Prasangpat

અમેરિકામાં ટાર્ગેટ બની રહેલા ગુજરાતીઓઃ સળગતી સમસ્યા

By GS Team
25 Aug 20263 mins read
TukuTouch Logo
અમેરિકામાં છેલ્લા સવા વર્ષમાં 5 ગુજરાતીઓની હત્યાથી ચિંતા પ્રસરી છે. ન્યૂયોર્કમાં ગુરદીપ સિંહ, જેક્સન સિટીમાં સુરેશ પટેલ અને વર્જીનિયામાં મેઘના પટેલ ગોળીબારનો ભોગ બન્યા હતા. લૂંટના ઇરાદે થયેલા આ હુમલાઓમાં મોટાભાગે બેકાર કે નશાખોર યુવાનો સંડોવાયેલા હોય છે. ગુજરાતી સંગઠનો અવાજ ઉઠાવે છે, પણ સરકાર નક્કર પગલાં લેતી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં ટાર્ગેટ બની રહેલા ગુજરાતીઓઃ સળગતી સમસ્યા
  • હુમલાખોરો રખડતા અને નશાના રવાડે ચઢેલા યુવાનો હોય છે
  • પ્રસંગપટ
  • વિચારો કે સવા વર્ષમાં ગુજરાત ખાતે પાંચ અમેરિકનોની હત્યા થઇ હોત તો ચારેબાજુ ઉહાપોહ જોવા મળત

