Sports

ગિલે રોહિત-કોહલીના સંન્યાસ પર તોડી ચુપકીદી, બંને દિગજ્જોની વર્લ્ડ કપ-2027માં એન્ટ્રી અંગે કરી મોટી વાત

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
વેસ્ટ ઇન્ડિઝ સામે 2-1થી વનડે શ્રેણી જીત્યા બાદ શુભમન ગિલે રોહિત અને વિરાટની નિવૃત્તિ અંગે મોટો ખુલાસો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં ગિલે જણાવ્યું કે, રોહિત-વિરાટ શાનદાર ફોર્મમાં છે અને 2027 વર્લ્ડ કપના પ્લાનિંગનો મહત્વનો ભાગ રહેશે. ટીમને તેમની જરૂર છે, કારણ કે હવે પ્રયોગોનો સમય નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગિલે રોહિત-કોહલીના સંન્યાસ પર તોડી ચુપકીદી, બંને દિગજ્જોની વર્લ્ડ કપ-2027માં એન્ટ્રી અંગે કરી મોટી વાત

Shubman Gill On Rohit Virat Retirement: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી 2-1 થી પોતાના નામે કરી લીધી છે. ત્રણ મેચોની આ શ્રેણીમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ બેટથી અદ્ભુત પ્રદર્શન કર્યું. આ સિવાય કેપ્ટન શુભમન ગિલે પણ પોતાની બેટિંગથી ફેન્સના દિલ જીતવામાં સફળતા મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીની અંતિમ મેચ ભારતીય ટીમ જીતવામાં સફળ રહી નહોતી. તેમ છતાં શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ટીમે 2-1 થી સિરીઝ જીતવામાં સફળતા મેળવી હતી.

શુભમન ગિલની ખુલ્લા મને વાત

મેચ પૂરી થયા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર શુભમન ગિલે ખુલીને વાત કરી હતી. ગિલના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, હાલમાં આ બંને દિગ્ગજો વિના ટીમ ઈન્ડિયાનું પ્લાનિંગ અધૂરું છે, અને તેઓ 2027 વનડે વર્લ્ડ કપના પ્લાનિંગનો મહત્વનો હિસ્સો બની રહેશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વનડે પછી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન ગિલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રોહિત અને વિરાટ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ટીમને જ્યારે પણ જરૂર પડી છે, ત્યારે તેમણે શ્રેષ્ઠ ઈનિંગ્સ રમી છે.

શ્રેષ્ઠ ફોર્મમાં છે કોહલી અને રોહિત

ગિલે કહ્યું કે, 'આ બંને ખેલાડીઓ ખરેખર ખૂબ જ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. આપણે જોયું કે, રોહિત ભાઈએ છેલ્લી ચાર ઈનિંગ્સમાં કમાલની બેટિંગ કરી છે. વિરાટ ભાઈ પણ જબરદસ્ત ફોર્મમાં છે અને જ્યારે પણ કે.એલ. રાહુલને તક મળી છે, તેમણે પણ ટીમ માટે શાનદાર યોગદાન આપ્યું છે.'

2027 વર્લ્ડ કપ અંગે શું કહ્યું?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું ટીમ યુવા ખેલાડીઓને અજમાવવા માટે આ દિગ્ગજોને આરામ આપી શકે છે? આ સવાલ પર ગિલે સ્પષ્ટ કહ્યું કે, હવે બહુ વધારે પ્રયોગ કરવાનો સમય બચ્યો નથી. ટીમે વર્લ્ડ કપ પહેલાં પોતાની પાકી પ્લેઈંગ ઈલેવન નક્કી કરવી પડશે, જેથી તમામ ખેલાડીઓ એકસાથે મળીને રમી શકે.

દિગ્ગજોનો જલવો યથાવત્

રોહિત શર્મા (39 વર્ષ) અને વિરાટ કોહલી (37 વર્ષ) ની ઉંમરને લઈને અવારનવાર સવાલો ઉઠાવવામાં આવે છે, પરંતુ મેદાન પર તેમના બેટમાંથી નીકળી રહેલા રન ટીકાકારોને કડક જવાબ આપી રહ્યા છે. સિરીઝ દરમિયાન વિરાટે પોતાની વનડે કારકિર્દીની 55મી સદી ફટકારી, તો રોહિતે પણ સતત ઉત્કૃષ્ટ ઈનિંગ્સ રમીને સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક આંકડો છે. કેપ્ટન ગિલના આ નિવેદન બાદ એ તો નક્કી છે કે, હાલમાં રોહિત અને વિરાટ બ્લ્યૂ ટી શર્ટમાં પોતાનો જાદૂ પાથરતાં જોવા મળશે. ભારતીય ક્રિકેટ ફેન્સ પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીને વર્ષ 2027ના વર્લ્ડ કપમાં રમતા જોવા માગે છે.