Rajkot

રોંગ સાઈડમાં ઊભેલા ટ્રક સાથે કાર અથડાતાં દંપતી, પુત્રી સહિત છનાં મોત

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
જૂનાગઢ બાયપાસ પર મજેવડી પાસે આજે સવારે રોંગ સાઈડમાં ઉભેલા ટ્રક સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-વિરમગામના 11 લોકો સ્વજનના અસ્થિ પધરાવવા સોમનાથ જતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં દંપતી અને 6 માસની બાળકી સહિત 6 લોકોના કરૂણ મોત થયા હતા, જ્યારે 10 માસના બાળક સહિત 5ને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

રોંગ સાઈડમાં ઊભેલા ટ્રક સાથે કાર અથડાતાં દંપતી, પુત્રી સહિત છનાં મોત

જૂનાગઢ: જૂનાગઢ બાયપાસ પર મજેવડી પાસે આજે સવારે રોડની બાજુમાં રોંગ સાઈડમાં ઉભેલા ટ્રક સાથે કાર અથડાતા એક દંપતી અને તેની છ માસની બાળકી સહિત છ લોકોના મોત થયા હતા, જ્યારે ૧૦ માસના બાળક સહિત પાંચને ઇજા થઇ હતી. આમ, સવારના પહોરમાં જૂનાગઢ બાયપાસ રકતરંજીત બનતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા.
અમદાવાદ- વિરમગામના ૧૧ લોકો સદ્દગત સ્વજનના અસ્થિ પધરાવવા સોમનાથ જતા હતા ત્યારે અકસ્માત, અન્ય પાંચને ઇજા
આ અંગેની વધુ વિગત મુજબ, અમદાવાદ જિલ્લાના વિરમગામના શૈલેષભાઇ દયારામભાઈ દલવાડીનો પરિવાર તેમજ વાવ થરાદના સબંધી અને બાળકો મળી કુલ ૧૧ લોકો ગતરાત્રીના સ્વજનના અસ્થિ પધરાવવા સોમનાથ જવા કારમાં નીકળ્યા હતા. આજે વહેલી સવારે કાર જૂનાગઢ બાયપાસ પર મજેવડી નજીક પહોંચી ત્યારે કારચાલકે આગળ જતા વાહનને ઓવરટેક કરતાં ત્યાં રોંગ સાઈડમાં એક ટ્રક ઉભો હતો. કાર ધડાકા સાથે આ ટ્રક સાથે અથડાઈ હતી અને તેમાં વિરમગામના શૈલેષભાઈ દયારામભાઈ દલવાડી (ઉ.વ.૩૦), તેમના પત્ની પૂજાબેન શૈલેષભાઈ દલવાડી (ઉ.વ.૨૮), પુત્રી રાહી (ઉમર- ૬ માસ), વાવ થરાદના પ્રકાશ જીતુલાલ બારોટ (ઉ.વ.૩પ)ના ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે રાજુભાઈ નાથાભાઈ બારોટ (ઉ.વ.પપ) અને મંજુલાબેન જીતુભાઈ વાઘેલા (ઉ.વ.પપ) સહિત છને ઈજા થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં રાજુભાઈ અને મંજુલાબેનનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવથી સવારના પહોરમાં જૂનાગઢ બાયપાસ મરણ ચિસોથી ગુંજી ઉઠયો હતો. આસપાસમાંથી લોકોએ આવી ઈજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ને જાણ કરી હતી. તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
સોમનાથ અસ્થિ પધરાવવા જતા પરિવારને અકસ્માત થતા ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

10 માસનાં બાળક સહિત પાંચ લોકોને ગંભીર ઈજા
આ અકસ્માતમાં ૧૦ મહિનાના યશરાજ નામના બાળકને માથામાં ઈજા થઈ હતી તેમજ ફ્રેક્ચર થઈ ગયું હતું. જ્યારે અમરતભાઈ મોહનભાઈ બારોટ (ઉ.વ.૩પ), હર્ષ અમરતભાઈ બારોટ (ઉ.વ.૧૩)ને ફ્રેક્ચર થઈ ગયું હતું, તો અન્ય બે મહિલાઓને ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી.
ટ્રક સાથે અથડાયેલી કારના આગળના ભાગનો બુકડો
અકસ્માત થયો તે સ્થળ નજીક પીજીવીસીએલનું ગોડાઉન આવેલું છે. કોન્ટ્રાક્ટ પર ચાલતો ટ્રક રોડ પર રોંગ સાઈડમાં ઉભો હતો. કારચાલક સાઈડ લેવા જતાં કાર ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં કારના આગળના ભાગનો બુકડો થઈ ગયો હતો. એરબેગ ખૂલી ગયા હતા. તેમાં સવાર લોકો પૂરઝડપે જતી કારમાંથી ફંગોળાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.