Rajkot

મૈત્રીકરારથી નારાજ પુત્રે છરીના છ ઘા મારી માતાના મિત્રને પતાવી દીધો

By GS Team
8 Jul 20263 mins read
TukuTouch Logo
જેતપુરમાં માતાના મૈત્રી કરારથી નારાજ પુત્રે લોહિયાળ અંજામ આપ્યો છે. કણકીયા પ્લોટમાં કમલેશ વાઘેલા છાસ લેવા નીકળતા, રાજકોટથી આવેલ પુત્ર જયંત વાઘેલાએ છરીના 5-6 ઘા ઝીંકી હત્યા કરી. કમલેશ અને નીતાબેન મૈત્રી કરારથી રહેતા હતા, જે જયંતને પસંદ નહોતું. પોલીસે ગણતરીના કલાકોમાં જયંતની ધરપકડ કરી, વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મૈત્રીકરારથી નારાજ પુત્રે છરીના છ ઘા મારી માતાના મિત્રને પતાવી દીધો

માતાનો મૈત્રી કરાર પુરૂષ મિત્ર છાસ લેવા નીકળ્યો કે રાહ જોઈને ઉભેલા યુવાને હુમલો કરી દેતા રાડારાડ મચી ગઈ
જેતપુર: જેતપુર શહેરના કણકીયા પ્લોટ વિસ્તારમાં આજે બપોરે માતા સાથેના મૈત્રી કરારના સંબંધોની અદાવતનું એક અત્યંત લોહિયાળ પરિણામ સામે આવ્યું છે. મૈત્રી કરારના સંબંધોથી નારાજ રહેતા અન માતા સાથે મૈત્રી કરાર કરનારા મૈત્રી પુરૂષની છરીના પ થી ૬ આડેધડ ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેતપુર સિટી પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.
જેતપુરના કણકીયા પ્લોટમાં અંબર સિનેમા નજીક આવેલ વાલ્મિકી વાસમાં રહેતો કમલેશ અરવિંદભાઈ વાઘેલા (ઉં.વ. ૩૫) મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.આ જ વિસ્તારમાં રહેતી નીતાબેન વાઘેલાના પતિ કાળુભાઈ વાઘેલાનું અવસાન થયું હતું. પતિના અવસાન બાદ નીતાબેન કમલેશના પરિચયમાં આવ્યા હતા અને બંનેએ પરસ્પર સંમતિથી તેણે મૈત્રી કરાર કરીને સાથે રહેવાનું શરૂ કર્યું હતું. નીતાબેનના આ સંબંધો તેમના પુત્ર જયંત ઉર્ફે જયન કાળુભાઈ વાઘેલાને બિલકુલ પસંદ નહોતા. માતા અન્ય પુરુષ સાથે મૈત્રી કરારથી રહે તે બાબતનો આક્રોશ અને ગુસ્સો જયંતના મનમાં ધૂંધવાતો હતો, જેના કારણે તે પોતાની માતાથી અલગ રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેવા જતો રહ્યો હતો.
આજે બપોરના સમયે કમલેશ વાઘેલા પોતાના ઘરે પરિવાર સાથે જમવા બેઠો હતો. જમતી વખતે ઘરમાં છાસ ખૂટી પડતાં કમલેશ વાલ્મિકી વાસની ગલીમાંથી બહાર મુખ્ય માર્ગ પર છાસ લેવા માટે નીકળ્યો હતો. બીજી તરફ, મનમાં હત્યાનો પાકો પ્લાન ઘડીને રાજકોટથી જેતપુર આવેલો જયંત વાઘેલા છરી સાથે વાલ્મિકી વાસ પાસે કમલેશની બહાર આવવાની જ રાહ જોઈને ઊભો હતો. જેવો કમલેશ ગલીની બહાર આવ્યો કે તરત જ જયંતે તેને રસ્તા વચ્ચે આંતરી લીધો હતો અને કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે કમલેશ પર તૂટી પડયો હતો. હત્યારાએ કમલેશના છાતી, પેટ અને શરીરના અલગ-અલગ ભાગો પર પ થી ૬ જેટલા છરીના ઘા ઝીંકી દેતા લોહીની નદીઓ વહી ગઈ હતી.
આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ, અજાણ્યા શખ્સની ભૂમિકાની તપાસ
ગંભીર રીતે ઘવાયેલા કમલેશ વાઘેલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેતપુર સિટી પોલીસ મથકના પી.આઈ. એ. ડી. પરમાર સહિતનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. મૃતકના નાના ભાઈ કપિલ અરવિંદભાઈ વાઘેલાની ફરિયાદના આધારે પોલીસ હુમલાખોર જયંત વાઘેલા સામે ગુનો નોંધીને તેને ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે.સીસીટીવી ફૂટેજમાં મુખ્ય આરોપી જયંતની સાથે અન્ય એક અજાણ્યો શખ્સ પણ શંકાસ્પદ હાલતમાં ઊભેલો દેખાઈ રહ્યો છે, જેથી પોલીસે આ હત્યામાં તેની શું ભૂમિકા હતી, તેણે રેકી કરી હતી કે કેમ અને જયંતને અન્ય કોઈએ મદદ કરી છે કે નહીં તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કરુણ ઘટનામાં એક મહિલાએ મૈત્રીકરાર મિત્ર હંમેશા માટે ગુમાવ્યો છે, જ્યારે સગો પુત્ર પિતાની હત્યાના ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે.
હુમલાખોર સામે સાવકો પિતા કરગરી રહ્યો હતો,મેં કોઈનું ખરાબ કર્યું નથી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં આ ઘટનાના દ્રશ્યો અત્યંત ભયાનક છે. લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડેલો કમલેશ ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને જોઈ રહેલા લોકો સામે હાથ જોડીને 'મને બચાવો, સુરક્ષા આપો' ની આજીજી કરી રહ્યો છે. એટલું જ નહીં, કમલેશ પોતે હુમલાખોર જયંત સામે પણ કરગરી રહ્યો છે અને કહી રહ્યો છે કે 'મેં કોઈની સાથે કંઈ જ ખરાબ નથી કર્યું'. તેની સામ હુમલાખોર જયંત અત્યંત આક્રોશમાં કમલેશને કહી રહ્યો છે કે, 'મેં તને આ સંબંધો રાખવાની ના પાડી હતી કે નહીં?' આ હૃદયદ્રાવક દ્રશ્યો જોઈને કોઈની પણ આંખમાં આંસુ આવી જાય તેમ છે.