Rajkot

તાલાલામાં હોસ્ટેલનાં પટાંગણમાંં વિદ્યાર્થી ઉપર દીપડાનો હુમલો

By GS Team
10 Jul 20263 mins read
TukuTouch Logo
તાલાલા ગીરમાં પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ધો.12ના વિદ્યાર્થી ઉત્સવ ચાવડા પર દીપડાએ હુમલો કર્યો હતો. ગુંદરણ રોડ પર આવેલી હોસ્ટેલની દીવાલ કૂદીને દીપડો અંદર ઘૂસી આવ્યો હતો. વિદ્યાર્થીને માથા, ગળા અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. વન વિભાગે મારણ સાથે પાંજરા ગોઠવી દીપડાને પકડી એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય તથા રોષ જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાલાલામાં હોસ્ટેલનાં પટાંગણમાંં વિદ્યાર્થી ઉપર દીપડાનો હુમલો

તાલાલા ગીર: તાલાલા શહેરમાં ગુંદરણ રોડ ઉપર આવેલ પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર હિંસક દીપડાએ હુમલો કરતા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવથી શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. આ બનાવ પછી રાતના સમયે સંકુલની દીવાલ પર દેખા દેતા જ વનવિભાગે મારણ સાથેપાંજરા મુકતા દીપડો આબાદ સપડાઈ જતાં પકડીને એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો હતો. આ બનાવ પછી વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. જયારે વાલીઓમાં ભારે રોષ જાગ્યો છે.
બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં રહી ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા ઉત્સવ માનસિંહભાઈ ચાવડા (ઉ.વ.૧૮,રહે.પ્રભાસ પાટણ) ગત રાત્રીના એક વાગ્યા આસપાસ હોસ્ટેલમાં બાથરૂમની પાસે આવેલ તુટેલી ગ્રીલમાંથી બહાર નીકળી હોસ્ટેલનાં પટાંગણમાં આવ્યો હતો ત્યારે હોસ્ટેલની કંપાઉન્ડ દીવાલ ઉપર છુપાઈને બેઠેલા દીપડાએ વિદ્યાર્થી ઉપર છલાંગ લગાવી હુમલો કર્યો હતો અને માથા, ગળા, મોઢાના ભાગે તેમજ બંને હાથમાં તિક્ષ્ણ દાંત તથા નહોરથી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. વિદ્યાર્થીએ રાડારાડી કરતાં દીપડો નાસી ગયો હતો. બનાવની જાણ થતાં શૈક્ષણિક સ્ટાફ દોડી આવી તુરંત ૧૦૮માં પ્રથમ તાલાલા સરકારી હોસ્પિટલમાં અને ત્યાથી વેરાવળ રીફર કર્યો હતો.
આ બનાવની વન વિભાગને જાણ થતાં મોડી રાત્રે તાલાલા ઇન્ચાર્જ આર.એફ.ઓ. બી.એમ. આંબલીયા સહીતની ટીમ ટ્રેકર સાથે બનાવનાં સ્થળે દોડી ગઈ હતી. વનવિભાગે સ્થળ તપાસ કરતા દીપડાના સગડ જોવા મળ્યા હતા. ઘટનાની થોડીવાર બાદ હિંસક દીડો સ્કૂલના કમ્પાઉન્ડની દિવાલ ઉપર ફરીથી જોવા મળતા માનવભક્ષી બનેલ હિંસક દીપડાને ઝડપી લેવા વન વિભાગે પાંજરા ગોઠવ્યાં હતાં. વહેલી સવારના સમયે મારણ ખાવા આવેલ દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. તેને સાસણગીર એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું આર.એફ.ઓ.એ જણાવ્યું હતું.

હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો
શહેરમાં આવેલ પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં ૨૫૦ થી ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ રહે છે. હોસ્ટેલના બાથરૂમની બાજુમાં આવેલ ગ્રીલ તુટેલી હાલતમાં હોવાથી વિદ્યાર્થી બહાર નીકળતાં જ દીપડાએ હુમલો કરતાં સ્કૂલના સ્ટાફની ગંભીર બેદરકારી બહાર આવી છે. વિદ્યાર્થી મોડી રાત્રે કેવી રીતે બહાર નીકળી શક્યો? તે એકલો હતો કે અન્ય વિદ્યાર્થીઓ સાથે હતાં? વિદ્યાર્થીઓની દેખરેખ માટે હોસ્ટેલમાં રાત્રે સુરક્ષા ગાર્ડ હતાં કે નહીં? આવા અનેક સવાલો ઉભા થતાં વાલીઓમાં શૈક્ષણિક સંસ્થાના સંચાલકો સામે ભારે રોષ ફેલાયો છે. ગંભીર બનાવ અંગે સ્કૂલના સંચાલક અશોકભાઈ રાઠોડનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે વારંવાર ફોન કરવા છતાં તેમણે ફોન ઉપાડયો નહોતો.
એક માસ પહેલાં જ એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું
પ્લાઝમા સ્કૂલ (ફોટોન સ્કૂલ એન્ડ હોસ્ટેલ)માં ગત તા.૧૦ જૂને ધો.૯માં અભ્યાસ કરતા નાવદ્રા ગામના ૧૩ વર્ષીય ક્રિશ નામના વિદ્યાર્થીનું ત્રીજા માળે બારીમાંથી નીચે પટકાતાં મૃત્યુ થયું હતું. આ ઘટનાને હજી એક માસ પૂર્ણ થયો ત્યાં બીજી ગંભીર ઘટના બનતા સંસ્થાનાં મેનેજમેન્ટ સામે વાલીઓએ રોષ વ્યક્ત કરી શૈક્ષણિક વિભાગ તુરંત તપાસ કરે તેવી વાલીઓએ માંગણી કરી છે.