મોઢેરામાં સૂર્યમંદિરના નિર્માણને 1000 વર્ષ : સોમનાથ ધ્વસ્ત થયું એ જ વર્ષે સૂર્યમંદિર બન્યું

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- ૧૦૨૬-૨૦૨૬
- સોલંકીકાળના શિલ્પ-સ્થાપત્ય માટે જગવિખ્યાત મોઢેરાના સૂર્યમંદિરનું બાંધકામ વિ.સ. ૧૦૮૩માં પૂરું થયું હતું. ભીમદેવ સોલંકીએ ગઝનીના હુમલા પછી ફરીથી રાજ્ય મેળવ્યું તેના સ્મરણમાં મંદિર બંધાવ્યું હતું
અ ફઘાનિસ્તાનના ગઝનીથી મહમૂદ સોમનાથ આવ્યો ને ગયો એ દરમિયાન પશ્ચિમ ભારતમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે મોટો આઘાત આપતો ગયો. આ ધાર્મિક ઉઝરડાં તો સદીઓ સુધી પીડતા રહેવાના હતા. ઈતિહાસકારો નોંધે છે : મહેમૂદ વંટોળિયાની જેમ આવ્યો ને વંટોળિયાની જેમ ચાલ્યો ગયો, પરંતુ એટલા સમયમાં અનેક રાજાઓના સિંહાસનો ડોલી ગયા. મહમૂદ ગઝનીએ સોમનાથ લૂંટયું ત્યારે ભારતના રાજાઓએ સંગઠિત થઈને સામનો ન કર્યો ને પોત-પોતાની રીતે પ્રતિકાર કર્યો, પણ ગઝનીને રોકી શક્યા નહીં.
એવો જ પ્રતિકાર તે વખતના પાટણના રાજા ભીમદેવ સોલંકીએ કર્યો. ભીમદેવે મહમૂદ જતો હતો ત્યારે તેની પાછળ પડીને હુમલા કર્યા. મહમૂદ સોમનાથ લૂંટીને પાછો ફર્યો એ પછી ભીમદેવે ફરીથી પોતાનું રાજ્ય મેળવ્યું ને સોમનાથ ફરીથી બાંધ્યું.
ને એ જ વર્ષે ભીમદેવે મોઢેરામાં સૂર્યમંદિરનું બાંધકામ પણ શરૂ કરાવ્યું. તે વખતની ગુજરાતની પ્રજાને લાગેલા ધાર્મિક આઘાતની પીડામાંથી રાહત આપવા એક તરફ સોમનાથ મંદિરની જૂની ભવ્યતા પાછી લાવવાની કવાયત શરૂ થઈ. બીજી તરફ મોઢેરામાં ભવ્ય સૂર્યમંદિર બનવાનું શરૂ થયું. સૂર્યમંદિર મોઢેરામાં જ કેમ બન્યું તેની પણ જુદી જુદી ધારણાઓ છે. મહમૂદે ચઢાઈ કરી ત્યારે મોઢેરાથી ભીમદેવના ૨૦ હજાર સૈનિકોએ પ્રતિકાર કર્યો હતો અને એ સૈનિકો ધર્મની રક્ષા કાજે ખપી ગયા હતા. મોઢેરામાં સૂર્યમંદિર બનાવવાનું એક કારણ એ ગણાય છે.
