વિકરાળ સિંહે ગિરનારની સીડી પર 11 વર્ષનાં બાળકને ખેંચી ફાડી ખાધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ: વિશ્વ પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આજે વહેલી સવારે એક અત્યંત કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. ખેડા જિલ્લામાંથી અહીં યાત્રાએ આવેલા એક પરિવારના 11 વર્ષનાં વહાલસોયા બાળકને ત્રણ સિંહોના ટોળાએ સીડી પરથી ખેંચી જઈ ફાડી ખાધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થઈ ગયાં છે. ઈતિહાસમાં ક્યારેય ગિરનાર પર સિંહે કોઈ યાત્રિક પર હુમલો કર્યો હોય કે તેનો શિકાર કર્યો હોય તેવી ઘટના બની નથી.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામેથી એક પરિવાર બસ દ્વારા ગિરનારની યાત્રાએ આવ્યો હતો. આજે સવારે આશરે સાડા પાંચ વાગ્યાની આસપાસ પરિવાર જ્યારે ગિરનારની સીડી ચડી રહ્યો હતો ત્યારે સિંહોની હિલચાલ માટેના કોરીડોર ગણાતા ૫૦ પગથિયાં નજીક અચાનક ત્રણ સિંહોનું ટોળું દેખાયું હતું. અઢી વર્ષના બે નર અને એક માદા પાઠડા સિંહોમાંથી એક નર સિંહે એ યાત્રાળુ પરિવારનાં ૧૧ વર્ષનાં બાળક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્ર્શીઓ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સિંહ બાળકને સીડી પરથી ખેંચીને ૫૦ ફૂટ દૂર ઝાડીઓમાં ઢસડી ગયો હતો, જ્યાં અન્ય બંને સિંહોએ પણ તેને શિકાર બનાવવામાં મદદ કરી હતી. સિંહોના આ હિંસક હુમલામાં બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સિંહોએ બાળકનાં શરીરના મોટાભાગના અંગો ખાઈ લીધા હોવાથી તેનો મૃતદેહ અત્યંત અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવ્યો હતો. નજરે જોનાર પ્રવાસીઓ અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ત્રણેય સિંહો બાળકને ખેંચાખેંચી કરી શિકાર બનાવવા મથામણ કરતા હતા ત્યારે વનતંત્રનો સ્ટાફ પણ હાજર હતો. તેણે પણ બાળકને છોડાવવાની હિંમત કરી ન હતી. સિંહને પકડવા સાસણ, સક્કરબાગ સહિતની અલગ-અલગ ટીમના ૧૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.
ઈતિહાસમાં ક્યારેય ગિરનાર પર સિંહે કોઈ યાત્રિકને શિકાર નથી બનાવ્યો, હવે અહીં પણ સાવજ માનવભક્ષી બનતાં યાત્રિકોમાં ફફડાટ
ગિરનાર ચડવા પર અનિશ્ચિત મુદ્દત સુધી પ્રતિબંધ, બે સિંહ- એક સિંહણને પકડી પાડી સક્કરબાગમાં પૂરી દેવાયાં
ઘટનાની જાણ થતાં જ ડીસીએફ અક્ષય જોશી સહિતનો સ્ટાફ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વધુ કોઈ જાનહાનિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગિરનાર પર જવા માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. માત્ર ઉપર ગયેલા યાત્રિકોને જ સુરક્ષિત નીચે લાવવામાં આવી રહ્યા છે. વન વિભાગે ગણતરીના કલાકોમાં ઓપરેશન હાથ ધરી ત્રણેય શંકાસ્પદ સિંહોને પાંજરે પૂર્યા છે. એક નર સિંહની ઉલટીમાંથી બાળકના અવશેષો પણ મળી આવ્યા છે. હાલ ત્રણેય સિંહોને વધુ તપાસ અર્થે સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સીડીની લાઈટ બંધ હોવાની ઘટના બનીઃ યાત્રિકો
આ ઘટના બાદ સ્થાનિકો અને યાત્રિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગિરનારની સીડી એ અભયારણ્યની વચ્ચોવચ્ચ આવેલો અતિ સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં ત્યાં રાત્રિના સમયે ફરજિયાત ચાલુ રાખવાની થતી સ્ટ્રીટ લાઈટો છેલ્લા ઘણા દિવસોથી બંધ હાલતમાં હતી. યાત્રિકોનો આક્ષેપ છે કે, જો લાઈટો ચાલુ હોત તો સિંહની હિલચાલ અગાઉથી જોઈ શકાત અને કદાચ આ માસૂમનો જીવ બચી ગયો હોત. વન્યજીવ નિષ્ણાતોના મતે પણ અંધારામાં વન્યજીવોને શિકાર કરવાનો આત્મવિશ્વાસ વધી જાય છે જ્યારે અજાણ્યા યાત્રિકો અંધારામાં અસહાય બની જાય છે. બીજી તરફ સિંહની પજવણી થઈ હોવાના આક્ષેપોને વન વિભાગે સત્તાવાર રીતે ફગાવી દીધા છે.
વન વિભાગ દ્વારા રૂા.10 લાખનું વળતર અપાશે
આ અણધારી આફતથી બાળક ગુમાવનાર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો છે. મૃતક બાળકના માતા અને તેમના પરિવારજનો ગિરનારની સીડી પાસે ચોધાર આસુંએ રડતા સૌકોઈની આંખમાં આંસુ આવી ગયા હતા. વન વિભાગ દ્વારા બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને સરકારના નિયમ મુજબ પરિવારને રૂપિયા ૧૦ લાખનું આથક વળતર ચૂકવવા માટેની કાયદેસરની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.
સીડીની આસપાસના વિસ્તારમાં સઘન સ્કેનિંગ
હાલ વન વિભાગની ટીમ દ્વારા સમગ્ર ગિરનાર સીડી વિસ્તારની આસપાસનાં જંગલમાં સઘન સ્કેનિંગ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ, વહીવટી તંત્ર અને વન વિભાગ સંયુક્ત બેઠક કરી યાત્રિકો માટે સીડી ફરી ક્યારે ખોલવી તે અંગે આખરી નિર્ણય લેશે.









