Rajkot

રાજકોટમાં નકલી તમાકુ ઉપરાંત મુખવાસ બનાવતા કારખાનામાં દરોડો

By GS Team
28 Aug 20263 mins read
TukuTouch Logo
રાજકોટમાં SOG એ નકલી તમાકુ અને મુખવાસ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. લાતી પ્લોટ શેરી નં. 11માં હિરેન પરફ્યુમરી વર્ક્સમાં હિરેન સોનેજી અને રાજુ સોનેજી પાંચ વર્ષથી નકલી તમાકુ બનાવી સૌરાષ્ટ્રમાં વેચતા હતા. SOG એ રૂ. 1.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં નકલી તમાકુ ઉપરાંત મુખવાસ બનાવતા કારખાનામાં દરોડો

રાજકોટ: રાજ્યભરમાં નકલી ચીજવસ્તુઓની બોલબાલા વચ્ચે રાજકોટમાં નકલી તમાકું અને મુખવાસ બનાવતું કારખાનું ઝડપાયું છે. છેલ્લા પાંચેક વર્ષથી આ સ્થળે નકલી તમાકું અને મુખવાસ બનાવી તેનું સૌરાષ્ટ્રભરમાં વેચાણ કરાતું હતું. છતાં સંબંધીત તંત્રને તેની ગંધ પણ નહીં આવતા પાંચેક વર્ષ બાદ કારખાનું પકડાયું હતું. અત્યાર સુધીમાં અનેક બંધાણીઓ હલકી ગુણવત્તાની નકલી તમાકુંનું સેવન કરી ચુક્યા છે.
લાતી પ્લોટ શેરી નં.૧૧માં હિરેન પરફ્યુમરી વર્ક્સ નામના કારખાનામાં હિરેન કાન્તીલાલ સોનેજી (ઉ.વ.૫૧, રહે. આશાપુરા રોડ) અને તેનો ભાઇ રાજુ (ઉ.વ.૪૯, રહે. રાણીંગા વાડીની સામે, દ્વારકા દર્શન એપાર્ટમેન્ટ) નકલી તમાકુંનું ઉત્પાદન અને વેંચાણ કરતા હોવાની માહિતી મળતાં એસઓજીએ દરોડો પાડયો હતો.
એસઓજીના પીઆઇ એન.બી.ચૌધરીની તપાસમાં એવું ખુલ્યું હતું કે, સોનેજી બંધુઓના બાપ-દાદાઓ આ સ્થળે વર્ષોથી પાન-મસાલાનું મટીરીયલ અને અગરબત્તી બનાવતા હતા. સોનેજી બંધુએ છેલ્લા પાંચેક વર્ષથી આ વસ્તુઓનું ઉત્પાદન ઓછું કરી નકલી તમાકું બનાવવાનું શરૂ કર્યું હતું.

કોરોના કાળમાં લોકડાઉન વખતે તમાકુંની તિવ્ર અછત સર્જાઇ હતી. તે વખતે ધીરે-ધીરે થોડું-થોડું ઉત્પાદન શરૂ કર્યું હતું. માંગ વધતાં વધુ ઉત્પાદન શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્રભરમાં નકલી તમાકું સપ્લાય કરવા લાગ્યા હતા. નકલી તમાકુંમાં અલગ-અલગ પ્રકારના પરફ્યુમ, મેન્થોલ અને સિલ્વર વરખ વગેરેનો ઉપયોગ કરતા હતા.
કોઇપણ જાણીતી બ્રાન્ડની તમાકુંનું ગ્રાહકોની માગણી મુજબ ડુપ્લીકેશન કરી આપતા હતા. પોતે જ ડબ્બાઓ કે પ્લાસ્ટિકની બેગમાં તમાકું પેક કરતા હતા. કોઇ છુટ્ટક તમાકું લેવા આવે તો તેને આપતા પણ હતા. જેના પરથી સ્પષ્ટ છે કે, સૌરાષ્ટ્રભરના બંધાણીઓએ અત્યાર સુધીમાં આ સ્થળેથી સપ્લાય થયેલી હલકી ગુણવત્તાની નકલી તમાકુંનું સેવન કર્યું હતું.
એસઓજીએ તમામ વસ્તુના નમુના લેવડાવી તેને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જ્યાંથી રીપોર્ટ આવ્યા બાદ વિધિવત ગુનો નોંધાશે. હાલ જાણવાજોગ નોંધ કરી તપાસ જારી રાખવામાં આવી છે.

