Rajkot

રાજકોટ એરપોર્ટના કામમાં લોલંલોલ, રૂ।.326 કરોડના એરોસ્પેસમાં લીકેજ

By GS Team
25 Jul 20261 min read
TukuTouch Logo
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના એરોબ્રિજમાં સામાન્ય વરસાદે લીકેજ થતાં ભ્રષ્ટાચારની શંકા સેવાઈ રહી છે. જુલાઈ-2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરેલા આ એરપોર્ટના રૂ. 326 કરોડના એરોસ્પેસમાં પાણી ભરાયા હતા. મુસાફરોની અવરજવરના સ્થળે થયેલી આ બેદરકારીથી નબળા બાંધકામની પોલ ખુલી છે. 1405 કરોડના ખર્ચે બનેલા આ એરપોર્ટ પર હજુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ એરપોર્ટના કામમાં લોલંલોલ, રૂ।.326 કરોડના એરોસ્પેસમાં લીકેજ

રાજકોટ : રાજકોટમાં જૂલાઈ-૨૦૨૩માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરથી ૩૦ કિ.મી.દૂર હીરાસર પાસે લોકાર્પણ કરેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી નેતાઓએ જાહેર કરેલી વિમાની સેવા તો હજુ મળતી નથી પણ ત્રણ વર્ષમાં વારંવાર તેના કામમાં ક્ષતિઓ બહાર આવતી રહી છે. આજે એરપોર્ટના એરોસ્પેસ (એરોબ્રિજ) કે જ્યાંથી મુસાફરો ચાલીને પ્લેનમાં બેસવા જતા હોય છે તેમાં સામાન્ય વરસાદે લીકેજ થતા અબજોના કામમાં ભ્રષ્ટાચારની શંકા જન્મી છે.
આ એરોસ્પેસનું બાંધકામ આશરે રૂ।.૩૨૬ કરોડના ખર્ચે કરાયાનું જાણવા મળે છે. તેમાં નબળા કામને લીધે વરસાદી પાણીનું લીકેજ થતા અને એરોસ્પેસમાં પાણી ભરાતા તંત્ર થીગડાં મારવા દોડયું હતું. આ એવી જગ્યા છે જ્યાંથી મુસાફરો વિમાનમાંથી એરપોર્ટના ટર્મીનલમાં અવરજવર કરવાની હોય છે. આ સ્થળે બાંંધકામમાં આવી બેદરકારીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.
રૂ।.૧૪૦૫ કરોડના પ્રારંભિક ખર્ચ સાથે ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે તેનું ખાતમુહુર્ત અને બાદમાં લોકાર્પણ વડાપ્રધાને કર્યું હતું અને ત્યારે જંગી ખર્ચે થયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્રને આ એક સુવિધા બાકી હતી, વિદેશી ફ્લાઈટની તે પણ હવે મળી ગઈ છે તેવી વાતો કરતા નેતાઓ થાકતા ન્હોતા. પરંતુ, વાસ્તવિકતા એ છે કે આ એરપોર્ટનું નામ 'રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ' છે પણ ત્યાં હજુ સમ ખાવા પુરતી એક પણ વિદેશની ફ્લાઈટ શરુ નથી થઈ.