Ravi Purti

ગાયના ગોબરનો રૂ.૪૦૦ કરોડનો મધમધતો વેપાર

By GS Team
4 Oct 20269 mins read
ગાયના ગોબરનો રૂ.૪૦૦ કરોડનો મધમધતો વેપાર
  • હોટલાઈન-ભાલચંદ્ર જાની
  • ગાયના છાણમાં નાઈટ્રોજન, પોટાશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવાં ખનીજો હોય છે. જે ખેતીમાં છોડના વિકાસ માટે ખૂબ ઉપયોગી હોય છે….

ભા રત સરકાર દેશના ખેડૂતોની આવક વધે તે હેતુથી અવનવા કદમ ઉઠાવી રહી છે. હવે એક નવો વિકલ્પ મળ્યો છે ગાયના ગોબરની નિકાસનો. આમ પણ ગાયનું સ્થાન ભારતીય સંસ્કૃતિમાં અત્યંત મહત્ત્વનું છે.
મહાભારતના અનુશાસન પર્વમાં છેલ્લે એ વાત આવે છે કે લક્ષ્મીનો વાસ છાણમાં છે. વ્યાસ મુનીએ એવંત પણ સૂચિત કર્યું હતું કે ભારતની સમૃધ્ધિ છાણમાં રહેલી છે.
એજ રીતે સંત રહીમે જે ત્રણ ધનનું વર્ણન કર્યું છે તેમાં ગોધન, ગજધન અને બાજીધનનો સમાવેશ થાય છે. અર્થાત્ જૂના જમાનામાં જેના ઘરે સૌથી વધુ ગાયો તે વ્યક્તિની ગણના શ્રીમંતમાં થતી હતી.
કામધેનુ પણ ગાય માટે વપરાતો પર્યાય છે જે તેની ઉપયોગિતા પુરવાર કરે છે. પરંતુ આજે કોઈ પણ વસ્તુની ઉપયોગિતાના માપદંડો બદલાઈ ગયા છે. તે વસ્તુ કેટલી આવક રળી આપે છે તેના આધારે મહત્ત્વ નક્કી કરવામાં આવે છે. તેથી ગાય પણ આજે બજારુ વસ્તુ બની ગઈ છે. જ્યાં સુધી ગાય દૂધ આપે ત્યાં સુધી વહાલી છે, પરંતુ વસૂકી ગયા અથવા ઘરડી થયા બાદ તેનું સ્થાન કસાઈવાડામાં જ છે. વિશ્વની માંસ લૉબી દૂધાળાં ઢોરોની કતલ કરતાં પણ અચકાતી નથી. તેને દરેક ક્ષણે રૂપિયા અને ડૉલરનો રણકાર જ સંભળાય છે. ગાયનું મૂત્ર અનેક રોગોમાં અકસીર દવા તરીકે કામ કરે છે. તેથી તેનું મૂત્ર બજારમાં સારા ભાવ ઉપજાવે છે. યુ.પી.ની સરકારે તાજેતરમાં જ એવી જાહેરાત કરી છે કે તેઓ પ્રતિલીટર ૧૦ રૂપિયાના ભાવે ગૌમૂત્ર ખરીદશે! આ રીતે એકત્ર કરાયેલા ગૌમૂત્રમાં જડીબુટ્ટીઓ ભેળવીને ખેતી માટે ઉપયોગી જૈવિક ખાતર, જંતુનાશકો અને દવા બનાવવામાં આવશે. આ રીતે શુદ્ધ ગૌમૂત્ર તો બજારમાં કિંમતી જણસ બની ગઈ છે. ગૌશાળા બનાવવામાં અનેક મુશ્કેલીઓ છે. આપણે ગાયને કસાઈવાડે જતાં બચાવવી હોય તો તેની ઉપયોગિતા વધારવી પડશે.
ભારતમાં પરંપરાગત રીતે મૃતકને બાળવા માટે લાકડાં, વીજળી કે ગેસનો ઉપયોગ થાય છે. પરંતુ હવે બાળવા માટે નકામું લાકડું બચ્યું નથી.
