Rajkot

મારો પુત્ર મોજશોખ પાછળ પૈસા ફૂંકતો હોવાથી ઝઘડો થતાં પતાવી દીધો હતો

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ન્યુ નહેરૂનગર શેરી નં.૭માં રહેતા ૬૫ વર્ષીય બાબુભાઇ સવસેટાએ ૩૩ વર્ષના પુત્ર રામની હથોડાના ઘા મારી હત્યા કરી હતી. પુત્ર મોજશોખ પાછળ પૈસા ઉડાવતો અને મિલકતો વેચી દેતો હોવાથી ઝઘડા થતા હતા. ભક્તિનગર પોલીસે આરોપી પિતાને જેલહવાલે કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મારો પુત્ર મોજશોખ પાછળ પૈસા ફૂંકતો હોવાથી ઝઘડો થતાં પતાવી દીધો હતો

રાજકોટ : આહિર ચોક પાસે ન્યુ નહેરૂનગર શેરી નં.૭માં રહેતા રામ નામના ૩૩ વર્ષના યુવાનની હથોડાના ઘા ઝીંકી હત્યા નિપજાવવાના કેસમાં આરોપી પિતા બાબુભાઇ રઘાભાઇ સવસેટા (ઉ.વ.૬૫)ને ભક્તિનગર પોલીસે તપાસના અંતે કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કરવામાં આવ્યા હતા.
હત્યાનો ભોગ બનનાર રામની માતા હંસાબેને તેનો પતિ હલકટ, વ્યભિચારી અને ચોરી કરવાની ટેવવાળો હોવાથી પુત્ર રામ અવારનવાર સમજાવટ કરવા જતાં થયેલા ઝઘડાને કારણે હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જોકે આરોપી બાબુભાઇએ પોલીસને નવી જ સ્ટોરી જણાવી છે.
તેણે પોલીસને કહ્યું કે, તેના પુત્રને બ્રાન્ડેડ વસ્તુઓ પહેરવાનો શોખ હતો. મોજશોખ પાછળ બહુ પૈસા ઉડાડી દેતો હતો. કોઇ કામ-ધંધો પણ કરતો ન હતો. ૨૦ વર્ષ પહેલા તેણે સુચિતમાં રૂા.૧૦-૧૦ હજારમાં લીધેલી પાંચ દુકાન કે જેની હાલ બજાર કિંમત રૂા.૧૦થી ૧૨ લાખ છે તે માત્ર દોઢ-દોઢ લાખ રૂપિયામાં વેંચી નાંખી હતી.
પુષ્કરધામ આવાસ યોજનામાં ૧૧ વર્ષ પહેલા ત્રણેક લાખનું મકાન લીધું હતું. જે પણ રૂા.૪.૫૦ લાખમાં આપી દીધું હતું. આ બધા કારણથી અવારનવાર પુત્ર સાથે ઝઘડા થતા હતા. પુત્ર તેની ઉપર હુમલો કરે તેવી દહેશત હોવાથી ઘરમાં લોખંડના પાઇપ, કુહાડા અને હથોડા જેવા હથિયારો પણ રાખ્યા હતા. ગઇકાલે સવારે પુત્ર સાથે ગાળાગાળી થઇ હતી. બપોરે ફરીથી ઝપાઝપી થતાં તેણે 'નિર્ણય' લઇ લીધો હતો.
ઝપાઝપી બાદ પુત્ર સુઇ જતાં ઊંઘમાં જ તેને હથોડાના ઘા ઝીંકી પતાવી દીધો હતો. ભક્તિનગર પોલીસે આરોપી બાબુભાઇનું નિવેદન નોંધી હત્યામાં વપરાયેલો હથોડો કબજે કર્યો હતો.

  • મૃતકના ઇન્સ્ટાગ્રામ ઉપર 53 હજારથી વધુ ફોલોઅર્સ
    રાજકોટ : હત્યાનો ભોગ બનનાર રામનું ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ મળી આવ્યું છે. પોલીસે તપાસ કરતાં ઇન્સ્ટાગ્રામમાં તેના ૫૩ હજારથી વધુ ફોલોઅર્સ મળ્યા છે. બાયોમાં તેણે પોતાને એક્ટર, મોડલ અને સિંગર ગણાવ્યો છે. આ ઉપરાંત મિસ્ટર ગુજરાત ૨૦૧૮ પણ લખ્યું છે.