય જ સ્પેનની કુલ વસ્તી (લગભગ ૪.૮ કરોડ) જેટલું થઈ જાય! પરંતુ, જ્યારે રમતગમત, કલા, સાહિત્ય, સિનેમા, સંગીત કે વૈશ્વિક સાંસ્કૃતિક પ્રભાવની વાત આવે છે, ત્યારે સ્પેન એક મહાસત્તા તરીકે ઊભરી આવે છે.
એક જ સમયે પુરુષ અને મહિલા બંને વિભાગમાં ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન હોવાનું ગૌરવ ધરાવતો આ દેશ રમતગમતના લગભગ દરેક મેદાન પર પોતાની તાકાત બતાવી ચૂક્યો છે. પરંતુ વાત માત્ર રમતો પૂરતી સીમિત નથી. સ્પેનિશ ભાષા આજે વિશ્વમાં બીજી સૌથી વધુ બોલાતી માતૃભાષા છે. અમેરિકાથી લઈને લેટિન અમેરિકા અને યુરોપ સુધી સ્પેનનો સાંસ્કૃતિક અને ભાષાકીય દબદબો છે. આખરે સ્પેન જેવા નાના દેશે આ સિદ્ધિ કેવી રીતે મેળવી? તેની સરખામણીમાં વિશાળ જનસંખ્યા અને સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું ભારત આવી વૈશ્વિક પ્રતિભાઓ અને 'ગ્લોબલ સોફ્ટ પાવર' કેમ સતત નથી સર્જી શકતું? ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬માં સંભવિત ઓલિમ્પિકનું આયોજન કરવા માંગતા ભારતે સ્પેનની સિસ્ટમ, સભ્યતા અને સંસ્કૃતિ જાળવણી માટેના પ્રેમ અને ગૌરવની પ્રેરણા લેવી પડશે.
નડાલ કે ફૂટબોલ જ નહીં!
સ્પેનની રમતગમત સંસ્કૃતિને સમજવા માટે માત્ર એક કે બે રમતો જોવી પૂરતી નથી. સ્પેને લગભગ દરેક વૈશ્વિક રમતમાં પોતાના નામના ઝંડા લહેરાવ્યા છે.
ફૂટબોલ : સ્પેનિશ પુરુષ ટીમે ૨૦૧૦માં અને હવે ૨૦૨૬માં મેન્સ વર્લ્ડ કપ ફૂટબોલ અને ૨૦૦૮, ૨૦૧૨ તથા ૨૦૨૪માં યુરો કપ જીત્યો હતો. જ્યારે સ્પેનિશ મહિલા ટીમે ૨૦૨૩માં ફિફા વિમેન્સ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો. રિયલ મેડ્રિડ અને બાર્સેલોના જેવી ક્લબ્સ વિશ્વની સૌથી ધની અને લોકપ્રિય ક્લબ્સ છે.લા લીગા ફૂટબોલ ટુર્નામેન્ટ વિશ્વની આદરણીય મનાય છે. મેસી અને રોનાલ્ડો બંને સ્પેનની ક્લબમાં રમીને જ આ સ્તરે પહોંચ્યા છે.
ટેનિસ : લેજેન્ડ રાફેલ નડાલ કે જે ૨૨ ગ્રાન્ડ સ્લેમ સાથે 'કિંગ ઓફ ક્લે' કહેવાય છે - તેના પછી હવે સ્પેનનો ૨૧ વર્ષનો કાર્લોસ અલકારાઝ ટેનિસ જગત પર રાજ કરી રહ્યો છે. આ ઉપરાંત સ્પેન પાસે અગાઉ કાર્લોસ મોયા, અરાંત્ઝા સાંચેઝ અને ગાર્બાઇન મુગુરૂઝા જેવા ઓપન ચૅમ્પિયન્સ પણ રહ્યા છે. સ્પેને ૬ વખત ડેવિસ કપ પણ જીત્યો છે.
મોટર સ્પોર્ટ્સ : ફોર્મ્યુલા-૧માં બે વખતના વર્લ્ડ ચેમ્પિયન ફર્નાન્ડો અલોન્સો સિવાય વર્તમાનમાં કાર્લોસ સેન્ઝ જુનિયર પણ ધૂમ મચાવી રહ્યો છે. મોટરસાઇકલ રેસિંગ- મોટોજીપીમાં સ્પેનનો સંપૂર્ણ દબદબો છે; માર્ક માર્ક્વેઝ ૮ વખતનો વર્લ્ડ ચેમ્પિયન છે
બાસ્કેટબોલ : અમેરિકાની એન. બી. એ. બહાર જો કોઈ દેશે બાસ્કેટબોલ પર પ્રભુત્વ જમાવ્યું હોય તો તે સ્પેન છે. ૨૦૦૬ અને ૨૦૧૯માં સ્પેન વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. પાઉ ગાસોલ અને માર્ક ગાસોલ જેવા ખેલાડીઓએ વૈશ્વિક સ્તરે ડંકો વગાડયો છે.
