ઓપરેશન સિંદૂરની અસર: ત્રાસવાદીઓ હુમલો કરવાની હિંમત નહીં કરે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હર હર મહાદેવના નારા વચ્ચે અમરનાથ યાત્રાનો શુભારંભ
પ્રસંગપટ
અમરનાથના માર્ગ પર સુરતના શ્રદ્ધાળુએા પર ત્રાસવાદીઓ ત્રાટક્યા હતા તે ક્રૂર ઘટના હંમેશા યાદ રહેશે
આજથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. એક તરફ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે) ભડકે બળી રહ્યું છે, ત્યારે બીજી તરફ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે સત્તાવાળાઓ દ્વારા વ્યાપક અને મજબૂત પગલાં લેવામાં આવ્યાં છે. પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી સંગઠનો આ પવિત્ર યાત્રા પર હુમલો કરીને કાશ્મીરમાં પોતાનો ડર કાયમ રાખવા માંગે છે. 'ઓપરેશન સિંદૂર'ના કારણે સરહદ પારના આતંકવાદની કમર તૂટી ગઈ હોવા છતાં, પાકિસ્તાની શાસકો કોઈ નાપાક અટકચાળું કરાવી શકે છે. જોકે, સંરક્ષણ નિષ્ણાતો માને છે કે જે રીતે મોદી સરકાર આતંકી હુમલાઓનો ત્વરિત અને સંહારક જવાબ આપી રહી છે, તે જોતાં પાકિસ્તાન આ વખતે અમરનાથ યાત્રામાં કોઈ પણ પ્રકારના ચંચુપાતથી દૂર રહેશે.
હાલ પાકિસ્તાન માટે સૌથી મોટી આંતરિક સમસ્યા પીઓકે છે. આ વિસ્તાર અમારો છે તેવા પોકળ દાવા કરતા પાકિસ્તાનના નેતાઓ પણ ત્યાં પગ મૂકવાની હિંમત કરતા નથી. છેલ્લા એક મહિનાથી પીઓકેમાં જે હિંસક તોફાનો ચાલી રહ્યાં છે, તેના માટે પાકિસ્તાની શાસકો વારંવાર ભારત સામે શંકાની સોય ચીંધી રહ્યા છે. આવા તણાવપૂર્ણ વાતાવરણ અને શંકા-કુશંકાઓ વચ્ચે જ આ વર્ષની અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં કટ્ટરવાદી સંગઠનો માટે આ ધામક યાત્રા હંમેશાં સોફ્ટ ટાર્ગેટ રહી છે, કારણ કે તેઓ ભારતમાં કોમી એકતા અને શાંતિ રુંધવાના પ્રયાસો કરે છે.
આ યાત્રા સાથે દેશના કરોડો લોકોની ધામક લાગણીઓ સાથે જોડાયેલી છે.જો ઐતિહાસિક આંકડા પર નજર કરીએ તો, અમરનાથ યાત્રા દરમિયાન ૧૯૯૦થી અત્યાર સુધીમાં નાની-મોટી ૩૬ વાર ત્રાસવાદી ઘટનાઓ બની છે. અમરનાથ યાત્રાના ઇતિહાસ સાથે ગુજરાત અને સુરતના પ્રવાસીઓની એક કરુણાંતિકા પણ વણાયેલી છે. ૨૦૧૭માં સુરતના યાત્રાળુઓની એક બસ રસ્તો ભૂલી ગઈ હતી, ત્યારે રાત્રિના સમયે આતંકીઓએ તેના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં સાત નિર્દોષ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ ૨૦૧૯માં કલમ ૩૭૦ હટાવવામાં આવી તેની પહેલાં સુરક્ષાના કારણોસર યાત્રા અધવચ્ચેથી કેન્સલ કરી તમામ પ્રવાસીઓને તાત્કાલિક વતન પરત મોકલી દેવાયા હતા.
