દિવંગતોનાં નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન પણ 207 હૃદય આજે પણ અન્યમાં ધબકે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : દર વર્ષે ૧૩ ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં 'અંગદાન દિવસ' મનાવવામાં આવે છે. ગુજરાત એ દાનવીરોની ભૂમિ કહેવાય છે અને રાજ્યમાં અંગદાન પ્રવૃત્તિને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (સોટ્ટો)ની રચના કરવામાં આવી હતી. જેના માધ્યમથી અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવે છે.
રાજ્યમાં ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૮૬૦ મૃત્યુ પશ્ચાત અંગદાતાઓ દ્વારા કુલ ૨,૫૪૮ અંગોનું દાન કરવામાં આવ્યું છે. જેમાંથી ૧,૯૮૨ અંગ પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટેશન) સફળતાપૂર્વક પૂર્ણ કરાયા છે અને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. દાનમાં મળેલા કુલ ૨,૫૪૮ અંગોમાં સૌથી વધુ ૧,૪૧૭ કિડની મેળવવામાં આવી છે. બાદ ૭૧૯ લીવર, ૨૦૭ હૃદય, ૧૭૪ ફેફસાં અને ૩૧ સ્વાદુપિંડ (પેનક્રિયાસ) જેવા અંગોનો સમાવેશ થાય છે. જેમાં અત્યાર સુધીમાં ૧,૨૦૬ કિડની, ૬૦૨ લીવર, ૧૪૫ હૃદય, ૨૩ ફેફસાં અને ૬ સ્વાદુપિંડનું સફળ ટ્રાન્સપ્લાન્ટેશન સંપન્ન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૪ જરૂરિયાતમંદ દર્દીઓ મલ્ટિ-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે નોંધાયેલા છે.
અંગદાતાઓની વય જોઈએ તો કુલ ૮૬૦ અંગદાતાઓમાં ૦થી ૧૦ વર્ષના ૧૦, ૧૦થી ૨૦ વર્ષના ૪૫, ૨૦થી ૩૦ વર્ષના ૧૨૫, ૩૦થી ૪૦ વર્ષના ૧૪૪, ૪૦થી ૫૦ વર્ષના ૧૮૮ અને ૫૦ વર્ષથી વધુ વયના સૌથી વધુ ૩૪૭ અંગદાતાઓનો સમાવેશ થાય છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧,૯૭૪ દર્દીઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરીને નવું જીવન આપવામાં આવ્યું છે, તેમાં વયજૂથ મુજબ ૦થી ૧૦ વર્ષના ૨૫ બાળકો, ૧૦થી ૨૦ વર્ષના ૧૪૨, ૨૦થી ૩૦ વર્ષના ૨૩૫, ૩૦થી ૪૦ વર્ષના ૪૧૪, ૪૦થી ૫૦ વર્ષના ૫૩૮ અને ૫૦ વર્ષથી વધુ વયના ૬૨૦ દર્દીઓનો સમાવેશ થાય છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં માર્ચ ૨૦૦૬થી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન કાર્યરત છે. આ ફાઉન્ડેશનના સક્રિય પ્રયાસોથી અત્યાર સુધીમાં કુલ ૧૨૯ લોકોનું અંગદાન શક્ય બન્યું છે, જેમાં રાજકોટમાંથી ૧૧૭, જૂનાગઢમાંથી ૬ અને જામનગરમાંથી ૬ લોકોનો સમાવેશ થાય છે. અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ તેને ગત વર્ષે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા 'બેસ્ટ સપોર્ટ' તરીકે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
- અંતિમ તબક્કાની બીમારીઓમાં કિડની-હાર્ટ વગેરેનું પ્રત્યારોપણ
કેન્દ્ર સરકારની 'નોટ્ટો' માર્ગદશકા મુજબ અંતિમ તબક્કાની વિવિધ બીમારીઓમાં કિડની, લિવર, હાર્ટ, ફેફસાં, પેન્ક્રિયાસ વગેરેના ટ્રાન્સપ્લાન્ટ થાય છે. આંખની કોનયા અને ચામડી જેવા ભાગોનું પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, પરંતુ તે ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટની શ્રેણીમાં આવે છે. ગુજરાતમાં હાલ કિડની, લિવર, હાર્ટ, હાર્ટ વાલ્વ, આંખો, ફેફસાં અને પેન્ક્રિયાસ સહિતના અંગોના કેડેવર ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે.









