Prasangpat

ભરાયેલા વરસાદી પાણીનો રોજીંદા જીવન સાથે ખેલઃ વહીવટી નિષ્ફળતા

By GS Team
10 Jul 20263 mins read
TukuTouch Logo
સુરત સહિત અનેક શહેરોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા વિકટ બની છે. અધિકારીઓ અને નેતાઓ દાયકાઓથી પાણી ભરાતા વિસ્તારોનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. નવા રોડ અને વિકાસ કાર્યોમાં પાણીના વહેણની અવગણના થતી હોવાથી પ્રજા પરેશાન થાય છે. કોમનમેન પાસેની સૂઝ ઉચ્ચ અધિકારીઓ પાસે નથી, જે આશ્ચર્યજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભરાયેલા વરસાદી પાણીનો રોજીંદા જીવન સાથે ખેલઃ વહીવટી નિષ્ફળતા

નાનાં ગામડાં અને ટાઉન લેવલની દશા વધારે દયનીય
પ્રસંગપટ
સુરતની વર્તમાન દશા પાણીના નિકાલ વિશે આગોતરું નહીં વિચારનારા સાહેબોનું પાપ છે

કુદરતી પ્રકોપ સામે માનવજીવન લાચાર બની જાય છે. માનવજીવનનો વહીવટ કરતું સરકારી તંત્ર વારંવાર ભૂલો કરે છે અને પ્રજા પરેશાન થાય છે. ગરમી કે વરસાદ સહિતના કુદરતી કહેરને અટકાવી શકાતો નથી, પરંતુ તેનાથી રાહત મળે તેવાં પગલાં એડવાન્સમાં લઈ શકાય છે. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓ કમિશનર પદે છે, તેમની સાથે પ્રજાના પ્રતિનિધિ સમાન ચૂંટાયેલા રાજકીય નેતાઓ છે, પણ પોતાના વિસ્તારમાં વરસાદમાં પાણી ક્યાં ભરાય છે અને તેનો નિકાલ કેવી રીતે કરવો, તેની સૂઝ કોઈ પાસે નથી.
કેટલાક વિસ્તારોમાં દાયકાઓથી પાણી ભરાય છે, તેનો કોઈ નિકાલ થતો નથી. પાણી ભરાયેલાં સ્થળો પર ગ્રાઉન્ડ રિપોટગ કરવા જતા પત્રકારોને સ્થાનિક લોકો પાણી ભરાવવાનાં કારણો અને તેનો નિકાલ પણ બતાવતા હોય છે. કોમનમેન પાસે પાણીના નિકાલની જે સૂઝ હોય છે, તે ઉચ્ચ અધિકારીઓ પાસે નથી હોતી તેનું આશ્ચર્ય થાય છે. વિકાસ માટેના નવા રોડ બને છે, ત્યારે વરસાદી પાણીના વહેણની દિશા અને નિકાલનું ભાગ્યે જ ધ્યાન રખાય છે.
વર્ષો જૂનાં નાળાં અને તળાવો પૂરીને વિકાસનાં કામો કરાય તે પ્રથમ નજરે આવકાર્ય, પરંતુ લાંબા ગાળે તે પરેશાન કરે છે. જ્યાં પાણીનું વહેણ રોકાય ત્યાં શરૂઆતથી જ મોટા પાઇપ નાખીને પાણીના નિકાલનું વિચારવા જેવું હતું. હાલની સુરતની દશા પાણીના નિકાલનું નહીં વિચારનારા લોકોનું પાપ છે. અમદાવાદ શહેરની ખાસિયત એ છે કે ગમે તેટલો વરસાદ પડે પણ જૂના અમદાવાદ, એટલે કે ગાંધી રોડ, રતનપોળ, ખાડિયા વગેરેમાં ભરાયેલાં પાણીએ ક્યારેય આતંક નથી સર્જતા, પરંતુ નવા વિકસિત અમદાવાદમાં પહેલા વરસાદથી જ પાણી ભરાઈ જાય છે.
શહેરમાં નવા વિસ્તારોમાં ઊભા થતા કોમશયલ કોમ્પ્લેક્સ અને ફ્લેટ કે ક્લબ જેવી સ્કીમોને ડેવલપ કરવાની આડેધડ પરમિશનો આપીને પછી વરસાદ આવે ત્યારે પસ્તાવો કરવાનો કોઈ અર્થ નથી. પહેલાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની બેઝિક જરૂરિયાત પ્રત્યે આંખ આડા કાન થાય છે. વરસાદનાં ભરાયેલાં પાણી જોઈને એવી ટીખળ થાય છે કે હવે જે લોકો નવી રહેણાંકની સ્કીમો મૂકશે, તેમાં લખશે કે બેંકો અને મંદિરો ઉપરાંત પાણીના નિકાલની પણ વ્યવસ્થા છે. ફ્લેટો ખરીદનાર પણ પૂછશે કે પાણીના નિકાલની શું વ્યવસ્થા છે? જ્યાં પણ વરસાદી પાણી ભરાય છે, ત્યાં જ દર વર્ષે પાણી ભરાય છે. શા માટે ત્યાં પાણીના નિકાલનું કામ હાથ નથી ધરાતું? પ્રજા પાસે લાંબું વિચારવાનો સમય નથી, તેનો લાભ ચૂંટાયેલા લોકો ઉઠાવે છે.
વહીવટી કમિશનરોએ ખુદ પાણીમાં ઉતરવું પડશે અને લોકોના આઇડિયા જાણવા પડશે. સુરતમાં નિષ્ણાત એન્જિનીયરો નિષ્ફળ ગયા છે. કેટલાક ગામોમાં લોકોએ ભરાયેલાં પાણીના નિકાલ માટે આડે આવતા રસ્તા ખોદીને પાણીને જવાની જગ્યા કરી આપી હતી. ભરાયેલાં પાણીના નિકાલ માટે અનેક ઉત્સાહી લોકો સરકારી મદદની રાહ જોયા વિના જાહેર ગટરો પર ભરાયેલા કચરાને લાકડીથી સાફ કરી નાખે છે. મુંબઈમાં ભરાયેલાં પાણીના વિસ્તારોનો સર્વે કરાયો ત્યારે ખ્યાલ આવ્યો કે છેલ્લા પાંચ વર્ષથી એક જ સ્થળે પાણી ભરાય છે. પાણીના નિકાલ માટેનું કોઈ રોકેટ સાયન્સ નથી. સમયસરની ગટર વ્યવસ્થા અને ૧૦ ઇંચ વરસાદ પડે તો કેવી સવલતો જોઈશે, તે વિચારવાની દૂરંદેશી જ લોકોને વરસાદની મજા લેવા દેશે.