બાઇસિકલ રેસિંગ : 'ટૂર ડી ફ્રાન્સ' જેવી વિશ્વની સૌથી કઠિન સાયકલિંગ સ્પર્ધા સ્પેનના સબાસિટીયન અંદુરાઇને સતત ૫ વખત જીતી હતી. આ સિવાય અલબર્ટો કોન્ટાદોર પણ આ રમતના મહાન ખેલાડી રહ્યા છે.
બેડમિન્ટન અને ગોલ્ફ : સામાન્ય રીતે એશિયાઈ પ્રભુત્વ ધરાવતી મહિલા બેડમિન્ટનમાં સ્પેનની કેરોલિના મરીને રિયો ઓલિમ્પિક્સ ૨૦૧૬માં ગોલ્ડ મેડલ જીતીને અને ૩ વખત વર્લ્ડ ચેમ્પિયન બનીને વિશ્વને ચોંકાવી દીધું હતું. ગોલ્ફમાં સેવિયાનો બલ્લેસ્ટેરોસ અને જોન રામ જેવા દિગ્ગજો સ્પેને આપ્યા છે.
કળા અને સર્જનના સ્વામી
સ્પેનની તાકાત માત્ર તેના ખેલાડીઓના કસબ અને સ્નાયુઓમાં જ નથી, પણ તેના કલાકારોની પીંછી અને કવિઓની કલમમાં પણ છે.
દુનિયાના શ્રેષ્ઠ ચિત્રકારોની યાદી સ્પેન વગર અધૂરી છે :
પાબ્લો પિકાસો : 'ક્યુબિઝમ' શૈલીના જનક અને ૨૦મી સદીના સૌથી મહાન ચિત્રકાર. તેમનું ચિત્ર 'ગ્યુએર્નિકા' યુદ્ધની ભયાનકતા દર્શાવતી વિશ્વની સૌથી પ્રખ્યાત કલાકૃતિઓમાંની એક છે.
સાલ્વાદોર ડાલી: 'સરિયલિઝમ' (અતિ-વાસ્તવવાદ)ના બાદશાહ તરીકે ઇતિહાસમાં સ્થાન ધરાવે છે. ઘડિયાળો ઓગળતી હોય તેવું તેમનું ચિત્ર 'ધ પસસ્ટન્સ ઓફ મેમરી' જગપ્રસિદ્ધ છે.
એન્ટોની ગૌડી : સ્થાપત્યકળાના જાદુગર મનાય છે. બાર્સેલોનામાં આવેલું તેમનું સર્જન 'સાગ્રાદા ફેમિલીયા' ચર્ચ છેલ્લા ૧૪૦ કરતાં વધુ વર્ષોથી બની રહ્યું છે અને તે સ્થાપત્યની અજાયબી ગણાય છે.
સિનેમા અને પોપ કલ્ચર
પેડ્રો અલ્મોદોવાર : ઓસ્કાર વિજેતા ફિલ્મ ડાયરેક્ટર, જેમણે સ્પેનિશ સિનેમાને આંતરરાષ્ટ્રીય ઓળખ આપી.
પેનેલોપ ક્રૂઝ અને જેવિયર બારડેમ : સ્પેનિશ કલાકારો જેમણે હોલિવૂડમાં પણ ઓસ્કાર એવોર્ડ જીતીને પોતાનું સ્થાન બનાવ્યું.
ઓટીટી અને મ્યુઝિક ક્રાંતિ : ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવનાર શ્રેણી 'મની હાઇસ્ટ' સ્પેનિશ સર્જન છે. સંગીતમાં સ્પેનિશ ગાયિકા રોઝાલિયા ગ્રેમી એવોર્ડ્સ જીતીને વૈશ્વિક પોપ મ્યુઝિક પર રાજ કરી રહી છે. સ્પેનમાં નયનરમ્ય લોકેશન્સ જળવાયા હોઈ પ્રવાસ અને ફિલ્મ શૂટિંગ માટે વિશ્વભરનુ હબ
મનાય છે.
વિશ્વશ્રેષ્ઠ કૃતિ : 'ડોન કીહોતે'
જ્યારે વિશ્વસાહિત્યની વાત નીકળે ત્યારે સ્પેનનું નામ સૌથી ઉપર આવે છે, કારણ કે સ્પેને દુનિયાને મિગ્યુએલ ડી સર્વાતિસ દ્વારા લિખિત 'ડોન કીહોતે' (ર્ઘહ ઊેૈર્ટાી) નામની અમર નવલકથા આપી છે. શેક્સપિયરના સર્જનની હરોળમાં આ કૃતિ સ્થાન પામે છે. ૧૬૦૫ અને ૧૬૧૫માં બે ભાગમાં પ્રકાશિત થયેલી આ પુસ્તકને 'વિશ્વની પ્રથમ આધુનિક નવલકથા' માનવામાં આવે છે. ૨૦૦૨માં નોર્વેજિયન બુક ક્લબ દ્વારા વિશ્વના ૧૦૦ શ્રેષ્ઠ લેખકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 'ડોન કીહોતે'ને 'ઇતિહાસની સૌથી શ્રેષ્ઠ નવલકથા' તરીકે ચૂંટવામાં આવી હતી.
