રાજકોટ જિલ્લાની મુખ્ય પાંચ સરકારી હોસ્પિટલમાં એક વર્ષમાં 4335 મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રાજકોટ જિલ્લામાં રોગોની સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓની સંખ્યા મોટી છે, પરંતુ તેનાથી વધુ ચિંતા એ વાતની છે કે કયા રોગો દર્દીઓ માટે જીવલેણ બની રહ્યા છે. વર્ષ ૨૦૨૫-૨૬ના સરકારી આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો સૌથી ગંભીર ચિત્ર શ્વસનતંત્રના રોગો, બ્લડપ્રેશર, બાળકોના રોગો અને અકસ્માત-ઈજા-હિંસાના કેસોમાં જોવા મળે છે. કુલ ૪,૩૩૫ મૃત્યુમાંથી ૩,૩૪૧ મૃત્યુ માત્ર આ ચાર કેટેગરીમાં નોંધાયાં છે. એટલે કે સરકારી હોસ્પિટલોમાં નોંધાયેલા દર ૧૦ મૃત્યુમાંથી લગભગ ૭ મૃત્યુ શ્વસન, બીપી, બાળરોગો તથા અકસ્માત-ઈજા-હિંસાના કેસોમાં થયાં છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલ ઉપરાંત ગોંડલ, ઉપલેટા અને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં એપ્રિલ-૨૦૨૫થી માર્ચ-૨૬ દરમિયાન એક વર્ષમાં સૌથી વધુ મૃત્યુ શ્વસનતંત્રના રોગોમાં નોંધાયાં છે. એટલે કે શ્વાસની તકલીફ, ફેફસાં અને શ્વસનતંત્ર સાથે જોડાયેલી બીમારીઓ રાજકોટમાં મૃત્યુના સૌથી મોટા કારણોમાં છે. કુલ નોંધાયેલા મૃત્યુમાં આ કેટેગરીનો હિસ્સો ૨૫.૭૪ ટકા જેટલો છે. ચિંતા માત્ર વૃદ્ધો કે ગંભીર બીમાર દર્દીઓ પૂરતી નથી. બાળકોના રોગો પણ મૃત્યુના મોટા કારણોમાં આગળ છે. કુલ મૃત્યુમાં બાળરોગનો હિસ્સો ૨૩.૦૯ ટકા છે. બાળદર્દીઓ માટે સમયસર નિદાન અને ગંભીર સ્થિતિમાં ઝડપી સારવાર કેટલી મહત્વની છે તેનો સ્પષ્ટ સંકેત મળે છે.
બીજી તરફ અકસ્માત, ઈજા અને હિંસાના ટ્રોમા કેસો પણ એટલા જ ગંભીર છે. કુલ મૃત્યુમાં તેનો હિસ્સો પણ આશરે ૧૭.૯૭ ટકા છે. આ ઉપરાંત બ્લડપ્રેશર સંબંધિત રોગો પણ ગંભીર છે. કુલ મૃત્યુમાં તેનો હિસ્સો લગભગ ૧૪.૮૮ ટકા છે. આ ચાર કેટેગરી શ્વસનતંત્ર, બાળરોગ, બ્લડપ્રેશર અને અકસ્માત-ઈજા-હિંસા મળીને કુલ મૃત્યુના લગભગ ૭૭.૦૭ ટકા થાય છે.
ચેપજન્ય રોગો સાથે હૃદય સહિતના બિનચેપી રોગોનું જોખમ પણ અવગણી શકાય નહીં. જ્યારે હૃદયરોગ, પાચનતંત્રના રોગો, કેન્સર, જન્મજાત ખોડખાંપણ, ચેતાતંત્ર અને અન્ય રોગોમાં પણ મૃત્યુ નોંધાયાં છે. ખાસ કરીને કેન્સરના કેસમાં દાખલ દર્દીઓની સંખ્યા ઓછી હોવા છતાં મૃત્યુ નોંધપાત્ર છે.
૨૦૨૫-૨૬ દરમિયાન સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સ્થિતિ | |||
રોગનું નામ | ઓપીડી | આઈપીડી | મૃત્યુ |
શ્વસનતંત્રને લગતા | ૧,૨૬,૦૩૯ | ૧૬,૮૯૮ | ૧,૧૧૬ |
બાળકોના રોગો | ૮૭,૮૩૪ | ૨૫,૨૪૩ | ૧,૦૦૧ |
અકસ્માત, ઈજા અને હિંસા | ૫૦,૧૨૫ | ૧૮,૩૯૮ | ૭૭૯ |
બ્લડપ્રેશરની ક્રિયાને લગતા | ૭૯,૭૭૬ | ૬,૨૨૦ | ૬૪૫ |
પાંચનક્રિયાને લગતાં | ૯૩,૩૪૭ | ૧૪,૦૭૩ | ૧૮૪ |
જન્મજાત ખોડખાંપણ | ૬૨૮ | ૨૮૨ | ૯૮ |
જનન અને મૂત્રતંત્રને લગતા | ૧,૩૫,૫૧૬ | ૮,૬૫૫ | ૯૩ |
ચેપી અને જીવાણુજન્ય | ૬૬,૫૩૧ | ૬,૯૬૫ | ૩૩ |
જુદા-જુદા કેન્સર | ૨,૩૬૧ | ૬૫ | ૫૯ |
અંતઃસ્ત્રાવ, કુપોષણ, ચયાપચય | ૩૦,૩૨૯ | ૨,૪૩૫ | ૫૦ |
લોહી કે ઉત્પાદક અંગોને લગતા | ૩૨,૮૮૦ | ૯,૬૯૯ | ૨૪ |
મનોવિકૃતિઓ | ૬૬,૮૮૦ | ૧,૧૯૩ | ૪૫ |
ચેતાતંત્ર-જ્ઞાાનતંતુઓને લગતા | ૭,૨૧૦ | ૩,૧૨૩ | ૬૭ |
ગર્ભાવસ્થા કે પ્રસૂતિને લગતા | ૫૩,૬૭૩ | ૧૧,૮૩૨ | ૩૬ |
ત્વચા અને ત્વચાપેશીને લગતા | ૧,૧૭,૦૦૩ | ૯૪,૭૨૦ | ૨૬ |
સ્નાયુ, અસ્થિ, પેશીનને લગતા | ૧,૫૫,૦૪૭ | ૧,૧૧,૪૦૦ | ૧ |
પ્રસૂતિ સંબંધિત બીમારીઓ | ૧,૬૦૨ | ૨૩૧ | ૫ |
અવર્ગીકૃત લક્ષણો-બીમારીઓ | ૫૪,૦૧૦ | ૧૦,૪૧૧ | ૦ |
અન્ય રોગો | ૧,૭૪,૦૮૪ | ૯,૭૦૩ | ૭૩ |
કુલ સરવાળો | ૧૩,૩૫,૧૭૫ | ૩,૫૧,૫૪૬ | ૪,૩૩૫ |




