Rajkot

જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતી વધુ એક બાળકીનું મોત

By GS Team
25 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરની જી.જી. હોસ્પિટલમાં દ્વારકા પંથકની ચાંદીપુરા શંકાસ્પદ બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4 થયો છે. હાલારમાં અત્યાર સુધી 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 3-3 બાળકોનો સમાવેશ થાય છે. હાલ 2 બાળકો સારવાર હેઠળ છે અને 2ના રિપોર્ટ હજુ બાકી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતી વધુ એક બાળકીનું મોત

જામનગર : જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી દ્વારકા પંથકની બાળકીનો નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી સારવારમાં મૃત્યુ નીપજયું છે. આમ કુલ મૃત્યુ આંક ચારનો થયો છે. હાલ જી.જી.હોસ્પિટલમાં બે બાળકો સારવાર હેઠળ છે.
હાલારમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના ૬ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં જામનગર શહેર-જિલ્લાના ૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩ બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ બાળકોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ દરમ્યાન સૌ પ્રથમ શહેરના રવિપાર્કમાં રહેતી ૨ વર્ષની બાળકીનો રિપોર્ટ આવે તે પૂર્વે તેનું મૃત્યુ નીપજયું હતું. પછીથી તેનો રિપોર્ટ નેગેટિવ મળ્યો હતો. ત્યારબાદ લાંબા ગામના ૨ વર્ષના બાળક અને કલ્યાણપુરના ૯ મહિનાના બાળકનું મૃત્યુ નીપજયું હતું. જો કે, મૃત્યુ પામેલા જામનગર અને લાંબા ગામના બાળકનો તથા સારવાર લઈ રહેલા જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રહેતી બાળકીનો મળી કુલ ચાર બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
જયારે મૃત્યુ પામેલા કલ્યાણપુરના ૯ મહિનાના તથા સારવાર લઈ રહેલા વસઈ ( આમરા) ગામના બાળકનો રિપોર્ટ હજુ બાકી છે. ગઈકાલે જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દ્રારકા પંથકની બાળકીનું મૃત્યુ નીપજયું છે. આથી મૃત્યુઆંક ૪નો થયો છે. બંને જિલ્લામાં અત્યાર ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણ સારવાર અર્થે આવેલા કેસનો અંક છ ઉપર પહોંચ્યો છે. જેમાંથી ૪ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બે બાળકોના રિપોર્ટ બાકી છે. જી.જી.હોસ્પિટલમાં હાલ બે બાળકો સારવાર હેઠળ છે.