ગાયનો સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો દૂધ નથી, એનું છાણ છે. એના છાણનો અગ્નિસંસ્કાર માટે ઉપયોગ થવો જોઈએ. હિન્દુઓ માટે ગાય પવિત્ર છે અને આથી લાકડાને બદલે છાણાંના ઉપયોગ સામે વાંધો ન હોવો જોઈએ.
છાણના બીજા કેટલાંક દેશી ઉપાયો પણ છે. જેમ કે અડાયા (નાના કદના છાણા)ની રાખ અનાજમાં નાંખવામાં આવે તો તેમાં વર્ષો સુધી જીવાત પડતી નથી.
છાણના શેકથી કરોડો સુવાવડી સ્ત્રીઓ પ્રસૂતિ પછી પોતાનું આરોગ્ય જલદી પુન: પ્રાપ્ત કરી શકે છે.
જો કે રાજકીય રોટલા શેકવા નેતાઓ ગૌમૂત્ર ગોબરની ઉપયોગિતાની ઠેકડી ઉડાવી રહ્યા છે. તેની સમાંતરે કુવૈતના વૈજ્ઞાનિકોએ ખજૂરના પાકનાં ઉત્પાદન અને ગુણવત્તા માટે ભારતીય ગાયનાં ગોબરને નેત્રદીપક રીતે ફાયદાકારક હોવાનું અનુભવતાં છાણનિકાસ માટે વિશ્વબજારમાં ક્ષિતિજો વિસ્તરી છે. અખાતી દેશ કુવૈત ભારતીય ગૌ ગોબર મોટી માત્રામાં મગાવે છે. ભારતીય ગાયનાં ગોબરની પહેલી વિદેશી ખેપ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશથી મોકલવામાં આવી હતી.
વિશ્વમાં અત્યારે ગણ્યાગાંઠયા ત્રણ-ચાર દેશો છે જે ગાયના ગોબરની નિકાસ કરે છે. મુખ્યત્વે ભારત, ચીન અને વિયેતનામ છાણની નિકાસમાં અગ્રેસર છે. અલબત્ત, ચીનની સરખામણીએ ભારત ત્રીસ ગણું વધારે છાણની નિકાસ કરે છે.
ભારતીય ગાયનું છાણ ખરીદનારા દેશો છે કુવૈત, માલદીવ, નેપાળ, ન્યુઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, અમેરિકા અને સિંગાપુર.
થોડા મહિના પૂર્વે કૃષિ એવમ્ પ્રૌદ્યોગિક વિશ્વવિદ્યાલયનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક કાર્યક્રમમાં એવો દાવો કરાયો હતો કે કુવૈતના કૃષિ વૈજ્ઞાનિકોએ ખજૂરની ખેતી માટે ગાયનાં ગોબર થકી ઉત્પાદનવૃદ્ધિ અને ગુણવત્તા સુધારનું સ્વીકાર્યું છે. આમ, ગૌ ગોબર નિર્યાતની સંભાવનાઓમાં વધારાનાં બારણા ખુલી રહ્યાં છે.રાજસ્થાનના એક મંત્રીના દાવા મુજબ ભારત ગોબર નિર્યાતમાં દુનિયામાં સૌથી મોટો દેશ બની ગયો છે. અત્યાર લગી રાજસ્થાન અને ઉત્તરપ્રદેશથી કરાતી નિકાસ આવનારા સમયમાં અન્ય રાજ્યોમાંથી વિસ્તારવાની
યોજના છે.
એવું રખે માનતા કે ગાયના છાણની સીધેસીધી નિકાસ થાય છે.
