Prasangpat

જંગી દેવું કરનારાઓને પ્રોત્સાહિત કરતો NCLTનો વિવાદી ચુકાદો

By GS Team
29 Aug 20264 mins read
TukuTouch Logo
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ઝી ટીવીના સ્થાપક સુભાષ ચંદ્રાને નાદારી કેસમાં મોટી રાહત આપી છે. એસેલ ગ્રુપ કંપનીઓની બેન્ક લોન પેટે ₹22,000 કરોડના દાવા સામે તેમને માત્ર ₹6.5 કરોડ ચૂકવવાની મંજૂરી મળી છે. આ 99.97% જેટલી જંગી માફીથી દેશના ફાયનાન્સ ક્ષેત્રે આંચકો લાગ્યો છે અને વિવાદ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જંગી દેવું કરનારાઓને પ્રોત્સાહિત કરતો NCLTનો વિવાદી ચુકાદો
  • ફાયનાન્સ ક્ષેત્રે મોટો આંચકો અનુભવ્યો છે
  • પ્રસંગપટ
  • સુભાષ ચંદ્રાએ વ્યક્તિગત રીતે લોન લીધી નહોતી, તેમણે તો વ્યક્તિગત ગેરંટી આપી હતી

માત્ર કોર્પોરેટ જગતમાં જ નહીં, પણ સામાન્ય નાગરિકોમાં પણ ચકચાર જગાવતો નાદાર સુભાષ ચંદ્રાનો કિસ્સો જોઈને દેશમાં દેવું કરનારાઓનો ઉત્સાહ વધી જશે એમ લાગે છે. ૯૯.૯૭ ટકા જેટલી જંગી માફી જોઈને સુભાષ ચંદ્રાનું નસીબ કેટલું બળવાન છે તેની લોકો ચર્ચા કરી રહ્યા છે. સુભાષ ચંદ્રાની એસેલ ગુ્રપ કંપનીઓએ બેન્કમાંથી લીધેલી લોન વત્તા તેના વ્યાજ, પેનલ્ટી પેઠે ૨૨,૦૦૦ કરોડ રૂપિયા લેણા નીકળતા હતા. સુભાષ ચંદ્રાએ પર્સનલ ગેરંટી આપી હતી. આ તોતિંગ રકમના દાવાની સામે માત્ર ૬.૫ કરોડની ચૂકવણીને મળેલી લીલીઝંડીથી દેશના ફાયનાન્સ ક્ષેત્રે આંચકો અનુભવ્યો છે. આ ચુકાદાથી એવો સંદેશ ગયો છે કે ગેરંટી આપનારાઓને કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
આખા કેસનું ટૂંકમાં મૂલ્યાંકન કરીએ તો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ એક રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે, જે ઝી ટીવીના સ્થાપક સુભાષ ચંદ્રાને ઇન્સોલ્વન્સી (નાદારી) કેસમાં રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડના મંજૂર થયેલા દાવાઓ સામે માત્ર રૂ. ૬.૫ કરોડ ચૂકવવાની પરવાનગી આપે છે. આ ૯૯.૯૭% જેટલા જંગી હેરકટે મોટો વિવાદ ઊભો કર્યો છે. આ દાવાઓ તેમની પર્સનલ ગેરંટર (અંગત જામીનદાર) તરીકેની ભૂમિકા સંબંધિત છે, વ્યક્તિગત લોન અંગેના નહીં. લેણદારો મૂળ ઉધાર લેનાર કંપનીઓ પાસેથી બાકી રકમ વસૂલવાનો અધિકાર ચાલુ રાખી શકે છે. આમ છતાં, સામાન્ય લોકો સુભાષ ચંદ્રાને નસીબના બળિયા ગણાવી રહ્યા છે.
આ પ્રક્રિયા હેઠળ લેણદારોએ દાવા રજૂ કર્યા હતા, જેની ચકાસણી કરીને તેને સ્વીકારવામાં આવ્યા હતા. કુલ મંજૂર થયેલા દાવાઓ આશરે રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડના હતા. ત્યારબાદ લેણદારો સમક્ષ રિઝોલ્યુશન પ્લાન મૂકવામાં આવ્યો હતો. આ યોજનામાં સુભાષ ચંદ્રાની પર્સનલ ઇન્સોલ્વન્સી એસ્ટેટમાંથી આશરે રૂપિયા ૬.૨૫ કરોડથી રૂ. ૬.૫ કરોડની ચૂકવણીની દરખાસ્ત કરવામાં આવી હતી.
જ્યારે આ બાબતે વોટિંગ થયું, ત્યારે એચડીએફસી અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ સહિતના અમુક લેણદારોએ સમર્થન આપ્યું ન હતું. પરંતુ 'ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ' મુજબ જરૂરી સુપરમેજોરિટી મંજૂરીની મર્યાદા આ યોજનાએ પાર કરી લીધી, અને ત્યારબાદ તેને અંતિમ મંજૂરી માટે એનસીએલટી સમક્ષ રજૂ કરવામાં આવી.
