Rajkot

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, તહેવારો ટાણે ખાંડ અને સીંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો

By GS Team
8 Aug 20263 mins read
TukuTouch Logo
દેશભરમાં તહેવારો પૂર્વે ખાંડ અને ખાદ્યતેલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 7 ઓગસ્ટ 2026ના રોજ ખાંડનો સરેરાશ છૂટક ભાવ 50.30 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જે એક મહિના પહેલા 47.17 રૂપિયા હતો. સિંગતેલનો ડબ્બો રાજકોટમાં 2900 રૂપિયાને પાર થયો છે. સરકારે સંગ્રહખોરી રોકવા ખાંડ ડીલરો માટે સ્ટોક લિમિટ લાગુ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, તહેવારો ટાણે ખાંડ અને સીંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો
AI તસવીર

Sugar and Edible Oil Price Hike 2026: તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં સામાન્ય લોકો માટે ખાંડના ભાવને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. દેશમાં છેલ્લા એક મહિનામાં ખાંડના સરેરાશ છૂટક ભાવ લગભગ 6.6 ટકા વધી ગયા છે. જ્યાં એક મહિના પહેલાં દેશમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત 47.17 રૂપિયા પ્રતિ કિલો હતી, ત્યાં હવે તે વધીને 50.30 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ગયા વર્ષની સરખામણીએ પણ ખાંડની કિંમત લગભગ 9 ટકા વધુ છે. બીજી તરફ મગફળી, સોયાબીન સહિત તેલીબિયાંનું ગુજરાત સહિત દેશભરમાં મબલખ ઉત્પાદન સાથે ચાલુ વર્ષે ખરીફ વાવેતર પણ ગત વર્ષની આજની તારીખથી 3.71 લાખ હેક્ટર વધીને 46.82 લાખ હેક્ટરે પહોંચ્યું છે અને કપાસનું વાવેતર પણ નોર્મલ થયું છે છતાં સીંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. રાજકોટ સીંગતેલ ડબ્બો આજે રૂ. 2900ની સપાટીએ પહોંચ્યો હતો.

દેશમાં ખાંડના સરેરાશ દરમાં થયેલો વધારો

ઓલ ઈન્ડિયા એવરેજ પ્રાઈસ મુજબ, 7 ઓગસ્ટ 2026ના રોજ દેશમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત (Sugar Price Today) 50.30 રૂપિયા પ્રતિ કિલો રહી. એક મહિના પહેલાં એટલે કે લગભગ 30 દિવસ પહેલાં આ જ કિંમત 47.17 રૂપિયા પ્રતિ કિલો હતી. એટલે કે આ દરમિયાન ખાંડના ભાવમાં 6.6 ટકાનો વધારો થયો છે. તહેવારો પહેલાં જ ખાંડના ભાવમાં આ વધારો સામાન્ય લોકોના ઘરના બજેટ પર અસર કરી શકે છે. આ દરમિયાન સરકારે પણ વધતા ભાવને ધ્યાને લઈને કડક પગલું ભર્યું છે.

સરકાર દ્વારા સ્ટોક લિમિટ લાગુ કરવાનો નિર્ણય

ખાંડના વધતા ભાવ અને સંગ્રહખોરી રોકવા માટે સરકારે દેશભરમાં ખાંડના ડીલરો માટે સ્ટોક હોલ્ડિંગ લિમિટ લાગુ કરી દીધી છે. આ નિર્ણય 1 ઓગસ્ટ 2026થી લાગુ થયો છે અને તે 30 નવેમ્બર 2026 સુધી લાગુ રહેશે.

ખાંડની કિંમતો વધવા પાછળના મુખ્ય કારણો

ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે આ મામલે પ્રતિક્રિયા આપી છે. સરકારના જણાવ્યા અનુસાર, ખાંડના એક્સ-મિલ ભાવમાં હાલમાં થયેલો વધારો વર્તમાન માંગ અને સપ્લાયની સ્થિતિ મુજબ યોગ્ય નથી. સરકારના ધ્યાને એ વાત પણ આવી છે કે કેટલાક ટ્રેડર્સ, ડીલર્સ અને બજાર સાથે જોડાયેલા વચેટિયાઓ દ્વારા ખાંડનો સ્ટોક ભેગો કરવામાં આવી રહ્યો છે. આ સિવાય સટ્ટાકીય વ્યવહારો અને ખાંડની સપ્લાય વગર માત્ર કાગળ પર થતા કારોબારે પણ બજારમાં અછતનું વાતાવરણ ઊભું કર્યું છે. સરકારનું કહેવું છે કે આ કારણોસર ખાંડના ભાવમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો અને એક્સ-મિલની સાથે સાથે છૂટક કિંમતો પણ વધી.

દેશમાં ખાંડનો પૂરતો પુરવઠો હોવાની જાહેરાત

સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી માત્રામાં ખાંડ ઉપલબ્ધ છે. સરકારના જણાવ્યા મુજબ, બજારમાં કૃત્રિમ અછતનું વાતાવરણ બનાવીને ભાવ વધારવાના પ્રયાસો પર નજર રાખવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે ગ્રાહકોના હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને દેશમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે.

ડીલરો માટે સરકારી પોર્ટલ પર નોંધણી ફરજિયાત

નવા નિયમો હેઠળ તમામ ખાંડના ડીલરોએ પોતાની પાસે રહેલા ખાંડના સ્ટોકની જાણકારી આપવી પડશે. આ સાથે જ તેમણે દર અઠવાડિયે પોતાના સ્ટોકને અપડેટ કરવો પડશે. આ માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરવાનો રહેશે. સરકાર ખાંડ બજારની સતત દેખરેખ રાખી રહી છે અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

દસ દિવસમાં સિંગતેલ-કપાસિયા તેલમાં ડબ્બે રૂ. 40નો વધારો ઝીંકાયો

જો સીંગતેલમાં થયેલા ભાવ વધારા પર નજર કરીએ તો આજે શનિવારે વધુ રૂ. 10 સહિત ગત દસ દિવસમાં સીંગતેલના ડબ્બે રૂ. 40નો વધારો થતા આજે ભાવ રૂ. 2850-2900એ પહોંચાડી દેવાયા છે. જ્યારે કપાસિયા તેલમાં પણ રૂ. 40ના વધારા સાથે રૂ. 2745-2795 સાથે રૂ. 2800ની સપાટી નજીક પહોંચી ગયા છે. બન્ને તેલ વચ્ચે માત્ર રૂ. 100નો ફરક રહ્યો છે.

માંગ-પુરવઠો સ્થિર છતાં ભાવવધારાનો દોર

રક્ષાબંધન, શ્રાવણ માસ, સાતમ-આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે તે તકનો લાભ ઉઠાવવા તેલલોબીએ ભાવવધારાનો સિલસિલો ચાલુ કર્યો છે જ્યારે બીજી તરફ બજારમાં માંગમાં કોઈ વધારો નથી અને પુરવઠો પણ યથાવત્ જારી છે, કારણ કે ગત વર્ષે મગફળીનું વિક્રમી ઉત્પાદન થયું હતું.