નાગેશ્વર જ્યોતિર્લિંગનાં પુજારીઓને ધમકાવી રૂા.2 લાખ પડાવીને વધુ રૂા.5 લાખ માંગ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: યાત્રાધામ દ્વારકા પંથકમાં આવેલા સુવિખ્યાત જ્યોતિલગ નાગેશ્વર મહાદેવ મંદિરના પૂજારીઓ અને તેમની હોટલ વિશે આક્ષેપો કરીને પત્રકારના નામે એક શખ્સે મીડિયામાં બદનામ કરવા સાથે બ્લેકમેઈલિંગ કરીને બળજબરીથી રૂા.૨ લાખ પડાવી લીધા બાદ વધુ રૂા.૫ લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે દ્વારકા પોલીસે એક શખ્સ વિરુદ્ધ સખત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દ્વારકાની વ્રજધામ સોસાયટીમાં રહેતા અને નાગનાથ મહાદેવ ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહેન્દ્રભારથી ગીરધરભારથી ગોસ્વામી દ્વારા દ્વારકાના રહીશ અને પત્રકાર તરીકે ઓળખાતા હશીત જાખરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નાગેશ્વર મંદિરના પુજારીઓ અને તેઓની ઈરા હોટલ વિરુદ્ધ આ શખ્સ દ્વારા 'ફાયર એનઓસી નહીં હોવાથી સીલ લાગ્યા' જેવી વાતો ફેલાવવામાં આવતી હતી. આ પ્રકારની બદનક્ષી બંધ કરવાનું કહેતા ગત ૨ જાન્યુઆરીનાં રોજ બળજબરીથી રૂા.બે લાખની રોકડ રકમ પડાવી લીધી હતી.બાદમાં પણ આરોપીએ પોતાની કરતૂતો ચાલુ રાખી હતી અને પુજારીઓ પાસે વધુ રૂા.૫ લાખની માગણી કરી હતી. એટલું જ નહીં, જો આ રકમ નહીં આપવામાં આવે તો પુજારીઓ તેમજ તેમના પરિવારજનોને રસ્તામાં વાહનથી અકસ્માત સર્જીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે. આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લઈને દ્વારકા પોલીસે આરોપી હસીત જાખરીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૧(૩), ૩૫૬ તથા ૩૦૮(૫) હેઠળ ગુનો નોંધીને આગળની વધુ તપાસ પીએસઆઈ પાયલબેન ડાંગરે હાથ ધરી છે. યાત્રાધામમાં પત્રકારનાં નામે બ્લેકમેઈલિંગ કરીને પૈસા પડાવવા અને ધમકીઓ આપવાના કિસ્સાથી ભારે ચકચાર મચી જવા પામી છે.