  • નકલી તમાકુ પકડવાની જવાબદારી ક્યા તંત્રની છે તે જ નક્કી નથી
    રાજકોટ : રાજ્યમાં નકલી તમાકું પકડવાની જવાબદારી ક્યા સરકારી તંત્રની છે તે જ નક્કી નથી. એસઓજીના સુત્રોએ જણાવ્યું કે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ તમાકું પકડવાની જવાબદારી પોતાની નહીં હોવાનું કહ્યું છે. આ કિસ્સામાં મનપાની આરોગ્ય શાખાને જાણ કરવામાં આવી છે. રાજ્યમાં છાશવારે નકલી વસ્તુઓ મોટાભાગે પોલીસ દ્વારા પકડાય છે. આ સ્થિતિમાં સંબંધીત તંત્રો આ કાર્યવાહી કેમ કરી શકતા નથી તેવા સવાલો ઉઠયા છે.
  • તમાકુનાં પેકેટ, કેમિકલ અને સિલ્વર વરખનો જથ્થો કબજે
    રાજકોટ : સ્થળ પરથી તમાકુંના પેકેટ, પ્લાસ્ટિકની ડબ્બીઓ, તમાકુનો જથ્થો ભરેલું બેરલ, સિલ્વર વરખ, પેરાફીન નામનું લિક્વિડ ભરેલું બેરલ, એલ્યુમિનિયમના નાના-મોટા કેન, પ્લાસ્ટિકના ૧૦ લિટરના કેરબા, ગ્રાઇન્ડર મશીન, તમાકું અને કેમિકલ મિક્ષ કરવા માટે ઉપયોગમાં લેવાતું મિક્સર મશીન, ડબ્બા પેક કરવા માટેનું ઇલેક્ટ્રીક મશીન, કથ્થઇ કલરનો પાવડર ભરેલો ડબ્બો, મુખવાસના ડબ્બાના બોક્સ, તેના ઢાંકણા, પુઠ્ઠાના બોક્સ, ગેસનો બાટલો, પી-જાન ફ્લેવર લખેલી પ્લાસ્ટિકની બોટલો, તમાકુની ૫૦૦ ગ્રામની ખાલી બેગ, પ્લાસ્ટિકની બેગ પેક કરવા માટેના બે ઇલેક્ટ્રિક મશીન, બિલ બુક્સ, વજન કાંટો, બે મોબાઇલ ફોન વગેરે મળી આવતાં એસઓજીએ તેની કિંમત રૂા.૧.૭૨ લાખ ગણી હતી.
  • અસલીની સરખામણીમાં નકલી તમાકુ અડધી કિંમતે પડતી હતી
    રાજકોટ : એસઓજીના સુત્રોએ જણાવ્યું કે, એક જાણીતી બ્રાન્ડની તમાકુનો ૧૦૦ ગ્રામનો ડબ્બો રૂા.૩૫૦ આસપાસ વેંચાય છે, જ્યારે સોનેજી બંધુઓ તેની અડધી કિંમતે તમાકું બનાવતા હતા. સસ્તામાં તમાકું પડતી હોવાથી વેપારીઓ પણ અસલી તમાકુંના ડબ્બામાં કે પાઉચમાં નકલી તમાકું બંધાણીઓને ધાબડતા હતા.