નિકાસ કરતાં પહેલાં છાણને સૂકવી, સ્ટરીલાઈઝ કરીને તેનો પાવડર બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને ભેજ- પ્રૂફ કોથળીમાં ભરી પેકિંગ તૈયાર કરાય છે. આ પ્રકારનું પેક છાણ જગતના વિવિધ ૩૦૦ ખરીદદારોને મોકલાય છે. ભારતના ૧૮૦થી વધુ નિકાસકારો આ ધંધામાં સંકળાયેલા છે. વિદેશોમાં ગાયના છાણનું બાયો ફર્ટિલાઈઝરમાં વર્ગીકરણ થયું છે.
ગાયના છાણમાં નાઈટ્રોજન, પોટાશિયમ, ફોસ્ફરસ જેવા સત્વ હોય છે. ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવાં ખનીજો હોય છે. જે ખેતીમાં છોડના વિકાસ માટે ખૂબ ઉપયોગી હોય છે. આ સિવાય છાણમાં સૂક્ષ્મ માઈક્રોબ્સ હોય છે જે છાણનું ઝડપથી વિઘટન કરી માટીને પોષક તત્ત્વ પૂરાં પાડે છે.
ભવિષ્યમાં અમૂલ ડેરીની રાહે ગાય ઉછેરનારા સહકારી ધોરણે છાણ એકઠું કરી તેનું પ્રોસેસિંગ કરીને નિકાસ કરી શકે છે.
જયપુરમાં ટોક રોડ સ્થિત પાંજરાપોળ - ગૌશાળામાં સનરાઇઝ ઓર્ગેનિક પાર્કમાં છાણને પાઉડર રૂપે પેક કરવામાં આવ્યું. કુવૈતના કૃષિ વૈજ્ઞાનિકોનાં સંશોધનમાં અનુભવાયું કે ગોબર પાઉડર રૂપે પ્રયોગ કરવાથી ખજૂરનો પાક ગણનાપાત્ર રીતે વધે છે. તદુપરાંત, ફળ અને આકારમાં પણ વૃદ્ધિ થતી હોવાથી કુવૈતની કંપની લૈમોરે મોટો ઓર્ડર ભારતને આપેલો.
ભારતમાં લગભગ ૩૦ કરોડ ગાય છે, જેનાથી પ્રતિદિન લગભગ ૩૦ લાખ ટન ગૌ ગોબર ઉત્પન્ન થાય છે. ભારતમાં ગોબરનો ઉપયોગ છાણા બનાવીને ઇંધણરૂપે કરાય છે. એક અહેવાલ પ્રમાણે ગાયનાં છાણનો ઉપયોગ કેવળ ૧૫ ટકા થાય છે. ૮૫ ટકા ગો ગોબર નકામું - બિનવપરાશી જાય છે. ભારતમાં ભીનાં છાણનું ઉત્પાદન ૫૬૨ મિલિયન ટન થાય છે. ઉત્પાદિત છાણમાં પશુઓનો ફાળો ૬૦ ટકા છે. ૪૫૦ કિ.ગ્રા. વજન ધરાવતી ગાય દરરોજ લગભગ ૨૫થી ૩૦ કિ.ગ્રા. ગોબર
આપી શકે.
ભારતનાં ગૌ ગોબરની માંગ યુ.એસ., યુ.કે., યુરોપિયન અને ખાડી દેશોમાં વધી રહી હોવાથી આવનારા સમયમાં 'મિલિયન કાઉ ડંગ' ભારતથી નિકાસ થશે. જાપાને પણ સ્વીકાર્યું છે કે ગોબરથી બનેલાં ઇંધણથી શાનદાર પરિણામો મળ્યાં છે. ગૌ ગોબર બિનઝેરી ખાતર છે. ખોરાકમાં કોઇ વિઘાતક અસર છોડતું નથી. કૃષિ ઉત્પાદન વધે છે. રસાયણો વિના સારી જમીન વ્યવસ્થાપન અને વધુ બાયો ડાયનેમિક પદ્ધતિઓ ધીમે ધીમે હવે વેગ પકડી રહી છે. ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનની માંગ વિશ્વબજારમાં દર વર્ષે લગભગ ૨૦ ટકા વધી રહી છે. આમ પણ ખેતીમાં છાણનું સેન્દ્રિય ખાતર ધરતીમાં નિતનવા રસકસા ભરે છે.
