જેતપુરમાં એક જ સરખા નંબરવાળી 10 લકઝરી બસ, એક કાર પકડાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત અને મહારાષ્ટ્રના સુરત-સૌરાષ્ટ્ર રૂટ પર ચાલતું આયોજનબદ્ધ નેટવર્ક ઝડપાયું, રૂા.૧.૫૫ કરોડથી વધુના વાહનો કબજેે કરી ત્રણની ધરપકડ
જેતપુર: જેતપુરમાં રોડ ટેક્સ તથા વાહન વીમો બચાવવાના ઇરાદે એક જ સરખા રજીસ્ટ્રેશન નંબરની પ્લેટો લગાડીને જુદા જુદા રૂટ પર એક સરખા નંબર વાળી અનેક ખાનગી બસો દોડાવવાનું કારસ્તાન પોલીસે ઝડપી ૧૦ લક્ઝરી ટ્રાવેલ્સ બસ અને ૧ ઓમ્ની કાર સહિત કુલ ૧૧ વાહનો કબજે કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧ કરોડ ૫૫ લાખથી વધુ થવા જાય છે.
જેતપુર ઉદ્યોગનગર પોલીસને બાતમી મળી હતી કે, જૂનાગઢ તરફથી રાજકોટ તરફ જઈ રહેલી 'શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સ'ની સ્લીપર કોચ બસમાં ખોટી નંબર પ્લેટ લગાવેલી છે. પોલીસે પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર રબારીકા ચોકડી પાસે વોચ ગોઠવી બાતમીવાળી બસ ત્યાંથી પસાર થતાં જ તેને અટકાવી આગળ-પાછળ જોતાં એઆર- ૦૧, ૯૯૦૫ નંબરની પ્લેટ માલૂમ પડી હતી. બસ ચાલક કૌશિક યોગેશભાઈ જયસ્વાલ (રહે. મેંદરડા, જૂનાગઢ) પાસે બસના કાગળો કે ડ્રાઈવિંગ લાયસન્સ નહોતા. સઘન પૂછપરછ દરમિયાન તેને કબૂલ્યું કે, તેના નાના ભાઈના નામે રજીસ્ટર્ડ બસની વધારાની નંબર પ્લેટો આ બસ પર લગાડી ટેક્સ અને વીમો ભર્યા વગર તે બસ ચલાવતો હતો. આ દરમિયાન એ જ નંબર ધરાવતી બીજી ગુલાબી અને સફેદ કલરની બસ પણ ત્યાંથી પસાર થતાં પોલીસે તેને પણ આંતરી લીધી હતી. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનાઓ નોંધી મુખ્ય સૂત્રધારો પાવન અલ્પેશભાઈ જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનુ નવીનચંદ્ર જયસ્વાલ તથા કૌશિક યોગેશભાઈ જયસ્વાલ સહિતના શખ્સો સામે કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની અટકાયત કરી લેવાઈ છે.
- તપાસ લંબાવતા વધુ ચાર લકઝરી બસ એક જ નંબરવાળી મળી
પ્રથમ સફળતા બાદ પોલીસે તપાસ લંબાવી જેતપુર-જૂનાગઢ હાઈવે પર 'પાવન ટ્રાવેલ્સ'ના ડેલામાં દરોડો પાડતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી, કારણ કે ત્યાં પડી રાખેલી અન્ય ચાર જેટલી ખાનગી લક્ઝરી બસોમાં પણ આગળ-પાછળ એક જ સરખો રજીસ્ટ્રેશન નંબર વાળી બનાવટી નંબર પ્લેટો લગાડેલી બસ મળી આવી હતી. આ તમામ બસો આરટીઓના ચોપડે કોઈ જ સત્તાવાર નોંધણી કે ટેક્સ ભરપાઈ કર્યા વિના માત્ર કાગળ પર ઊભા કરાયેલા નંબરોની મદદથી ખાનગી હાઈવે રૂટ પર દોડાવવા માટે તૈયાર રાખવામાં આવી હતી. - બસોને સૌરાષ્ટ્રના લોકલ અને સુરત તથા મહારાષ્ટ્ર તરફના રૂટોમાં દોડાવાતી હતી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિગતો પ્રકાશમાં આવી છે કે, આ કૌભાંડના સૂત્રધારો એક જ સરખા નંબર ધરાવતી બસો પૈકી એક બસ સૌરાષ્ટ્ર પટ્ટાના લોકલ રૂટ પર ચલાવતા, જ્યારે બિલકુલ એ જ નંબર પ્લેટ ધરાવતી બીજી બસને સુરત અથવા મહારાષ્ટ્ર તરફના લાંબા રૂટ પર દોડાવતા હતા. આ પ્રકારની મોડસ ઓપરેન્ડીને કારણે હાઈવે પોલીસ પણ થાપ ખાઈ જતી હતી. લાંબા સમયથી વહીવટી તંત્રની આંખમાં ધૂળ નાખીને આચરાતી આ પ્રવૃત્તિથી સરકાર ને લાખોે રૂપિયાના ટેક્સનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.









