પંજાબની બે યુનિવર્સિટી ભૂતો, ભૂવાઓ અને ઇન્સ્ટાની પકડમાં છે

- કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રે 'ભૂત' ફરે છે
- પ્રસંગપટ
- કેમ્પસમાં આવેલા મોલમાં થયેલી લૂંટફાટના કેસમાં વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા
આપણે ત્યાં અફવાઓનું સામ્રાજ્ય વર્ષોથી ચાલ્યું આવે છે, પરંતુ સોશિયલ નેટવર્કનો પ્રભાવ છવાયા પછી અફવાઓ વધુ ખતરનાક પરિણામો આપી રહી છે. અફવાઓ વાતનું વતેસર કરી નાખે છે અને લોકો જોયા-જાણ્યા વગર કે સાબિતી જોયા વગર લાંબે ગાળે તેને સાચી માની લેતા હોય છે. નાના બાળકોને ઉઠાવી જતી ટોળકીની અફવા હોય કે બહાર રમતાં બાળકોનું અપહરણ કરતી ગેંગ જેવી અફવાઓના કારણે અનેક નિર્દોષ રાહદારીઓ જાણે-અજાણે લોકોના ટોળાના રોષનો ભોગ બન્યા હતા. હવે હુલ્લડો જોવા નથી મળતાં, પણ જ્યારે ૧૯૯૦ના દાયકાનાં વર્ષોમાં હુલ્લડીયો માહોલ હતો ત્યારે સોશિયલ નેટવર્ક નહોતું, છતાં ત્યારે પણ અફવાઓનું બજાર તંગ વાતાવરણ ઊભું કરતું હતું.
અહીં આ વાત એટલા માટે કરી છે કે પંજાબની બે યુનિવસટીઓ ભૂત અને બળાત્કારની અફવાઓથી એટલી પીડિત બની છે કે વિદ્યાર્થીઓ ભણવાનું છોડીને પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે. આ બે યુનિવસટીઓ પૈકી એક ચંડીગઢ નજીક આવેલી ચિત્કારા યુનિવસટી છે, તો બીજી છે એલપીયુ તરીકે ઓળખાતી ફગવાડાની લવલી પ્રોફેશનલ યુનિવસટી. જ્યાં રાત્રે ભૂતના આંટાફેરા અને ભેદી અવાજોએ વિદ્યાર્થીઓને ડરાવી દીધા છે.
આ વાત બહુ જૂની નથી. ગઈ ૨૫-૨૬ સપ્ટેમ્બરે મોડી રાત્રે કેટલીક છોકરીઓએ માઈક પર ભૂતનો અવાજ કાઢીને, કોઈ ઝાંઝર પહેરીને ફરતું હોય તેવા અવાજો કરીને લોકોને ડરાવ્યા હતા. વાત એવી ઊડી કે તેના પર ઈમેજો બનવા લાગી અને વિવિધ અફવાઓ સાથેની ઇન્સ્ટાગ્રામ રીલ્સ ફરવા લાગી હતી. વિદ્યાર્થીઓ જાહેરમાં કહેતા હતા કે કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રે ભૂત ફરે છે. એક જણે તો એવું ચલાવ્યું કે રાત્રે કેમ્પસમાં એમ્બ્યુલન્સ આવી હતી અને બે મૃત છોકરીઓને મૂકીને જતી રહી હતી, અને સવારે એ બંને છોકરીઓના મૃતદેહ ગાયબ થઈ ગયા હતા.
પોલીસ બિચારી ખુલાસા કરીને થાકી ગઈ છે. પોલીસ સ્પષ્ટતા કરે છે તો સોશિયલ નેટવર્ક પર એમ કહેવાય છે કે પોલીસ ડરેલી છે અને સાચી વાત છુપાવે છે તથા સત્તાવાળાઓ સાથે મળેલી છે. કમનસીબી તો એ છે કે બંને યુનિવસટીના કોઈ પ્રોફેસર આગળ આવીને વિદ્યાર્થીઓને સમજાવવા તૈયાર નથી કે ભૂત-બૂત જેવું કશું જ નથી હોતું.
ભૂતિયા લેબલવાળી આ બે યુનિવસટીઓ પૈકી એક એલપીયુ તો આમ આદમી પાર્ટીના સાંસદની છે. સાંસદ ભાજપમાં જોડાયા બાદ યુનિવસટીને બદનામ કરવાનાં કરતૂતો ચાલી રહ્યાં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કેમ્પસમાં આવેલા મોલમાં થયેલી લૂંટફાટના કેસમાં પણ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. બંને યુનિવસટીઓ વિવાદોમાં અટવાયેલી છે પરંતુ પંજાબ સરકાર ચૂપ છે, કેમ કે સામે ચૂંટણીઓ આવી રહી છે. વિદ્યાર્થીઓની નારાજગી પંજાબ સરકાર સામે વધતી જાય છે.
દેશમાં વિદ્યાર્થીઓના મસીહા બનીને આવ્યા હોવાનો દાવો કરતી કોક્રોચ જનતા પાર્ટીના કોઈ કાર્યકર આ વિવાદમાં માથું મારવાની હિંમત નથી કરતા, કેમ કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. યુનિવસટીના વિદ્યાર્થીએ પીઆઈએલ કરીને કહ્યું છે કે કેમ્પસમાં આવેલો મોલ લૂંટવામાં વિદ્યાર્થીઓ પર કરાતા આક્ષેપો તદ્દન ખોટા છેત હકીકતમાં તો બહારથી આવેલા ગુંડાઓએ લૂંટ ચલાવી છે. કોર્ટમાં કરાયેલી પીઆઈએલમાં મોલ લૂંટવાની ઘટનાની ખાસ તપાસ કરવા જણાવાયું છે.
ભારત વિજ્ઞાાન તેમજ સ્પેસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે પંજાબ જેવા સમૃદ્ધ રાજ્યમાં ભૂતની અફવાથી બે મોટી યુનિવસટીઓનું શિક્ષણકાર્ય અટવાયેલું છે. જેવું અંધારું થાય છે કે તરત જ સંકુલમાં સન્નાટો પ્રસરી જાય છે અને કેટલાક મશ્કરા વિદ્યાર્થીઓ મોબાઈલ પર ડરામણા અવાજો સ્પીકર પર વહેતા કરે છે. થોડી જ વારમાં તેની રીલ બનીને ઇન્સ્ટાગ્રામ પર ફરતી કરી દેવાય છે. તેમાં સફેદ ઓળા બતાવાય છે અને સ્ટોરી એવી મુકાય છે કે, 'રાત્રે ૧૨ વાગ્યે કેમ્પસમાં ફરતા ભૂતનો ફોટો મોકલ્યો છે, ચેતતા રહેજો!'
બહારગામથી આવેલા વિદ્યાર્થીઓને લેવા તેમના વાલીઓ સવારથી જ આવી જાય છે અને તેમને ઘેર લઇ જાય છે. કેમ્પસમાં જેટલા મોંઢા છે એટલી ભૂતકથાઓ છે. પ્રાચીન કવિ અખાની એક સુંદર કવિતા અહીં બંધ બેસતી આવે છે.
વા વાયાને નળિયું ખસ્યું,
તે દેખીને કૂતરૃં ભસ્યું
કોઇ કહે મેં દીઠો ચોર,
બહુ થયો ત્યાં શોરબકોર




