માસિક ત્રણ ટકા વળતરની લાલચે છ રોકાણકારો સાથે રૂા.80 લાખની ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શરૂઆતમાં નિયમિત વળતર દઇ વિશ્વાસ સંપાદન કર્યા બાદ શીશામાં ઉતાર્યા, ઠગાઇનો આંક વધે તેવી શક્યતા
રાજકોટ: રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી રૂા.૮૦ લાખની ઠગાઇ કરવા અંગે શિતલ પાર્ક સર્કલ પાસે ધ સ્પાયર-૨ બિલ્ડિંગમાં જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ નામે ઓફિસ ધરાવતાં રાજદીપસિંહ જાડેજા (રહે. ભવનાથનગર-૨, ગોંડલ) વિરુદ્ધ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ઠગાઇનો આંક વધે તેવી શક્યતા પોલીસે દર્શાવી છે.
ગાયત્રીનગર સોસાયટીમાં રહેતાં જાગૃતિબેન પંકજભાઇ જોષી (ઉ.વ.૭૨) બાઇસાહેબબા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નિવૃત થયા છે. હાલ બ્રહ્માકુમારીઝ (આધ્યાત્મિક) સંસ્થા સાથે જોડાયેલા છે. તેમણે પોલીસને જણાવ્યું કે, પુત્ર ચિન્મય અને તેની પત્ની નાયકાબેન કોર્પોરેટ જોબ માટે ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. પુત્રી કૃપલબેન બ્રહ્માકુમારીઝમાં સમર્પિત થયા છે. અને હાલ ગાંધીનગર રહે છે.
તેમની સોસાયટીમાં સ્થિત બ્રહ્માકુમારીઝ આશ્રમમાં આવતા સાવિત્રીબેન પટેલ અને તેની પુત્રી નિધિ સાથે ઓળખાણ થઇ હતી. ૨૦૨૩માં નિધિએ કહ્યું કે, તે જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ નામની કંપનીમાં નોકરી કરે છે. તેની કંપની અલગ-અલગ કંપનીમાં રોકાણ કરે છે અને સારું વળતર આપે છે. તેણે પણ રોકાણ કર્યું છે. હાલ તેને નિયમિત વળતર મળે છે.
જેથી પરિવારના સભ્યોને વાત કર્યા બાદ પુત્ર ચિન્મય સાથે કંપનીની ઓફિસે જઇ ડિરેક્ટર રાજદીપસિંહ જાડેજાને મળતાં તેણે રોકાણ પર દર મહિને ૩ ટકા વળતર આપવાનું કહ્યું હતું. સાથોસાથ તેનું સપનું રૂા.૧ હજાર કરોડનું રોકણ મેળવવાનું હોવાનું પણ કહ્યું હતું. તેની વાત સાથે સહમત થઇ પુત્રના નામે રૂા.૩ લાખનું રોકાણ કહ્યું હતું. બદલામાં તેમને ચેક અને પ્રોમિસરી નોટ લખી આપી હતી.
રોકાણ કર્યા બાદ પહેલા મહિને રૂા.૯ હજારનું વળતર મળતાં વિશ્વાસમાં આવી જતાં કટકે-કટકે રૂા.૨૯ લાખનું રોકાણ કર્યું હતું. ત્યાર પછી વળતરની રકમ તેમના ઉપરાંત પતિ અને પુત્રી, પુત્રવધુના બેંક ખાતામાં જમા થતી હતી. અત્યાર સુધીમાં રૂા.૧૬.૨૮ લાખ જેટલું વળતર આપ્યું હતું. ૨૦૨૫ના ઓક્ટોબર માસથી વળતર આપવાનું બંધ કરી દીધું હતું. ઓફિસ પણ બંધ કરી દીધી હતી.
આ જ રીતે દામીનીબેન રાજેન્દ્રભાઇ પ્રજાપતિ(રહે. દિલ્હી)એ રૂા.૧૫ લાખનું , પ્રકાશભાઇ પ્રફુલભાઇ વણજારાએ રૂા.૩ લાખનું, તેના પત્ની સપનાબેન (રહે. બંને અતુલ્યમ એમલેટ, સાધુ વાસવાણી રોડ)એ પણ રૂા.૩ લાખ, અજયભાઇ વિજયભાઇ સોલંકી (રહે. જામનગર)એ રૂા.૫ લાખનું અને શૈલેષભાઇ ચંદુભાઇ ખેર (રહે. અણીયારા ગામ, તા.રાજકોટ)એ રૂા.૨૫ લાખનું રોકાણ કર્યું હતું. આ પાંચેય જણાં ઉપરાંત તેમના રૂા.૨૯ લાખ મળી કુલ રૂા.૮૦ લાખની ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.