મહેમૂદના સૈન્યને વિખેરવા જે હુમલા થયા હતા તેનો વ્યૂહ ભીમદેવે મોઢેરાથી બનાવ્યો હતો. મોઢેરાએ ભીમનું શાસન પાછું લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ને ભીમદેવ સૂર્યવંશી રાજા હતા એટલે તેમણે સૂર્યમંદિર બાંધવા માટે મોઢેરા પસંદ કર્યું. મોઢેરાનું લોકેશન પણ એક કારણ ગણાય છે - ૨૩.૬ અક્ષાંશ વૃત્ત પર કર્કવૃત્ત નજીક આવેલા મોઢેરામાં વર્ષના કેટલાય મહિનાઓ સૂર્યના સીધા કિરણો પડતા હોવાથી પણ સૂર્યમંદિરના નિર્માણ માટે આ સ્થળ પસંદ કરવાની ભલામણ ખગોળવિદોએ ભીમદેવને કરી હતી. આ સ્થળ સૂર્યનો પ્રકાશ મંદિરમાં અંદર આવે તે પ્રકારના બાંધકામે માટે યોગ્ય હતું એટલે ગઝની પાછો ફર્યો એ જ વર્ષે ૧૦૨૬માં બાંધકામ શરૂ થયું. દેવનાગરીમાં મંદિર બંધાયાનું વર્ષ વિક્રમ સંવત ૧૦૮૩ નોંધાયું છે. એના પરથી ઈ.સ. ૧૦૨૬-૨૭નું વર્ષ ઈતિહાસકારોએ માન્ય રાખ્યું છે.
ભારતના પ્રાચીન ખગોળવિજ્ઞાનનો આધાર લઈને આ મંદિર બનાવાયું હતું. મંદિરમાં ભગવાન સૂર્યની સોનાની મૂર્તિ એવી રીતે બનાવવામાં આવી હતી કે સવારે પહેલું સૂર્યકિરણ મંદિરમાં પ્રવેશીને બરાબર સૂર્યની મૂત પર પ્રકાશ પાથરતું હતું. વીજળીની શોધ થઈ ન હતી તેના સેંકડો વર્ષો પહેલાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે સૂર્યોદય થાય તે સાથે જ આખું મંદિર ઝળહળી ઉઠતું હતું. હજુય સૂર્યમંદિરમાં એ જ રીતે સૂર્યપ્રકાશ ગર્ભગૃહ સુધી દાખલ થાય છે. બાંધકામ એવી રીતે થયું છે કે મંદિરની બરાબર ઉપર સૂર્ય તપતો હોય ત્યારે મુખ્ય મંદિરનો પડછાયો જમીન પર દેખાતો નથી. હજુ દર વર્ષે ૨૧મી માર્ચે અને ૨૩મી સપ્ટેમ્બરે સૂર્યોદય થાય ત્યારે પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશે છે.
સૂર્યમંદિરના મુખ્ય ત્રણ ભાગ છે. એક છે ગર્ભગૃહ, જેમાં ભગવાન સૂર્યની સોનાની મૂત હતી. કહેવાય છે કે પછીની સદીઓમાં થયેલા વિદેશી આક્રમણોમાં આ મૂત લૂંટાઈ ગઈ હતી અને મંદિરને પણ ખૂબ નુકસાન પહોંચ્યું. મંદિરનો બીજો ભાગ છે કીતતોરણ સાથેનો સભામંડપ. સભામંડપમાં બાવન સ્તંભ છે, જે વર્ષના બાવન સપ્તાહનું પ્રતીક છે. એક હજાર વર્ષ પહેલાં પણ વર્ષના બાવન સપ્તાહની સચોટ ગણતરી સોલંકીકાળના ખગોળવિદોએ કરી હતી. અત્યારનું પ્રચલિત ઈસવીસન કેલેન્ડર પણ ત્યારે આજના સ્વરૂપે ન હતું એ અર્થમાં સૂર્યની ગતિનું આ જ્ઞાન વિદ્વાનોને આશ્ચર્યમાં મૂકે છે.
મંદિરનો ત્રીજો હિસ્સો છે સૂર્યકુંડ. આ લંબચોરસ સૂર્યકુંડના પથ્થરોની ઝીણવટપૂર્વકની નકશી હજાર વર્ષ પૂર્વેના સ્થપતિઓની કલાસૂઝનો પરિચય આપે છે. સૂર્યકુંડ રામકુંડના નામેય ઓળખાય છે. પૂર્વથી પશ્ચિમ સુધી ૧૨૦ ફૂટ અને ઉત્તરથી દક્ષિણ સુધી ૧૭૫ ફૂટમાં ફેલાયેલા કુંડમાં નીચે ઉતરી શકાય તે માટે બધી તરફથી પગથિયા બનાવાયા છે. સૂર્યમંદિરમાં દર્શન કરતાં પહેલાં તે વખતે સૂર્યકુંડમાંથી ભગવાન સૂર્યને જળની અંજલિ આપવામાં આવતી હતી. સૂર્યકુંડના પગથિયાની આસપાસ નાના-નાના ૧૦૮ મંદિરો છે, જેમાં ગણેશ, વિષ્ણુ, નટરાજ સહિતના દેવતાઓને સ્થાન અપાયું છે.
