સાગઠીયા સસ્પેન્શન સમયમાં જ વયનિવૃત,નિવૃતિ લાભો અટક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: રાજકોટમાં તા.૨૫-૫-૨૦૨૪ના અત્યંત દર્દનાક ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી તત્કાલીન મનપાના ચીફ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાની ધરપકડ થઈ હતી અને બાદમાં તેમને ફરજમોકુફ કરાયા હતા. સસ્પેન્સન હાલ જારી છે ત્યારે ગત તા.૩૦ જૂનના તે વયનિવૃત થયાનું પરંતુ, તેની સામેના કેસો ધ્યાને લઈને હાલ નિવૃતિના હક્ક-હિસ્સા અટકાવાયા હોવાનું મનપા સૂત્રોએ આજે જણાવ્યું હતું.
ટી.પી.ઓ. તેમજ એ.ટી.પી. આ અગ્નિકાંડમાં જેલહવાલે થયા હતા અને બાદ જામીનમુક્ત થયા છે. મ્યુનિ.કમિશનર ટી.પી.વિભાગમાં એ.ટી.પી.ની ભરતી કરવાને બદલે ઝોનવાઈઝ ૩ ટાઉનપ્લાનરની ભરતી કરી હતી. તેમજ આર.ડી.પરમારને સાગઠીયાની જગ્યાએ ઈન્ચાર્જ ટી.પી.ઓ. બનાવાયા છે. પરંતુ, અગ્નિકાંડ પૂર્વે દબાણ હટાવ સહિતની જે કામગીરી થતી તે કામગીરી પણ નવી વ્યવસ્થામાં મંદ પડવા સાથે શંકાસ્પદ વહીવટ સામે સવાલો પણ ઉઠયા છે. હવે ટી.પી.ઓ.ની જગ્યા સત્તાવાર ખાલી પડી છે ત્યારે તે જગ્યા પર મનપા નવી ભરતી કરી શકે છે.
દરમિયાન, અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી અધિકારી પણ આરોપી તરીકે જેલવાસ દરમિયાન સસ્પેન્ડ થયેલા હોય બે વર્ષથી તત્કાલીન ક્લાસ-૩ના કર્મચારી સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત દવેને ઈન્ચાર્જ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપી દેવાયો છે જેમણે પોતે અગાઉ રાજીનામુ આપ્યું છે. હવે બે વર્ષ બાદ મ્યુનિ.કમિશનરે તાજેતરમાં ફાયર ઓફિસરની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં ૧૨ ઉમેદવારો હાજર રહ્યા હતા. ટૂંક સમયમાં નામ પસંદ કરીને આ અંગે દરખાસ્ત કરાશે તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મહાપાલિકામાં ગાર્ડન ડાયરેક્ટર, આઈ.ટી.ડાયરેક્ટર જેવી મહત્વની જગ્યાઓ પણ ખાલી છે.









