અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ડોંગરે વચેટિયા સાથે લાંચ લેતા ઝડપાયા, ફાયર NOC માટે 36 હજાર માગ્યા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને તેમના વચેટિયા ભાવસિંહ પ્રતાપભાઈ ઝાલાને રૂપિયા 36 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે વડોદરા એસીબીની ટીમે મેમનગરના વિજય ચાર રસ્તા પાસે સફળ છટકું ગોઠવીને ફાયર વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો.
અમદાવાદના ચીફ ફાયર ઓફિસર 36000ની લાંચ લેતા ઝડપાયા
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસના ફરિયાદી ફાયર સેફટી ઓફિસર (FSO) તરીકે વ્યવસાય કરે છે. તેઓએ અમદાવાદ શહેરની છ જેટલી બિલ્ડિંગોની ફાયર NOC મંજૂરી માટે ગુજરાત સરકારના પોર્ટલ પર અરજી કરી હતી. આ NOC મંજૂર કરવાના અવેજ પેટે આરોપી ભાવસિંહ ઝાલાએ એક NOC દીઠ રૂપિયા 6 હજાર લેખે કુલ 6 બિલ્ડીંગના 36 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ન આપવા માંગતા જાગૃત નાગરિકે વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બંને સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે વડોદરા શહેર એસીબીના પીઆઈએ બે સરકારી પંચોની હાજરીમાં વિજય ચાર રસ્તા પાસેના યશ એક્વા કોમ્પ્લેક્ષ નજીક ટ્રેપનું આયોજન કર્યું હતું. યોજના મુજબ, આરોપી ભાવસિંહ ઝાલા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 36 હજારની લાંચ સ્વીકારતા જ રંગે હાથે પકડાઈ ગયો હતો. ત્યારબાદ ઝાલાએ ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ડોંગરેને ફોન કરતા, ફોન પર ડોંગરેએ પણ આ લાંચની રકમ સ્વીકારવા અંગે સંમતિ આપી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. એસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









