ખેડૂતોની જમીન પડાવી લેવાના કૌભાંડની તપાસ માટે SIT'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ખેડૂતોને લોનની લાલચ આપી છેતરપિંડીથી તેમની જમીનના દસ્તાવેજો કરાવી લેવાના તોસ્તાન કૌભાંડના સુત્રધાર અલ્પેશ દોંગાને પડધરી પોલીસે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડની અરજી નામંજૂર કરી તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. પડધરી કોર્ટના આ હુકમ સામે પડધરી પોલીસ આવતીકાલે સેશન્સ કોર્ટમાં રિવીઝન દાખલ કરશે.
કરોડો રૂપિયાના મનાતા આ કૌભાંડની તપાસ માટે પડધરી વિસ્તારના એએસપીના નેતૃત્વ હેઠળ સીટની રચના કરવામાં આવી છે. જેમાં આ પ્રકારના આર્થિક કૌભાંડોની તપાસમાં માહિર અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જરૂર જણાયે પોલીસ ચાર્ટ્ડ એકાઉન્ટન્ટની પણ મદદ લેશે.
રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, અલ્પેશ દોંગાને ત્યાંથી ૨૪ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. જેમાંથી ચાર દસ્તાવેજોમાં ગુના દાખલ થયા છે. બાકીના ૨૦ દસ્તાવેજોની જમીન ૧૨૬ વિઘા છે. આ ૨૦ દસ્તાવેજોમાંથી કેટલા કિસ્સાઓમાં છેતરપિંડી થઇ છે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
તપાસ દરમિયાન અલ્પેશ દોંગાને ડેટા કોઇ સાયબર એક્સપર્ટ આપતો હોવાની માહિતી મળી છે. જોકે તેની કસ્ટડી પોલીસને નહીં મળતાં આ સાયબર એક્સપર્ટનું નામ હજુ બહાર આવ્યું નથી. કસ્ટડી મળતા જ નામ બહાર આવશે. ખાસ કરીને ગીતા નામધારી મહિલાઓના ડેટા કેવી રીતે મેળવ્યા હતા તે બાબતે પોલીસ તપાસ કેન્દ્રિત કરશે.
પડધરી પોલીસના સુત્રોએ જણાવ્યું કે, આજે પણ ઘણાં ખેડૂતોએ પોલીસનો સંપર્ક કર્યો છે. તમામને પોલીસ મથકે બોલાવાયા છે. તેમના આવ્યા પછી વધુ કેટલા ખેડૂતો ભોગ બન્યા છે તેની સ્પષ્ટતા થશે.
શાતિર અલ્પેશ દોંગાએ એવી રીતે કૌભાંડ આચર્યું છે કે, કોઇપણ ભોગે કાનૂની રીતે સકંજામાં ન આવે, તે ભોગ બનનાર ખેડૂતોને ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરતો હતો. જમીનના સાટાખત કરવાના નામે જ્યારે સબ રજીસ્ટ્રાર કચેરીએ લઇ જાય ત્યારે સરકારી બાબુઓ જે પણ પુછે તેનો હામાં જવાબ આપવા માટે સમજાવી દેતો હતો.
આ જ કારણથી ભોગ બનનાર ખેડૂતોને જ્યારે સરકારી બાબુ તમે આ જમીન વેંચો છો તેમ પુછે તો તેનો હામાં જવાબ આપતા. આ માટે કોઇ દબાણ છે કે કેમ તેવું પુછે તો તેનો પણ હામાં જવાબ દેતાં. આ રીતે રેકર્ડ ઉપર કોઇપણ રીતે પોતાની સંડોવણી ના ખુલે તેનું પુરેપુરુ ધ્યાન રાખેલું છે.
- દરેક ટેલિકોલરને પોતે જ નામ આપતો, દરેકની અટક પટેલ રાખતો
રાજકોટ: ખેડૂતોને છેતરવા માટે સૂત્રધાર અલ્પેશ દોંગાએ રાજકોટની આર.કે. પ્રાઈમ બિલ્ડિંગમાં બે અને ટવિન્સ ટાવરમાં એક કોલ સેન્ટર શરૂ કર્યું હતું. અમદાવાદમાં પણ એક કોલ સેન્ટર ચલાવતો હતો. જોકે આર.કે. પ્રાઈમ બિલ્ડિંગના બંને કોલ સેન્ટરમાં પોલીસે દરોડા પાડયા ત્યારે બંધ હતા. ટવિન્સ ટાવરના કોલ સેન્ટરમાંથી ૧૪ ટેલિકોલર મળી હતી. જેમને દર મહિને રૂા.૧પ૦૦૦નો પગાર અપાતો હતો.
તેમણે પોલીસને જણાવ્યું કે તેમનું નામકરણ અલ્પેશ જ કરતો. દરેક ટેલિકોલરને પોતે જ નામ આપતો. એટલું જ નહીં દરેકની અટક પટેલ રાખતો. કારણ કે તેનો ટાર્ગેટ પટેલ સમાજના ખેડૂતો હતા. આ સ્થિતિમાં ટેલિકોલર જયારે પોતાનું નામ કેમ બદલાવ્યું છે તેમ પૂછે તો કહેતો કે તમારા રિલેટીવ જો સામે હોય તો તમને શરમ ના આવે તે માટે. - અલ્પેશ દોંગા કહેવાતો મોટીવેશનલ સ્પીકર નીકળ્યો
રાજકોટ: હાલ મોટીવેશનલ સ્પીકરનો રાફડો ફાટયો છે ત્યારે આરોપી અલ્પેશ પણ કહેવાતો મોટીવેશનલ સ્પીકર છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પોતાની વાકછટા અને ધાર્મિક હોવાની છાપ ઉભી કરી ભોળા ખેડૂતોને આસાનીથી શીશામાં ઉતારતો હતો. તેના બીજા ઈન્વેસ્ટરો કોણ-કોણ છે તે દિશામાં પણ તપાસ થઈ રહી છે. રાજકોટ શહેર પોલીસે પણ તેની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ રીતે તેને રાજકોટ શહેર અને જિલ્લા પોલીસની કાર્યવાહીનો સામનો આગામી દિવસોમાં કરવો પડશે.