આખાય મંદિરની બહાર ભારતીય મંદિરોમાં હોય છે એ રીતે દેવી-દેવતાઓની સેંકડો મૂર્તિઓ છે. એમાં ૧૨ આદિત્ય એટલે કે સૂર્યની મૂર્તિઓ પણ છે. ગ્રંથોમાં સૂર્યના ૧૨ નામો છે અને તેના મંત્રજાપનું ફળ મળે છે એવી ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને સૂર્યના બારેય સ્વરૂપોની મૂત સ્થાપિત થઈ છે. મંદિરમાં આઠ દિકપાલો છે. દિકપાલો એટલે આપણી આઠેય દિશાઓના રખેવાળો. ભારતમાં પ્રાચીન માન્યતા એવી હતી કે દિકપાલોએ પૃથ્વીને પકડી રાખી છે. ઈન્દ્ર, અગ્નિ, યમ, નેઋતિ, વરુણ, વાયુ, કુબેર અને ઈશાન એમ આઠ દેશો મંદિરની આઠેય દિશામાં છે. આ બેનમૂન બાંધકામોથી સૂર્યમંદિર અદ્વિતીય બને છે.
મંદિરની એક ખાસિયત એ છે કે જુદી જુદી દિશામાંથી મંદિર જોઈએ તો એની ડિઝાઈન જુદી જુદી લાગે છે. આ તેની બાંધકામની કરામત બતાવે છે. યુનેસ્કોએ ૨૦૨૨માં મોઢેરાના સૂર્યમંદિરને અસ્થાઈ હેરિટેજ લિસ્ટમાં મૂક્યું છે. પુરાતત્ત્વ વિભાગે સૂર્યમંદિરને રક્ષિત સ્મારક જાહેર કર્યું છે. થોડા સમય પહેલાં આખું મંદિર પરિસર સૂર્યઉર્જાથી ચાલે તેવી વ્યવસ્થા થઈ હોવાથી આ સોલરપાવરથી ચાલતી દુનિયાની પહેલી હેરિટેજ સાઈટ છે. મકરસંક્રાંતિ પછી દર વર્ષે ત્રણ દિવસનો નૃત્ય મહોત્સવ ઉજવવામાં આવે છે. તેને ઉત્તરાર્ધ મહોત્સવ કહેવાય છે. મોઢેરાનો સુવર્ણયુગ હતો ત્યારે ભારતીય શાસ્ત્રીય નૃત્ય સભામંડપમાં યોજાતું હતું. એ પરંપરાને જીવંત રાખવા ગુજરાત સરકાર શાસ્ત્રીય નૃત્યનો મહોત્સવ યોજે છે.
સોલંકીકાળ ૯૦૦-૧૦૦૦ વર્ષ પહેલાં તત્કાલિન ગુજરાતનો ગોલ્ડન પીરિયડ હતો. એ સમય પછી મધ્યયુગમાં વિદેશી આક્રમણખોરોએ આ મંદિરને નુકસાન પહોંચાડયું હતું. અત્યારે સૂર્યમંદિરમાં શિખર ખંડિત છે. ભારતમાં ખંડિત મંદિરોમાં પૂજા કરવામાં આવતી નથી તેથી આ મંદિરમાં પણ પૂજા થતી નથી. પરંતુ મોઢેરાના સૂર્યમંદિરનું ઐતિહાસિક અને સ્થાપત્યકળાનું મહત્ત્વ હોવાથી દેશ-વિદેશના સેંકડો પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે.