ગાયનું છાણ હવે ઓનલાઇન અને મોંઘા ભાવે વેચાઇ રહ્યું છે. જાણીતી ઇ-કોમર્સ વેબસાઇટો પર ગાયનું છાણ ૩૦૦થી ૫૦૦ રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાઇ રહ્યું છે.
ગુજરાતમાં રાજકોટ, બનાસકાંઠા, વડોદરા અને સુરેન્દ્રનગર વિસ્તારમાંથી આ પ્રકારના છાણાં એકત્ર કરી જથ્થાબંધ ભાવે વેચાણ કરતા વેપારીઓ છે.
થોડા વર્ષ પૂર્વે નેધરલેન્ડથી આયાત કરાઈ રહેલું ૭૦ લાખ ટન છાણ ગુજરાતનાં બંદરોમાં ઉતારવાની અને ત્યાં આજુબાજુના વિસ્તારોમાં તેને સૂકવીને તેનું પ્રાણીજન્ય ખાતર બનાવવાની યોજના ઘડાઇ હતી.
આ અંગે સેવ બોમ્બે કમિટીના અઘ્યક્ષે વડા પ્રધાન ને એક પત્ર લખી વિનંતી કરી હતી કે ૭૦ લાખ ટન જેટલી છાણની આયાત કોઇપણ ભોગે બંધ થવી જ જોઇએ.
ખરેખર આપણે માટે દિલગીરીજનક બાબત તો એ છે કે વિકસિત દેશો તેમના દેશોમાં ઉત્પન્ન થતા ભયજનક કચરાને સામાન્ય વેપાર ગણીને અવિકસિત દેશોમાં ડમ્પિંગ કરી રહ્યા છે.
નેધરલેન્ડમાં ભયંકર ઠંડી છે એટલે ત્યાં છાણ ઝડપભેર સુકાતું નથી અને તેમાંથી સતત મિથેન વાયુ નીકળ્યા કરે છે અને ત્યાં પર્યાવરણને દૂષિત કરે છે એટલે તેઓ છાણ આ દેશમાં મોકલી રહ્યા છે. એમ કરીને તેઓ તેમના પર્યાવરણને સ્વચ્છ કરી રહ્યા છે. આપણે આ બાબત સમજી લેવાની છે.
ભારતના કેટલાંક પર્યાવરણ નિષ્ણાતોએ એવી ચેતવણી આપી હતી કે વિદેશથી આયાત થનારા ગોબરથી દેશમાં મેલેરિયા અને બીજા રોગો ફાટી નીકળશે અને તે જીવાત આપણી જમીન કોરી ખાશે.
સરકારે કોઇપણ સંજોગોમાં ભારતના કોઇપણ બંદરે આ છાણની આયાત કરવા દેવી નહીં.
ખેર, ભારતમાં ગાયના છાણમાંથી બળતણ ઉપરાંત બીજી શોધો કરવા માટે અનેક પ્રયોગો થઈ રહ્યા છે. ગોબર ગૅસ વીજળીનું માધ્યમ બન્યું ત્યારથી આ દિશામાં લોકોનું ચિંતન વધવા લાગ્યું છે તેથી રિસર્ચ કરનારા વિદ્યાર્થીઓ પણ છાણ પર અનેક પ્રકારના પ્રયોગો કરી રહ્યા છે. આમાં અત્યાર સુધી મળેલી સૌથી મોટી સફળતા છાણમાંથી કાગળ બનાવવાની છે, કારણકે જંગલો સાફ થવા લાગ્યાં હોવાથી કાગળ માટેનો કાચો માવો મળતો હવે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે. એક ટન કાગળ બનાવવા માટે સરેરાશ ૧૩ વૃક્ષની જરૂર પડે છે. આ ગણિતના આધારે કાગળ બનાવવા કેટલાં જંગલો કાપવાં પડે છે એ બાબતનું અનુમાન એટલા પરથી લગાવી શકાય છે કે હવે ભારતમાં ફક્ત આઠ ટકા જંગલો જ બચ્યાં છે. જો આમ જ રહ્યું તો એ દિવસ દૂર નથી, જ્યારે ભારતની ધરા વૃક્ષહીન બની જાય. આ કારણસર જ હવે આપણે વૃક્ષો સિવાય અન્ય પદાર્થમાંથી કાગળ બનાવવાની શોધ કરવી જરૂરી છે.
