Rajkot

મિત્ર જ બન્યો રાક્ષસ! રાજકોટમાં યુવતીને મેસેજ કરવા મુદ્દે યુવકની ચા પીવાના બહાને લઈ જઈ હત્યા

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
રાજકોટના રૂખડિયાપરામાં 23 વર્ષીય ઉમંગ જાબેલિયાની ધોકા-પાઈપ વડે હત્યા થઈ. મિત્ર નાઝીર ચા પીવાના બહાને ભગવતીપરા નદીના પટ્ટમાં લઈ ગયો હતો. નાઝીર, આસીફ અને એક અજાણ્યા શખસે મળી આ કૃત્ય આચર્યું. ઉમંગ નાઝીરની બહેનને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરતો હોવાથી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ટીમો કામે લગાડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિત્ર જ બન્યો રાક્ષસ! રાજકોટમાં યુવતીને મેસેજ કરવા મુદ્દે યુવકની ચા પીવાના બહાને લઈ જઈ હત્યા

Rajkot Crime News: રાજકોટનાં રૂખડિયાપરામાં રહેતાં અને કલર કામ કરતાં 23 વર્ષીય ઉમંગ જાબેલિયાને પાડોશમાં રહેતો મિત્ર ચા પીવાના બહાને ટુ વ્હીલર ઉપર ભગવતીપરા નદીના પટ્ટમાં લઈ ગયા બાદ ત્યાં તેને ધોકા-પાઈપના આડેધડ ઘા ઝીંકી પતાવી દીધો હતો. અફેર કે મેસેજ કરવાના કારણે ઉમંગની હત્યા કરાયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પ્ર.નગર પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચની જુદી-જુદી ટીમોએ આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.

યુવકની હત્યા કરીને મૃતદેહ ઘર પાસે ફેંકી આરોપીઓ ફરાર

પ્રાપ્ત માહિતી મુજબ ઉમંગ, તેના પિતા અને નાનો ભાઈ વિકાસ કલર કામ કરે છે. તેના પિતા રણજીતના જણાવ્યાનુસાર, બપોરે ઉમંગ જમીને ઘરે બેઠો હતો ત્યારે પાડોશમાં રહેતા તેના મિત્ર અઝહરનો નાનો ભાઈ નાઝીર તેને ચા પીવાના બહાને ટુ વ્હીલર પર બેસાડી ભગવતીપરા નદીના કાંઠે લઈ ગયો હતો. જ્યાં નાઝીર ઉપરાંત તેના ફઈના પુત્ર આસીફ અને અજાણ્યા શખસે મળી ધોકા-પાઈપના આડેધડ ઘા ઝીંકી બેભાન કરી દીધો હતો. ત્યારબાદ આસીફ અને નાઝીર ઉમંગને ટુ વ્હીલરની વચ્ચે બેસાડી તેના મકાનની ડેલી પાસે ફેંકી જવા લાગ્યા હતા.

આ દ્રશ્યો બાજુમાં પાનની દુકાન ધરાવતાં વિજયે જોતાં બૂમાબૂમ કરી હતી. જેને કારણે નાઝીર અને આસીફે તેને તું સામે આવીશ તો તને પણ મારી નાખશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. આ પછી ઉમંગને સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં જ પ્ર.નગર પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો.

જોકે, રણજીતે તેના પુત્રની કયા કારણથી હત્યા થઈ તે વિશે અજાણ હોવાનું કહ્યું હતું. ક્રાઈમ બ્રાંચના ડીસીપી જગદિશ બાંગરવાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે ઉમંગ નાઝીરની બહેનને ઈન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરતો હતો. જેની જાણ થતાં તેની હત્યા કરવામાં આવી છે. આમ છતાં હત્યા પાછળનું ચોક્કસ કારણ આરોપીઓ ઝડપાયા પછી સ્પષ્ટ થશે. બીજી તરફ રણજીતભાઈએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પુત્રની લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.

પરિણામે ક્રાઈમ બ્રાંચની જુદી-જુદી ટીમોને તત્કાળ આરોપીઓને પકડવા માટે કામે લગાડવામાં આવી છે. નાઝીર, આસીફ સાથે સુજલ નામના શખસની સંડોવણી હોવાની માહિતી ક્રાઈમ બ્રાંચને મળી છે. જેની ખરાઈ શરૂ કરાઈ છે.