કુમળી વયના વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતો નશાખોર શિક્ષક સસ્પેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઊના: ઊના પંથકમાંથી શિક્ષણ જગત માટે શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખાપટ ગામની પ્રાથમિક શાળાનો શિક્ષક કુમળીવયના સગીર છાત્ર પાસે પોતાની નશાની લત સંતોષવા દારૂની બોટલ મંગાવતો હતો. આ ગંભીર બાબતની જાણ થયા બાદ આચાર્યે ૧૬ દિવસ પછી ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી તેમજ ચાલુ શાળાએ દારૂ પીવાની ટેવ ધરાવતા નશાખોર શિક્ષકને સસ્પેન્ડ કરી શિક્ષણ વિભાગ દ્વારા તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તાલુકાના ખાપટ ગામની સરકારી પ્રાથમિક શાળામાં કાળાપણ ગામનો હરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી શિક્ષક તરીકે નોકરી કરે છે. તેને નશાની ટેવ હોવાથી ચાલુ શાળાએ જ દારૂનું સેવન કરતો. ગત તા.૨૦/૬/૨૬ના શાળાના સમય દરમિયાન ધો.૭માં અભ્યાસ કરતા કુમળીવયના સગીર વિદ્યાર્થીને ૨૦ રૂપિયાની લાલચ આપી વિદેશી દારૂની બોટલ મંગાવવા રૂા.૫૦૦ની નોટ આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીએ ગામની એક દુકાનેથી દારૂની બોટલ લઈ આવી શિક્ષક હરેશગીરીને આપી હતી તેમજ વધેલા રૂ.૨૩૦ પણ તેને આપી દીધા હતા. આ અંગેની જાણ આચાર્ય મિલનગીરી જીવનગીરી ગોસ્વામીને થતા તેઓએ વધેલા રૂપિયા અને દારૂની બોટલ હરેશગીરી પાસેથી કબ્જે લઈ શિક્ષકોની રૂબરૂમાં પંચ રોજકામ કરી જપ્ત કરેલા રૂપિયા અને દારૂની બોટલ સીલ કરી સુરક્ષિત રીતે કબાટમાં રાખી દીધા હતા. ત્યારબાદ તેઓએ શિક્ષક હરેશગીરી સામે ઊના તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી.
આ ગંભીર ઘટનાને ૧૬ દિવસ વીતિ જવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા ગઈકાલે આ કિસ્સો સોશ્યલ મીડિયામાં ગાજવા લાગતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. આજે જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા શિક્ષણ અધિકારી અને આચાર્યને રૂબરૂ બોલાવી સૂચના આપતા અંતે આચાર્યે ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષક હરેશગીરીની તેના ઘરેથી ધરપકડ કરી હતી તેમજ શિક્ષણ જગતને કલકિંત કરતા કિસ્સામાં હરેશગીરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે આ શિક્ષક સામે તપાસ માટેગીરસોમનાથના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વેરાવળના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગીરગઢડાના તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરાયા બાદ આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




