હાઈકોર્ટ બેચ માટે લડતના શ્રી ગણેશ; બુધવારે કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રાજકોટને હાઈકોર્ટની બેચ આપવા માટે આજરોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જુદા-જુદા જિલ્લા અને તાલુકાના બાર એસોસીએશનની મહાસભામાં આગામી તા.ર૯ ને બુધવારે કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરવાનો સર્વાનુમતે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. રાજકોટ હાઈકોર્ટ બેચ આપવા માટે શરૂ કરવામાં આવનાર આંદોલનમાં જુદા-જુદા વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓ સામેલ થશે.
આજરોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લા અને તાલુકા કક્ષાના બાર એસો.ના અગ્રણી હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં રાજકોટને હાઈકોર્ટ બેચ મળવી જોઈએ જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના વકીલો અને અસીલોએ અમદાવાદ સુધી લાંબુ થવુ ન પડે તે ઉપરાંત રાજકોટને હાઈકોર્ટ બેચ મળવાથી પેન્ડિંગ કેસનો નિકાલ પણ ઝડપથી આવી શકે. રાજકોટને હાઈકોર્ટ બેચ આપવાની માગણી ૩ર થી ૪૦ વર્ષ જૂની છે. રાજકોટને હાઈકોર્ટ બેચ આપવાનો પ્રશ્ન એ માત્ર કાયદાકીય સુચારુ વ્યવસ્થા માટે નહીં પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રદેશના તમામ લોકોના ન્યાયિક હકકના પ્રશ્ન છે તેથી તેના ઉકેલ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ લડતના કાર્યક્રમો આપવામાં આવશે.
રાજકોટને હાઈકોર્ટ બેચ આપવા માટે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં લડત માટે સંકલન સમિતિની રચના કરવામાં આવશે તેમ જિલ્લા કક્ષાએ કલેકટર અને તાલુકા કક્ષાએ નાયબ કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસોસીએશનની મહાસભામાં રાજકોટને હાઈકોર્ટ બેચ આપવાનો પ્રશ્ન જન આંદોલન બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો.
રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા માટે હવે તબક્કાવાર આંદોલન શરૂ થશે
રાજકોટ ઃ રાજકોટને હાઈકોર્ટ બેચ આપવા માટે બે દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવવામાં આવ્યો હોવાનું જણાવી રાજકોટ બાર એસો.ના પ્રમુખ સુમિત વોરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છના પક્ષકારોના લાભાર્થે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. રાજય સરકાર, કેન્દ્ર સરકાર ઉપરાંત ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાને પણ રજૂઆત કરવામાં આવી છે. વર્ષો જૂની હાઈકોર્ટની બેચની માગણી નહીં સંતોષાતા આગામી તા.ર૯ને બુધવારે કોર્ટ કાર્યવાહીના બહિષ્કાર બાદ તબક્કાવાર આંદોલન શરૂ થશે.