ભારત કેમ ઉદાસીન
જ્યારે આપણે સ્પેનની સરખામણી ભારત સાથે કરીએ છીએ, ત્યારે કેટલીક કડવી વાસ્તવિકતાઓ સામે આવે છે. ૧૪૦ કરોડની વસ્તી ધરાવતું ભારત ઓલિમ્પિક્સમાં માંડ બે-ચાર મેડલ માટે ઝૂરતું હોય છે અને આપણું સાહિત્ય કે કલા વિશ્વ સ્તરે મુખ્ય પ્રવાહ નથી બની શકતા.
ક્રિકેટ કેન્દ્રિત : ભારતમાં રમતગમત એટલે માત્ર ક્રિકેટ. દેશનું ૯૦% રમતનું રોકાણ, સ્પોન્સરશિપ અને મીડિયા કવરેજ માત્ર ક્રિકેટ પાછળ વપરાય છે. પરિણામે ફૂટબોલ, ટેનિસ, એથ્લેટિક્સ કે સ્વિમિંગ જેવા વૈશ્વિક રમતોમાં ભારતીય પ્રતિભાઓને નાણાકીય સહકાર કે આંતરમાળખું મળતું નથી. સ્પેને ક્યારેય પોતાની જાતને કોઈ એક રમત પૂરતી સીમિત નથી રાખી.
નોકરી - ધંધો : ભારતમાં આજે પણ મધ્યમ વર્ગ માટે શિક્ષણનો અર્થ 'એન્જિનિયરિંગ, મેડિકલ કે સરકારી નોકરી' મેળવવાનો છે.બહુ તો ધંધો કરવો તે જ જીવન. જો કે ક્રિકેટ, ચેસ, બીલીયર્ડ્સ - સ્નુકર અને અન્ય રમતોમાં છુટાછવાયા વિજય કે મેડલ જીતે છે પણ ઓવરઓલ સ્પોર્ટ્સમાં વૈશ્વિક પાવર નથી. ફૂટબોલમાં વિશ્વમાં ૧૩૯મો ક્રમાંક છે.સ્પેનમાં રમતગમત કે કળા એ એક સંપૂર્ણ અને સન્માનજનક કારકિર્દીનો વિકલ્પ છે, જ્યારે ભારતમાં તેને 'જોખમ' માનવામાં આવે છે.
ગ્રાસરૂટ સિસ્ટમનો અભાવ
ભારતમાં પ્રતિભાઓની કમી નથી, પણ પ્રતિભાને શોધવાની અને તેને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાની સિસ્ટમનો અભાવ છે. આપણી પાસે સરકારી સ્પોર્ટ્સ ઓથોરિટીઓ છે, પણ તેમાં રાજકારણ, ભ્રષ્ટાચાર અને અમલદારશાહી હાવી છે. સ્પેને સ્પોર્ટ્સનું વ્યાવસાયિકીકરણ અને વિકેન્દ્રીકરણ કર્યું છે, જ્યાં ક્લબ્સ જાતે પ્રતિભાઓને નાની ઉંમરે દત્તક લે છે.સરકારની ખાસ કોઈ દરમ્યાનગીરી નથી.
માર્કેટિંગમાં નબળા
ભારત પાસે હજારો વર્ષ જૂનું સમૃદ્ધ સાહિત્ય (વેદ, ઉપનિષદ, મહાભારત, કાલિદાસની કૃતિઓ) છે. પરંતુ આપણે તેને આધુનિક સમયમાં વૈશ્વિક સ્તરે માર્કેટ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. સ્પેને પોતાની ભાષા અને સંસ્કૃતિને હોલિવૂડ અને નેટફ્લિક્સ જેવા માધ્યમો દ્વારા વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડી. ભારતનું સિનેમા (બોલિવૂડ/ટોલિવૂડ) મોટાભાગે વિદેશમાં વસતા ભારતીયો પૂરતું જ સીમિત રહે છે, તે બિન-ભારતીય વૈશ્વિક દર્શકોને 'મની હાઇસ્ટ'ની જેમ આકષત નથી કરી શકતું.
જ્ઞાન પોસ્ટ
સ્પેન આપણને એક અનોખો પાઠ શીખવે છે. મહાનતા માટે મોટી વસ્તી, વિશાળ વિસ્તાર કે અખૂટ કુદરતી સંપત્તિ જરૂરી નથી. જરૂરી છે એવી સંસ્કૃતિ, જે બાળકના હાથમાં બોલ પણ આપે, રંગોની પેટી પણ આપે, પુસ્તક પણ આપે અને સપનું જોવાની હિંમત
પણ આપે.