રદ્દી કાગળ અને કપડાંની ચિંદીમાંથી કાગળ અને પૂઠ્ઠું બનાવાય છે, પરંતુ એક વખત બનેલી વસ્તુનો ઉપયોગ કર્યા બાદ તેમાંથી નવી બનાવવાનો અર્થ થાય છે ગુણવત્તાની દ્રષ્ટિથી હલકો માલ, કાગળ બનાવવાની થયેલી છેલ્લી શોધ મુજબ ઑસ્ટ્રેલિયામાં કાંગારું અને થાઈલૅન્ડમાં હાથીના મળમાંથી કાગળ બનાવવામાં આવે છે.
કાગળ બનાવવા માટે સૌથી વધુ જરૂરત સેલ્યુલોઝ રેસા (થ્રેડ અથવા રેમ્પ)ની પડે છે. ધાગા જેવા રેસા અને વાંસનો મુખ્યત્વે કાગળ બનાવવામાં ઉપયોગ થાય છે. ઑસ્ટ્રેલિયાની એક સંસ્થા જ્યુટ (શણ) અને ભીંડામાંથી કાગળ બનાવવાના પ્રયોગો કરી રહી છે, તેમાં નારિયેળી અને ખજૂરનાં ઝાડ પણ ઉપયોગી સાબિત થયાં છે.
ઑસ્ટ્રેલિયાની એક કંપની જેનું નામ ક્રિયેટિવ પેપર (તાસ્માનિયા) છે તે કાંગારુંના મળમાંથી કાગળ બનાવે છે. તેવી જ રીતે થાઈલૅન્ડની એક કંપનીએ કાગળ બનાવવા માટે હાથીના મળનો ઉપયોગ સફળતાપૂર્વક કર્યો છે.
ભારતમાં ગૌધનનું પ્રમાણ પુષ્કળ છે અને ગાયના છાણમાં પણ આવા રેસા વિપુલ પ્રમાણમાં મોજૂદ હોવાથી કાગળ બનાવવા માટે ગાયનું છાણ અત્યંત ઉપયોગી સિદ્ધ થયું છે. ભારતીય ઓલાદની ગાયના છાણમાં આવા રેસા વધુ પ્રમાણમાં હોય છે, જ્યારે જર્સી ગાયમાં તે ઓછા જોવા મળે છે. ભેંસના છાણમાં પણ રેસાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.
અલબત્ત, ગોબરનો સૌથી વધુ ઉપયોગ છાણના લૉગ બનાવવા થાય છે. રીતસર ગાયના છાણના લૉગ -મોટા મોટા ટુકડા બનાવવાનું મશીન બન્યું છે. મશીનની કિંમત પચીસથી પાંત્રીસ હજાર રૂપિયા છે. છાણ અને ખેતરમાં વધેલા સાંઠીકડાથી આ લૉગ બનાવવામાં આવે છે. મશીનમાંથી જુદી જુદી સાઈઝના લૉગ બનાવી શકાય છે. લૉગને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે, જેથી એ કઠણ અને મજબૂત બની જાય. આ મશીન વીજળીથી-એક હોર્સ પાવરની મોટરથી અથવા હાથેથી પણ ચલાવી શકાય છે. એ ચલાવવાનું બહુ સરળ છે અને વધુ દેખભાળ કે શ્રમની જરૂર પડતી નથી. મહિલાઓ પણ એને કુશળતાથી ચલાવી શકે છે. મશીન દ્વારા એક મિનિટમાં ત્રણ બાય ત્રણ ઈંચનું, ત્રણ ફૂટ લાંબુ એક બ્લોક એક મિનિટમાં બને છે. ચુલા અને હવનમાં ઉપયોગ માટે નાના લાગ પણ બની શકે છે. બાયોગેસ યુનિટની સ્લરીમાંથી પણ લાગ બનાવી શકાય છે, જો કોઈ સ્મશાનગૃહને લાગ પૂરા પાડવાનો કોન્ટેક્ટ લે તો ગૌશાળા અને પોતાના માટે લાખોની કમાણી કરી શકે. ગાયો ભૂખે મરતી બંધ થશે અને એમના પ્રત્યેનું વર્તન પણ બદલાશે.