સૂર્યમંદિરના પથ્થરોએ કેટલીય ચડતી-પડતી જોઈ છે. આ પથ્થરોએ મોઢેરાના વિદ્વાનોને મુખે થયેલો સંવાદ પણ સરવા કાને સાંભળ્યો છે ને બેરહેમ આક્રમણો પણ ડૂસકાં ભરીને ઝીલ્યા છે. સૂર્યમંદિરના આ મૌન પથ્થરો ગુજરાતના ઈતિહાસનું સુવર્ણ પ્રકરણ સંઘરીને એક હજાર વર્ષથી અડીખમ ઉભા છે. મોઢેરા જાઓ તો સૂર્યમંદિરના એકાદ પથ્થર પર વહાલથી હાથ ફેરવજો, એક હજાર વર્ષનો ઈતિહાસ તમારી સામે આવીને ઉભો રહી જશે!
મોઢેરાના મંદિરની કોણાર્ક અને માર્તંડ સૂર્યમંદિર જેટલી પ્રતિષ્ઠા
કોણાર્કના સૂર્યમંદિર
માર્તંડ મંદિર
મોઢેરાના સૂર્યમંદિરની બહાર ૧૦૦૦ વર્ષ કરતાં પણ જૂના સ્તંભો છે. તેના પરથી એવું લાગે છે કે આસપાસમાં બીજું બાંધકામ પણ પ્રાચીન સમયમાં હશે. મૈત્રકકાળમાં મોઢેરાનો એક વેપારના કેન્દ્ર તરીકે વિકાસ થયો હતો. એ સમયના સિક્કા પણ મળી આવ્યા છે એટલે કદાચ તે વખતના રાજાઓએ કોઈ ઈમારત બનાવી હશે. મંદિરની બહાર જે તોરણો છે એ સોલંકીકાળના ગુજરાતના સ્થપતિઓની તોરણો બાંધવાની બેનમૂન શૈલીની ઓળખ આપે છે. પથ્થરોની બારીક કોતરણીમાં સોલંકીકાળના કારીગરોની કળાનો બોલકો પરિચય મળે છે. પુરાતત્વ વિભાગે મંદિરની બહાર એક બોર્ડમાં માહિતી મૂકી છે એ પ્રમાણે મોઢેરાનું સૂર્યમંદિર કોણાર્કના સૂર્યમંદિર જેવું જ વાસ્તુ અને શિલ્પકળાની રીતે ઉત્તમ છે.
સૂર્યમંદિરની વાત થાય ત્યારે દેશમાં કોણાર્કના સૂર્યમંદિરનો સૌથી પહેલો ઉલ્લેખ થાય છે. પ્રાચીનકાળમાં બંધાયા હોય અને છતાં સ્થાપત્યની રીતે બેનમૂન હોય એવા આજે બહુ ઓછા સૂર્યમંદિરો છે. એમાં સૌથી જૂનું કાશ્મીરના અનંત નાગમાં આવેલું માર્તંગ સૂર્યમંદિર છે. એ છેક ૭મી સદીમાં બંધાયું હતું. એ પછી મોઢેરાના સૂર્યમંદિરને ક્રમ મળે છે. ઓડિશાના કોણાર્કનું સૂર્યમંદિર ૧૩મી સદીમાં બંધાયું હતું. સ્થાપત્યની રીતે ત્રણેય પ્રાચીન સૂર્યમંદિરોમાં કોણાર્ક ઉત્તમ છે.
જોકે, ગુજરાતમાં મોઢેરાના સૂર્યમંદિરથી પણ જૂના સૂર્યમંદિરો અગાઉ બંધાયા હતા. ખાસ તો પ્રભાસ ક્ષેત્રમાં - જે ગીર સોમનાથ જિલ્લો છે ત્યાં ૧૨થી ૧૬ સૂર્યમંદિરો હતા. સોમનાથ, સૂત્રાપાડા, ઊંબા જેવા સ્થળોએ આજેય સૂર્યમંદિરો છે, પરંતુ એનું બાંધકામ મોઢેરાના સૂર્યમંદિર જેટલું ભવ્ય નથી. તે રીતે મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિષ્ઠા કોણાર્ક અને માર્તંડ મંદિરની સમકક્ષ છે.




