Rajkot

સામું જોવાના મુદ્દે ડખ્ખો થતાં પાઇપ ફટકારી પ્રૌઢને મોતને ઘાટ ઉતાર્યા

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગતરાત્રે ખ્વાજા એપાર્ટમેન્ટ પાસે, ઇકબાલભાઈ લોધી (ઉ.વ. 56)ની સામે જોવા જેવી નજીવી બાબતે ઝઘડાનો ખાર રાખી, દાનિશ અમીનભાઈ, સુફિયાન હનીફભાઈ આરબ અને રિયાઝે પાઈપ વડે હુમલો કરી હત્યા કરી. ભક્તિનગર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સામું જોવાના મુદ્દે ડખ્ખો થતાં પાઇપ ફટકારી પ્રૌઢને મોતને ઘાટ ઉતાર્યા

રાજકોટ : જંગલેશ્વર વિસ્તારમાં આવેલા ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે પાનની દુકાન પાસે ગઇરાત્રે ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઇ લોધી (પઠાણ, ઉ.વ. ૫૬,રહે. પીરવાડી પાસે જૂના ગણેશનગરમાં)ની સામુ જોવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી આરોપી દાનિશ અમીનભાઇ, સુફિયાન હનીફભાઇ આરબ અને રિયાઝ (રહે. જંગલેશ્વર) આડેધડ પાઇપ ફટકારી હત્યા કર્યાની ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ફરિયાદમાં ભોગ બનનારના પુત્ર સોહિલે જણાવ્યું છે કે, ચારભાઇમાં મોટો છે અને ન્યુ સાગર સોસાયટીમાં રહે છે. તેના પિતા ઇકબાલભાઇ જૂના ગણેશનગર શેરી નં. ૩માં રહેતા હતા. ગઇકાલે રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ પિતાએ ફોન કરીને 'જંગલેશ્વરમાં રહેતા દાનિશ સાથે મારે ઝઘડો થયો છે, તું તપાસ કર તેણે કેસ કર્યો છે કે કેમ? તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
ત્યારબાદ તેના મિત્ર સાહિલ ઉર્ફે ગુંદીનો ફોન આવ્યો તેણે કહ્યું કે, 'તું જલ્દી ખ્વાજા એપાર્ટમેન્ટ પાસે આવ નિસ્બત પાનની દુકાન પાસે તારા પિતાને આરોપી દાનિશ સાથે માથાકૂટ થતાં તે બેભાન હાલતમાં પડયા છે. તેમ વાત કરતા તે તુરંત જ ત્યાં ગયો ત્યારે તેના પિતા કંઇ બોલતા ન હતા. બાદમાં મિત્ર સાહિલે 'તારા પિતા અહીં બેઠા હતા. ત્યારે આરોપી દાનિશ, સુફિયાન અને રીયાઝ આવ્યા હતા. અને ત્રણે'યે પાઇપના ઘા ફટકારી અને ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. તેવી વાત કરી હતી.
બાદમાં તે તેના પિતાને તુરંત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવમાં મૃતક ઇકબાલભાઇને આરોપી દાનિશ સાથે સામુ જોવા બાબતે ઝઘડો થયો હતો. જે બાબતનો ખાર રાખી આરોપીઓએ પાઇપ અને ગડદાપાટુનો મરણતોલ મારમારી હત્યા કર્યાનું જણાવાયું છે. આ અંગે ભક્તિનગર પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.