જ્યારે પણ અમેેરિકામાં કોઇ ગુજરાતી વેપારીની હત્યા થાય છે ત્યારે અમેરિકામાં ગુજરાતીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે તે ચર્ચા જોર પકડે છે. અમેરિકામાં વસતા ગુજરાતી સંગઠનો વારંવાર લોકોને સલાહ આપતા હોય છે કે અમેરિકામાં રખડતા લોકો સાથે બહુ વિવાદમાં ના ઉતરવું અને શક્ય હોય તો તે જે માંગે તે આપી દેવું. આપણેે ત્યાં જેમ લૂંટારાઓ છૂરાબાજીનો ઉપયોગ કરતા જોવા મળે છે એમ અમેરિકામાં છૂરાના બદલે રિવોલ્વરનો ઉપયોગ થાય છે. અમેરિકામાં બેકારીની સમસ્યાની સાથે રિવોલ્વરનો છૂટથી ઉપયોગ કરનારાની પણ સમસ્યા છે. જ્યારે પણ કોઇ ભારતીય ખાસ કરીને ગુજરાતીની હત્યા થાય છે ત્યારે તેમના વતનમાં કાગારોળ જોવા મળે છે પરંતુ અમેરિકામાં હત્યા બાબતે ગુજરાતીઓમાં કોઇ ગંભીર વિરોધ જોવા મળતો નથી.
હવેતો ચર્ચા એ પણ થાય છે કે છાશવારે ગુજરાતીઓ ગોળીબારનો ભોગ બને છે એવું જો ભારતમાં રહેતા કોઇ અમેરિકનો સાથે થતું હોય તો અમેરિકા ભારત પાસે જવાબ માંગે અને ફરી આવું ના થાય તેવી ચીમકી પણ આપે. કોઇ પણ દેશનો નાગરિક અન્ય દેશમાં મોતને ભેટે છે ત્યારે ત્યાંની કોન્સ્યુલેટ કચેરી ઘટનાની તપાસ કરે છે અને પોલીસ તંત્રને પણ તપાસની વિગતો મોકલવા કહે છે. અમેરિકામાં રહેતા ગુજરાતી સંગઠનો અવાજ ઉઠાવે છે પરંતુ અમેેરિકાની સરકાર શાંત્વના આપીને છટકી જાય છે. હુમલાખોરો રખડતા બેકાર યુવાનો નશાના રવાડે ચઢેલા હોય છે. તેમને સ્ટોર ક્યારે બંધ થાય છે અને ક્યારે રોજીંદી કેશની ગણત્રી થાય છે તેની ખબર હોય છે.
બે દિવસ અગાઉ બનેલી ન્યુયોર્ક સિટીની એક ઘટના એવી છે કે મૂળ પંજાબના કપુરથાલાના ૨૮ વર્ષના ગુરૂદીપ સિંહ પિઝા ડિલીવરી માટે જતા હતા ત્યારે અજાણ્યા લોકોએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી. તે ૧૩ વર્ષથી તે અમેેરિકામાં રહેતા હતા અને ગુજરાન ચલાવતા હતા. મહેસાણાના ૬૨ વર્ષના પટેલની હત્યા કરવાથી ગુનેગારોને રોકડ રકમ પણ મળી હતી જ્યારે ગુરૂદીપ સિંહને ગોળી મારનારાના હાથમાં કશું નહોતું આવ્યું છતાં ગોળીઓ છોડાઇ તેની પાછળનો મુખ્ય આશય ભારતીયોમાં ભય ફેલાવવાનો હતો. જેકસન સિટી ખાતે ૧૯ વર્ષની પુત્રીની નજર સામેજ ૬૨ વર્ષના પિતા સુરેશ પુરષોત્તમદાસની ગોળીઓ મારીને હત્યા કરતાં ચકચાર ઉભી થઇ છે. બુકાનીધારી લૂંટારાને રોક્ડ લઇ જવા દીધી હોવા છતાં તેણે લૂંટ કરીને આડેધડ ગોળીબાર કર્યા હતા. સુરેશ પટેલ મૂળ મહેસાણા જીલ્લાના આખજ ગામના હતા.
ગયા વર્ષે મે-૨૦૨૫માં પ્રિન્સ પટેલ તરીકે ઓળખાતા આણંદના ૩૦ વર્ષના પરેશ પટેલ પણ ગોળીબારનો ભોગ બન્યા હતા. વર્જીનીયામાં બે મહિના પહેલાં ૪૫ વર્ષના મેઘના પટેલની હત્યા કરનારા બુકાનીધારીઓ હજુ પકડાયા નથી. સપ્ટેમ્બર ૨૦૨૫માં મૂળ ચરોતરના કિરણ પટેલ એક લૂંટારાનો સામનો કરવામાં મોતને ભેટયા હતા. અમેરિકામાં બંદૂકધારી લૂંટારૂઓનો ભોગ બનનારાની યાદી લાંબી છે પરંતુ હુમલાખોરો ભાગ્યેજ પકડાય છે. આ લોકો ક્યાંતો બેકાર હોય છેકે ડ્રગના બંધાણી હોય છે.
સવા વર્ષમાં પાંચ ગુજરાતીઓની હત્યાથી અમેરીકામાં વસતા ગુજરાતી કુટુંબોમાં ચિંતાનું મોજું પ્રસરેલું છે. કરિયાણાની દુકાન ચલાવતા, પેટ્રોલ પંપ પર નોકરી કરતા ગુજરાતી, લીકર સ્ટોર તેમજ મોટેલમાં કામ કરતા ગુજરાતીઓ હુમલાખારોનો ભોગ બનતા હોય છે. અનેક ગુજરાતીઓ કરિયાણા સ્ટોર્સ ચલાવે છે. અમેરિકાના મોટેલ ઉદ્યોગ ભારતીયોના હાથમાં આવી ગયો છે. તેમાં પચાસ ટકા જેટલા ગુજરાતી માલિકો છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ વગદાર છે અને રાજકારણમાં પણ તેમનું પ્રતિનિધિત્વ છે. ગુજરાતીઓના સ્થાનિક કાર્યક્રમોમાં પણ અમેરિકાના રાજકારણીઓ પણ હાજર રહેતા હોય છે.
અમેરિકાના કનેક્ટિકટ, પેન્સિલવેનિયા અને કેલિફોર્નિયામાં દિવાળીની જાહેર રજા રાખવાની જાહેરાત કરાઇ છે જ્યારે ન્યૂયોર્કમાં દિવાળી-ડે બનાવાશે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ સમૃધ્ધ છે તેથી હુમલાખોરોની નજરમાં તે આવી ગયા છે. એક તરફ અમેરિકામાં ભારતીયો માટેના વિઝાના નિયમો કડક બનાવાઇ રહ્યા છે ને બીજી તરફ ભારતીયોની સલામતી માટે કડક પગલાં લેવાતા નથી તેવી ફરિયાદો જોવા મળે છે.