એનસીએલટીએ આખરે રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી, જેના પરિણામે રૂ. ૨૨,૦૦૦ કરોડથી વધુના સ્વીકૃત દાવાઓ સામે માત્ર આશરે ૬.૫ કરોડ રૂપિયાની વસૂલાત થઈ.
આ મુખ્ય હેરકટની ગણતરી રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડના મંજૂર થયેલા દાવાઓની સરખામણી પ્લાન હેઠળ મળવાપાત્ર રૂ. ૬.૫ કરોડ સાથે કરીને કરવામાં આવી છે. ગણિતની દ્રષ્ટિએ આ વસૂલાત મંજૂર થયેલા દાવાના માત્ર ૦.૦૩% જેટલી થાય છે, જે લેણદારો માટે આશરે ૯૯.૯૭% નું હેરકટ દર્શાવે છે. પહેલી નજરે એવું લાગે કે લગભગ તમામ દેવું ગાયબ થઈ ગયું છે. આ જ અર્થઘટનને કારણે જાહેર વિવાદ અને રાજકીય ટીકાઓ શરૂ થઈ છે.
અહીં મહત્ત્વની વાત એ છે કે મૂળ ઉધાર લેનાર વ્યક્તિગત રીતે સુભાષ ચંદ્રા ન હતા, પરંતુ વિવિધ કોર્પોરેટ કંપનીઓ હતી. ચંદ્રાની જવાબદારી એટલા માટે ઊભી થઈ, કારણ કે તેમણે તે કંપનીઓ દ્વારા લેવાયેલા દેવા માટે પર્સનલ ગેરંટી આપી હતી.
ભારતીય ઇન્સોલ્વન્સી કાયદા હેઠળ લેણદાર મૂળ બોરોઅર (કંપની) અને પર્સનલ ગેરંટર બંને સામે કાર્યવાહી કરી શકે છે. કરાર દ્વારા મર્યાદિત ન હોય ત્યાં સુધી ગેરંટરની જવાબદારી બોરોઅર જેટલી જ હોય છે. પરિણામે, લેણદારોએ ગેરંટીના આધારે ચંદ્રાની પર્સનલ ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાં દાવા નોંધાવ્યા હતા.
અહીંથી વિવાદ શરૂ થાય છે. ટીકાકારો ગેરંટર ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાં રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડના મંજૂર થયેલા દાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ બચાવપક્ષ એવી દલીલ કરે છે કે આ દાવાઓને ચંદ્રા દ્વારા વ્યક્તિગત રીતે લીધેલી લોન તરીકે ન ગણવા જોઈએ. આ તફાવત કાનૂની રીતે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે પર્સનલ ગેરંટરની ઇન્સોલ્વન્સી એસ્ટેટ એ મૂળ લોન લેનાર કંપનીઓની મિલકતોથી સાવ અલગ હોય છે.ટ્રિબ્યુનલની દલીલ પર્સનલ ઇન્સોલ્વન્સી કાયદાના માળખામાં રહેલી છે. પર્સનલ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્લાન વ્યક્તિગત દેવાદારની મિલકતો અને તેની પુન:ચુકવણીની ક્ષમતા સાથે જોડાયેલો હોય છે. ટ્રિબ્યુનલ સમક્ષ પ્રશ્ન એ નથી હોતો કે લેણદારો આદર્શ રીતે વધુ પૈસા ઇચ્છે છે કે નહીં. મૂળ પ્રશ્ન એ છે કે શું આ પ્લાન દેવાદારની વર્તમાન નાણાકીય પરિસ્થિતિમાં શ્રે ઉપલબ્ધ વિકલ્પ રજૂ કરે છે અને લેણદારોએ નિયત કાનૂની પ્રક્રિયા દ્વારા તેને મંજૂરી આપી છે કે નહીં.
એનસીએલટીએ નોંધ્યું કે પ્લાન માટે જરૂરી લેણદારોની મંજૂરી મળી ગઈ હતી. તેણે એ દલીલને પણ ફગાવી દીધી હતી કે મંજૂરી માટે ફોરેન્સિક ઓડિટ ફરજિયાત પૂર્વશરત છે. ટ્રિબ્યુનલે એ વાત સ્વીકારી કે લેણદારોએ પોતે વ્યાપારી વાસ્તવિકતાઓનું મૂલ્યાંકન કર્યું છે અને પ્લાનને ટેકો આપવાનો નિર્ણય લીધો છે.