  • ભરાયેલાં પાણીથી દિલ્હી ડૂબાડૂબ
  • સુરતના અનેક વિસ્તારો બેટ બની ગયા
  • ઉત્તરાખંડમાં ભેખડો ધસી પડવાના બનાવો
  • કેરળમાં અનેક મકાનો તૂટી પડયાં
    ઉપરોક્ત અહેવાલો મોટાં શહેરો સાથે સંકળાયેલા છે, જ્યારે નાનાં ગામડા અને ટાઉન લેવલની દશા તો બહુ દયનીય હોય છે. ત્યાંનાં ખેતરોમાં ભરાયેલાં પાણી અઠવાડિયે પણ ઉતરતાં નથી. ખેતરોની માટી ખેંચાઈ જાય છે. ઊભો પાક સતત પાણીના કારણે બગડી જાય છે. શહેરોમાં લોકો ભરાયેલાં પાણીમાં મદદ માટે જોઈને મદદ માટે પોકારે છે, જ્યારે ટાઉન લેવલે અને ગામડાના લોકો 'અપના હાથ જગન્નાથ' સમજીને જાતે જ મદદ ઊભી કરી દે છે.
    વરસાદ નહોતો ત્યારે ઊભી થયેલી સમસ્યાઓ વરસાદ આવ્યા બાદ બીજી રીતે સામે આવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બહુ આવકાર્ય છે, તેનાથી વિકાસ ગતિ પકડે છે. ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશ બનવાનું સપનું જુએ છે. વરસાદી ભરાયેલાં પાણીમાં તે સપનાને ડૂબતું બચાવવું જોઈએ.