Get The App

દેશના સર્વપ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન સ્કાયરૂટના વિક્રમ-વન પર સૌની નજર

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
દેશના સર્વપ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન સ્કાયરૂટના વિક્રમ-વન પર સૌની નજર 1 - image

- ભારતમાં આજની તારીખે 400 સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સ

- પ્રસંગપટ

- વિશ્વની સૌથી મોટી  સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં  ભારતે ત્રીજો ક્રમ જાળવી રાખ્યો છે

- સ્કાયરૂટના ફાઉન્ડર પવન કુમાર ચંદાના અને નાગા ભરત ડાકા

પાંચ વિધાનસભાના જંગની રાજકીય ઉથલપાથલના અહેવાલો વચ્ચે સ્પેસ ટેકનોલોજી સાથે સંકળાયેલા મહત્વના અહેવાલ તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. સ્પેસ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ મહત્વનાં બની રહ્યાં છે. સ્કાયરૂટ એરોસ્પેસ ભારતનું પ્રથમ સ્પેસ-ટેક યુનિકોર્ન બન્યું છે. સ્પેસ ક્ષેત્ર સરકારી એજન્સીઓ સાથે સંકળાયેલું હોવાથી કેટલાક સંશોધનો માત્ર સરકારી રાહે જ થતાં હોવાનું મનાતું હતું. જોકે ભારત સ્પેસ સંશોધન ક્ષેત્રે હરણફાળ ભરી ચૂક્યું છે અને જ્યારથી સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ આવ્યાં છે ત્યારથી નવાં સંશોધનો જોવા મળી રહ્યાં છે, જેની વિશ્વએ પણ નોંધ લીધી છે.

૭ મેના રોજ દેશના પ્રથમ સ્પેસ-ટેક યુનિકોર્ન સ્ટાર્ટઅપની જાહેરાત કરવામાં આવી હતી. સ્ટાર્ટઅપ સ્કાયરૂટ ૧.૧ અબજ ડોલરના વેલ્યૂએશન સાથે ભારતનું પહેલું યુનિકોર્ન સ્પેસ સ્ટાર્ટઅપ બન્યું છે. હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસે યુનિકોર્નનું લેબલ મેળવીને અન્ય નવોદિતોને પ્રોત્સાહિત કર્યા છે.

રામ શ્રીરામની કંપની શેરપાલો, સિંગાપુરના વેલ્થ ફંડ જીઆઈસી, બ્લેકરોક, રિન્યુએબલ એનર્જી કંપની ગ્રીનકો ગુ્રપના ફાઉન્ડર્સ, પ્લેબુકના ફાઉન્ડર્સ સહિતના રોકાણકારો મેદાનમાં ઉતરવાને કારણે સ્કાયરૂટને ૬૦ મિલિયન ડોલર (અંદાજે ૫૭૦ કરોડ રૂપિયા)નું રોકાણ મળ્યું છે. સ્ટાર્ટઅપમાં કોણ રોકાણ કરે છે તે મહત્ત્વનું હોય છે. નામાંકિત કંપનીઓ રોકાણ કરે ત્યારે તેમનાં નામ જાહેર થતાં હોય છે, જેના કારણે અન્ય કંપનીઓ પણ રોકાણ માટે પ્રોફાઇલ ચેક કરતી થાય છે.

પ્લેબુક પાર્ટનર્સ અને સંઘવી ફેમિલી ઓફિસ નવા રોકાણકારો છે. ૨૦૨૩માં સ્કાયરૂટની વેલ્યુએશન ૫૧૯ મિલિયન ડોલર આંકવામાં આવી હતી. જોકે હવે તેની પાસે તગડું ભંડોળ આવી ગયું છે અને તે પ્રથમ સ્પેસ ટેકનોલોજી યુનિકોર્ન બનતાં  સ્પેસ ટેકનોલોજી સંબંધિત સંશોધનો પર વધુ ધ્યાન અપાશે તેમજ તેને નવા ઓર્ડર પણ મળતા થશે.

વિક્રમ-વન ભારતનું પ્રાઇવેટ સેક્ટર દ્વારા તૈયાર થયેલું પહેલું ઓર્બિટલ લોન્ચ વેહિકલ છે. તેથી વિશ્વભરના સ્પેસ સેક્ટરના લોકોની નજર આ પ્રોજેક્ટ પર છે. 

સ્કાયરૂટના સહ-સ્થાપક અને સીઈઓ પવન કુમાર ચંદાનાએ કહ્યું હતું કે વિશ્વની નામાંકિત કંપનીઓએ અમારા સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે, તે દર્શાવે છે કે અમારા સાહસમાં રોકાણકારોને ભરોસો છે.

સ્કાયરૂટના સ્થાપકો પર નજર કરીએ તો ૨૦૧૮માં ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો પવન કુમાર ચંદાના અને નાગા ભરત ડાકાએ આ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. ત્યારે તે સ્પેસ ક્ષેત્રે ભારતની પહેલી પ્રાઇવેટ કંપની બની હતી. ૨૦૨૨માં જ્યારે આ સ્કાયરૂટે સબ-ઓબટલ વિક્રમ-એસ વ્હીકલ તરતું મૂક્યું ત્યારે એક પ્રાઇવેટ કંપની પણ સ્પેસ ક્ષેત્રે સફળતા મેળવી શકે છે તે વાતે તેની ખૂબ પ્રશંસા થઈ હતી. સ્કાયરૂટને મળેલી સફળતા બાદ અન્ય પ્રાઇવેટ કંપનીઓ પણ સ્પેસ ક્ષેત્રે આવવા લાગી હતી.

સ્પેસ ક્ષેત્રે આવી રહેલાં નવાં સ્ટાર્ટઅપ્સમાં ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકો સીધા કે આડકતરી રીતે જોડાયેલા જોવા મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતમાં ૧૨૮ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ છે, એટલે કે પ્રત્યેકની વેલ્યુ એક અબજ અમેરિકી ડોલર કરતાં વધુ છે. છેલ્લે, ૨૦૨૬ની શરૂઆતમાં, ક્રેડિટબી અને જસપે યુનિકોર્ન ક્લબમાં જોડાયા હતા. સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારતે વિશ્વમાં ત્રીજો ક્રમ જાળવી રાખ્યો છે.

એરોસ્પેસ ટેકનોલોજીમાં ભારતના સ્ટાર્ટઅપ્સે કરેલી પ્રગતિ પ્રશંસનીય છે, પરંતુ વિશ્વમાં સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે અંદાજે ૨૫ જેટલાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ સક્રિય છે. વિશ્વનાં ટોપ-ફાઇવ સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સમાં ચાર અમેરિકાનાં છે અને એક ચીનનું છે. આ ટોપ-ફાઇવ સ્ટાર્ટઅપ્સમાં એક ઈલોન મસ્કનું સ્પેસએક્સ છે, જેનું વેલ્યુએશન ૪૦૦ અબજ ડોલરનું છે. ઉપરાંત એન્ડયુરિલ એરોસ્પેસ, ડીજેઆઈ એરોસ્પેસ, સીએરા એરોસ્પેસ અને રિલેટિવિટી સ્પેસનો સમાવેશ થાય છે.

હવે સ્પેસ ક્ષેત્રે સૌની નજર વિક્રમ-વનના લોન્ચિંગ પર રહેલી છે, જે ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓબટલ લોન્ચ વેહિકલ બનશે.