આ મશીન નિર્માતાએ બીજું પણ એક મશીન બનાવ્યું છે, જેમાં છાણમાંથી જુદાં જુદાં કદનાં કૂંડાં બનાવી શકાય છે. આવાં કૂંડાં બનાવીને વેચી શકાય અથવા વન વિભાગની નર્સરી કે ખાનગી નર્સરીને પણ વેચી શકાય. આ કૂંડાં છોડને પોષણ આપે છે, વરસાદમાં ટકી શકે છે અને કંડાં સાથે જ છોડને જમીનમાં વાવી શકાય છે. એમ થશે તો વૃક્ષારોપણમાં નોંધપાત્ર વધારો થશે અને પર્યાવરણ પણ બદલાશે. રાજ્ય સરકારે તેમની નીતિ બદલવી જોઈએ.
આપણે સૌ જાણીયે છે કે ભારતના ગામડામાં સદીઓથી લોકો ઘર બનાવવા માટે ગાયના છાણનો ઉપયોગ કરતા આવ્યા છે. ગૌમૂત્રનો ઔષધિ અને જંતુનાશક તરીકેનો ઉપયોગ સર્વવિદીત છે. અને હવે તો ઘરને રંગવા (પેઈન્ટ) કરવા ગાયના છાણમાંથી બનાવેલા ડિસ્ટેમ્પર અને ઈમલ્સન પણ મળતા થયા છે. જયપુરની કુમારપ્પા નેશનલ હેન્ડમેઈડ પેપર ઈન્સ્ટિટયુટ (કેએનએચપીઆઈ)એ આવા ઓર્ગેનિક ડિસ્ટેમ્પર અને ઈમલ્સન વિકસાવયા છે.
એવી જ રીતે આપણે સૌ જાણીએ છીએ કે સેલ ફોનનો દિન - પ્રતિદન વધતો જતો ઉપયોગ નુકશાનકારક છે આ સેલફોનના રેડીએશન ઘટાડવા માટે રાજકોટના એક વિદ્યાર્થીએ ગાયના છાણ, ગુગળ સહિતના જુદા જુદા દ્રવ્યો તૈયાર કરીને તેની સાથે સર્કીટ જોડી કૃતિ તૈયાર કરી છે આ રીતે ગાયના છાણમાંથી બનાવેલી પુંઠાની ચીપ્સ સેલફોનનું રેડિયેશન ઘટાડે છે.
બધી વાતનો સાર એ છે કે છાણમાં ભારતના અર્થતંત્રને સુદ્રઢ કરવાની તાકાત છે. વસૂકી ગયેલી ગાય-ભેંસને કે વૃધ્ધ બળદોને નકામા ગણીને કતલખાને ધકેલવાના બદલે તેમના છાણ-મૂત્રમાંથી ખેડૂતો-પશુપાલકો આવકનું નવું સ્રોત ઊભું કરી શકે છે. છાણ તો ખરેખર આપણી અન્ન, વીજળી, ઇંધણ, પોષણ, જંગલો, રોજગાર ઇત્યાદિની તંગીનો સચોટ જવાબ છે.