અલબત્ત, વર્તમાન સરકારે આતંકવાદ સામે જે કડક વલણ અપનાવ્યું છે તે જોતાં આ વખતે સંગઠનો આવી કોઈ ભૂલ નહીં કરે. પાકિસ્તાન હાલ વૈશ્વિક તખ્તા પર પોતાની આતંકવાદી છબી સુધારવા મથી રહ્યું છે, કારણ કે તે પોતે અફઘાનિસ્તાન સરહદેથી થતા ઘૂસણખોરીના હુમલા અને બલૂચ બળવાખોરોથી ભીંસમાં મુકાયેલું છે. આથક રીતે કંગાળ બનેલા પાકિસ્તાનમાં અત્યારે ભૂખમરા જેવી કપરી સ્થિતિ છે, તેથી તેને ભારત સામે સીધું યુદ્ધ કરવું કોઈ પણ કાળે પોષાય તેમ નથી. તેમ છતાં પાકિસ્તાનના સત્તાધીશો 'હાર્યો જુગારી બમણું રમે' તે ન્યાયે કાશ્મીરમાં આડકતરી અશાંતિ ફેલાવવાના પેંતરા રચતા રહે છે.
અલબત્ત, ગમે તેવું ખરાબ હવામાન હોય કે આતંકી હુમલાનો ભય, તેઓ ક્યારેય બાબા બરફાનીના દર્શનનો લ્હાવો છોડવા તૈયાર થતા નથી. વરસોવરસ શ્રદ્ધાળુઓની આ આસ્થા સતત દ્રઢ બની રહી છે. સરકાર સારી રીતે જાણે છે કે આતંકીઓનો ડોળો હંમેશાં આ રૂટ પર મંડાયેલો હોય છે, પરંતુ સુરક્ષા દળોના સખત વહેરા અને ઓપરેશન દરમિયાન મળેલા સબક પછી આતંકીઓ પ્લાનિંગથી દૂર રહેશે.
આજથી શરૂ થઈને આગામી ૫૭ દિવસ એટલે કે ૨૮ ઓગસ્ટ સુધી ચાલનારી આ વર્ષની યાત્રામાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાય તેવી સંભાવના છે. અમરનાથની પહાડીઓ પર ટ્રેકિંગ કરવું આસાન નથી. ભૂતકાળમાં ઓક્સિજનની કમી અને સ્વાસ્થ્ય બગડવાના કારણે કેટલાક યાત્રીઓ કાળનો કોળિયો બન્યા હતા, તેથી હવે કડક મેડિકલ ચેકઅપના સટફિકેટ બાદ જ યાત્રાની સત્તાવાર પરવાનગી અપાય છે. સુરક્ષા ડિજિટલ કરવામાં આવી છે અને દરેક યાત્રાળુને ખાસ ટ્રેકિંગ બેલ્ટ અપાશે, જેમાં સેટેલાઇટ લોકેશન બતાવતી આધુનિક એપ જોડેલી રહેશે.
યાત્રાના સમગ્ર પહાડી માર્ગ પર અર્ધલશ્કરી દળોના સક્ષમ જવાનો તૈનાત રહેશે, તેમજ પ્રત્યેક બેઝ કેમ્પ અને રાહત છાવણીની બહાર લોખંડી સુરક્ષા કવચ ઊભું કરાયું છે. સરકારી હોસ્પિટલો ઉપરાંત સેવાભાવી કેન્દ્રોમાં ઓક્સિજન સિલિન્ડર અને તાકીદની તબીબી સહાયના તમામ સાધનો ઉપલબ્ધ રખાયાં છે. જેમ ફાગણ માસમાં ડાકોર જતા પગપાળા યાત્રીઓ માટે સેવા છાવણીઓ ખોલવામાં આવે છે, તેમ જ કાશ્મીરના આ દુર્ગમ રૂટ પર પણ સેવાભાવી સંસ્થાઓના વિશાળ કેન્દ્રો ૨૪ કલાક ધમધમતા હોય છે.









