યુદ્ધવિરામના લીરેલીરા ઊડ્યા! અમેરિકાએ ઈરાન પર કરી એરસ્ટ્રાઈક, ટ્રમ્પે કહ્યું - અસ્તિત્વ મટી જશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran and USA War Updates : પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 17 જૂનના રોજ થયેલા અંતિમ અને વચગાળાના યુદ્ધવિરામ કરારના ગણતરીના દિવસોમાં જ સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, અમેરિકન સેનાએ ઈરાનના અનેક મહત્ત્વના સૈન્ય ઠેકાણાઓ અને ડ્રોન લોન્ચિંગ સાઇટ્સને નિશાન બનાવીને શક્તિશાળી હવાઈ હુમલા કર્યા છે.
હોર્મુઝની ખાડીમાં 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલથી ભરેલા જહાજ પર હુમલો
તપાસ એજન્સીઓ અને સૈન્ય સૂત્રોના જણાવ્યા મુજબ, શનિવારે સવારે ઈરાનની સેનાએ હોર્મુઝ (Streat of Hormuz) પાસે પસાર થઈ રહેલા પનામાના ધ્વજવાળા ‘કીકુ’ નામના ઓઈલ ટેન્કર પર એકતરફી ડ્રોન હુમલો કર્યો હતો. આ ટેન્કરમાં 20 લાખ બેરલ કરતા વધુ કાચું તેલ (ક્રૂડ ઓઈલ) ભરેલું હતું.
આ પહેલાં પણ શનિવારે જ ઈરાન દ્વારા ‘એવી એવર લવલી’ નામના અન્ય એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં અમેરિકાએ પ્રથમ જવાબી કાર્યવાહી કરી હતી. અમેરિકાએ ઈરાનને યુદ્ધવિરામના નિયમોનું પાલન કરવાની છેલ્લી તક આપી હતી, પરંતુ ઈરાને તે ફગાવીને ફરી ‘કીકુ’ ટેન્કર પર હુમલો કરતા અમેરિકાએ 24 કલાકમાં બીજી વાર મોટું આક્રમણ કર્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પની આખરી ચેતવણી
આ હુમલાની પુષ્ટિ કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, જો ઈરાન આ જ રીતે સતત યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કરતું રહેશે, તો અમેરિકન સેના આનાથી પણ વધુ ઘાતક સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે. તેમણે વધુમાં ઈશારો કર્યો હતો કે જો તણાવ આ હદે વધતો રહેશે તો કદાચ આ ઇસ્લામિક દેશનું અસ્તિત્વ જ જોખમમાં મૂકાઈ શકે છે.
લેબેનોન અને ગાઝામાં પણ હિંસા યથાવત
બીજી તરફ, લેબેનોનમાં પણ સ્થિતિ વણસી રહી છે. અહેવાલ મુજબ, ઇઝરાયલે શનિવારે દક્ષિણ લેબેનોનના નબાતીયેહ વિસ્તારમાં ડ્રોન હુમલા ચાલુ રાખ્યા છે. હિઝબુલ્લાહના વડા નઈમ કાસિમે અમેરિકાની મધ્યસ્થતાવાળા યુદ્ધવિરામના પ્રસ્તાવને લેબેનોનનું આત્મસમર્પણ ગણાવીને ફગાવી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઇઝરાયલી સેના દક્ષિણ લેબેનોનમાંથી સંપૂર્ણપણે પાછી નહીં હટે ત્યાં સુધી તેઓ કોઈ સહયોગ નહીં આપે.
જો કે, આ કરાર હેઠળ ઇઝરાયલે દક્ષિણ લેબેનોનના બે વિસ્તારોને 'પાયલોટ ઝોન' બનાવીને ત્યાંનો કંટ્રોલ લેબેનોનની સેનાને સોંપવાની યોજના બનાવી હતી. આ દરમિયાન ગાઝાના મુવાસી વિસ્તારમાં ઇઝરાયલી ડ્રોન હુમલામાં શરણાર્થીઓની છાવણીઓને નિશાન બનાવવામાં આવતા બે સગા ભાઈ-બહેનના મોત થયા છે અને અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.









