Rajkot

કંપનીના એમડીના નામે એકાઉન્ટન્ટને મેસેજ કરી 29 લાખનું સાયબર ફ્રોડ

By GS Team
30 Jul 20263 mins read
TukuTouch Logo
રાજકોટમાં 'બોસ ફ્રોડ'નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જગ મિન્ટ રિફાઇનરી કંપનીના MDના નામે એકાઉન્ટન્ટ કવિતાબેન શાહને મેસેજ કરી 29 લાખ રૂપિયા એક બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવાયા હતા. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભવિષ્યમાં આવા ફ્રોડ રોકવા સેમિનાર યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કંપનીના એમડીના નામે એકાઉન્ટન્ટને મેસેજ કરી 29 લાખનું સાયબર ફ્રોડ

રાજકોટ: રાજકોટ ખાતે પીજીવીસીએલના એમડીના નામે એકાઉન્ટન્ટને મેસેજ કરી લાખો રૂપિયા બેંક ખાતામાં જમા કરાવાયાના ઓનલાઇન ફ્રોડ જેવો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટની જગ મિન્ટ નામની ગોલ્ડ-સિલ્વરની રિફાઇનરી કંપનીના એમડીના નામે એકાઉન્ટન્ટ કવિતાબેન તેજશભાઇ શાહ (ઉ.વ.૪૩, રહે. વ્રજવીલા, વાવડી)ને મેસેજ કરી એક ખાતામાં રૂા.૨૯ લાખ ટ્રાન્સફર કરાવાયા હતા. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં કવિતાબેને જણાવ્યું છે કે, તેની કંપનીના બેન્કિંગ વ્યવહારો તે સંભાળે છે. ગઇ તા.૧૬મીએ ઓફિસમાં બેઠા હતા ત્યારે બપોરના સમયે કંપનીના મોબાઇલમાં વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જે મોબાઇલ નંબર કંપનીના એમડી ધર્મેન્દ્ર પારેખના નામથી સેવ હતો. તે મોબાઇલ નંબરના ડીપી એટલે કે ડીસ્પ્લે પિક્ચરમાં તેના એમડીનો ફોટો હતો.
મેસેજમાં કંપનીના બધા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી બધી ડીટેઇલ મોકલવા, તમામ કામ પડતાં મૂકી આ કામ કરવા જણાવાયું હતું. જેથી તેણે ઓકે લખી કંપનીના બેન્ક બેલેન્સના સ્ક્રીન શોટ તે નંબર ઉપર મોકલ્યા હતા. બીજા દિવસે તે નંબર ઉપરથી એક બેંક ખાતાની ડીટેઇલ આપી તેમાં રૂા.૨૯ લાખ ટ્રાન્સફર કરવા જણાવાયું હતું. જેથી તેણે ઓકેનો મેસેજ કર્યા બાદ બેંક એકાઉન્ટ એડ કર્યાનું કહ્યું હતું.
જેની સામે તે નંબર ઉપરથી પેમેન્ટ ટ્રાન્સફર કરવાની ના પાડી તા.૨૦ના રોજ બીજા એક એકાઉન્ટની ડીટેઇલ આપી તેમાં રૂા.૨૯ લાખ ટ્રાન્સફર કરવા જણાવાયું હતું. તેણે નિયમ મુજબ કંપનીના ઓપરેશન હેડ સમીર પાટડીયાને પુછતાં તેણે હા પાડી હતી. ત્યારબાદ કંપનીના ખાતામાંથી રૂા.૨૯ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. થોડીવાર બાદ ફરીથી તે નંબર ઉપરથી હમારી કંપની કે બેંક એકાઉન્ટમે કીતના બેલેન્સ બચા હૈ તેવો મેસેજ આવતાં તેણે કંપનીના તમામ બેંક એકાઉન્ટના બેલેન્સ અંગેનો મેસેજ કર્યો હતો.
તે સાથે જ તે નંબર ઉપરથી બીજા એક બેંક એકાઉન્ટમાં રૂા.૪૮.૦૫ લાખ ટ્રાન્સફર કરવાનો મેસેજ આવ્યો હતો. તેણે તેના એમડી ધર્મેન્દ્ર પારેખને કોલ કરી રૂા.૪૮ લાખ પછી રૂા.૫૦ હજાર છે કે રૂા.૫ હજાર તેવું પુછવા કોલ કરતા તેણે શેનું પેમેન્ટ કરવાનું છે તેમ પુછતાં તેને તેના જ મોબાઇલ નંબર પરથી પેમેન્ટ માટેનો મેસેજ આવ્યાની વાત કરતા પોતે વોટ્સએપમાં કોઇ મેસેજ કર્યાનો ઇન્કાર કરી ફ્રોડ થયાનું કહેતા તત્કાળ સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યા બાદ આજે ફરિયાદ નોંધાવી હતી.

  • રાજકોટમાં 'બોસ ફ્રોડ'ની બીજી ઘટના, પોલીસ સેમિનાર રાખશે
    રાજકોટ: સાયબર ક્રાઇમની ભાષામાં આ પ્રકારની ઠગાઇને બોસ ફ્રોડ કહેવામાં આવે છે. રાજકોટ સ્થિત પીજીવીસીએલ કચેરીના એમડીના નામે એકાઉન્ટન્ટને કોલ કરી લાખો રૂપિયા એક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવાયા હતા. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જોકે આ ફ્રોડનો ભેદ હજુ ઉકેલાયો નથી, ત્યાં ફરીથી આ જ રીતે વધુ એક ફ્રોડ થયું છે.
    સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ગઠિયાએ પીજીવીસીએલની કચેરીના લેન્ડ લાઇન નંબર ઉપર કોલ કરી તેના એમડી અને એકાઉન્ટન્ટના નામ સહિતની વિગતો મેળવી લીધા બાદ ફ્રોડ કર્યું હતું. આ કિસ્સામાં પણ જગ મિન્ટ કંપનીના એમડી અને એકાઉન્ટન્ટના નામ મેળવી લઇ ફ્રોડ કરાયાની શંકા સાયબર ક્રાઇમ પોલીસે દર્શાવી છે.
    ભવિષ્યમાં આ પ્રકારના 'બોસ ફ્રોડ' ન થાય તે માટે ટૂંક સમયમાં સાયબર ક્રાઇમ પોલીસ ચેમ્બર ઓફ કોમર્સ સાથે મળી સેમિનાર યોજવાનું વિચારી રહી છે. આ સેમિનારમાં કોઇપણ કંપનીના કર્મચારીને તેના બોસના નામે રકમ ટ્રાન્સફર કરવાના મેસેજ આવે તો તત્કાળ બોસને કોલ કરી તેની ખરાઇ કરી લેવા સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.