યાત્રાધામ વીરપુરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, જલારામ ધામ ખાતે ઉમટ્યા દેશ-વિદેશના ભક્તો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Virpur Gurupurnima: આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી જ ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. દેશ-વિદેશમાંથી હજારો ભક્તો પૂજ્ય સંત શ્રી જલારામબાપાના દર્શન અને ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વીરપુર "જય જલારામ"ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
સવારથી જ ભક્તોની લાંબી કતારો
ગુરુપૂર્ણિમાના આ પવિત્ર પર્વે યાત્રાધામ વીરપુર સંપૂર્ણપણે ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. પૂજ્ય સંત શ્રી જલારામબાપાના ધામનું ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોવાથી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પૂજ્ય જલારામ બાપાને ગુરુ માનતા ભાવિકોએ મંદિરના મુખ્ય દરવાજા પાસે જલારામ ધૂન બોલાવીને માહોલને વધુ ભક્તિભાવસભર બનાવ્યો હતો.
પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન
આજે બુધવારે ગુરુપૂર્ણિમાના વિશેષ દિવસે પૂજ્ય જલારામબાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન જલારામ ગાદીના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તેમજ જલારામબાપાના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, બારડોલી, નવસારી, મુંબઈ અને મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાંથી આવેલા ભાવિકોએ સંત શ્રી જલારામબાપાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
જલારામબાપાને પોતાના ગુરુ તરીકે માનતા હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમિયાન યાત્રાધામ વીરપુરમાં ભક્તોની સતત અવરજવર રહી હતી અને આ પવિત્ર ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો.









