Prasangpat

વિદ્યાર્થીએાની મદદ માટે ખુલ્લા પગે ફરનારે અપક્ષ રહી ચૂંટણી જંગ જીત્યો

By GS Team
22 Sep 20263 mins read
TukuTouch Logo
દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU)ની ચૂંટણીમાં દિપાંશુ શોકીને અપક્ષ ઉમેદવાર તરીકે વાઇસ પ્રેસિડેન્ટનો જંગ જીતી ઇતિહાસ રચ્યો છે. સત્યા નિકેતન દુર્ઘટના વખતે પીજી વિદ્યાર્થીઓની વહારે આવીને તેણે લોકપ્રિયતા મેળવી હતી. 30,615 વોટ મેળવી, ભાજપ-કોંગ્રેસ પ્રેરિત સંગઠનોને હરાવી દિપાંશુએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેના પિતા બસ કંડક્ટર અને માતા આંગણવાડી કાર્યકર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાર્થીએાની મદદ માટે ખુલ્લા પગે ફરનારે અપક્ષ રહી ચૂંટણી જંગ જીત્યો
  • એકલો જાને રે..DUSUમાં અપક્ષ દિપાંશુ વાઇસ પ્રેસિડેન્ટ
  • પ્રસંગપટ
  • સત્યા નિકેતન દુર્ઘટના વખતે પીજી વિદ્યાર્થીઓની વહારે પહોંચીને તેમની સવલતોનું ધ્યાન રાખીને દિપાંશુએ લોકપ્રિયતા મેળવી હતી

દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનમાં વાઇસ પ્રસિડેન્ટની ચૂંટણીમાં રાજકીય પીઠબળ વાળા એબીવીપી (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)અને એનએસયુ (નેશનલ સ્ટુડન્ટ યુનિયન)જેવા ઝનૂની વિદ્યાર્થી સંગઠનો ચૂંટણી લડતા હોય ત્યાં એક વિદ્યાર્થીએ કોઇનો પણ ટેકો લીધા વિના અપક્ષ રહીને વાઇસ પ્રસિડેન્ટનો મહત્વનો ચૂંટણી જંગ જીતી બતાવ્યો છે.
દિપાંશુ શોકિનનું નામ આજે દેશભરના વિદ્યાર્થીઓમાં ચર્ચાઇ રહ્યું છે. DUSU ની ચૂંટણીઓ પર રાજકીય સંગઠનોની પણ નજર હોય છે. તેમાં વાઇસ પ્રેસિડન્ટના હોદ્દા પર ચૂંટણી લડવા માટે લોકો પડાપડી કરતા હોય છે. ભાજપ અને કોંગ્રેસ પ્રેરીત વિદ્યાર્થી સંગઠનોના ટેકા વિના દિલ્હી યુનિવર્સિટીની સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી લડવી અશક્ય હોય છે. પરંતુ દિપાંશુ શોકીને ૩૦,૬૧૫ વોટ મેળવ્યા હતા જ્યારે એબીવીપીના ઇશુ મોર્યને ૧૬,૯૧૦ અને એનએસયુઆઇના વીર ચત્રથને ૪૩૧૩ વોટ મળ્યા હતા.
એબીવીપીના મૌર્ય કરતાં દિપાંશુને ૧૩,૭૦૫ વોટ વધુ મળ્યા હતા. વાઇસ પ્રસિડેન્ટના હોદ્દા પર વિજય મળે તો પણ સામાન્ય મત વધુ હોય છે અહીંતો અપક્ષ ૧૩ હજાર વોટ વધુ ખેંચી લાવ્યા છે. દિપાંશુ શોકીન સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા બસ કંડકટર છે અને માતા આંગણવાડી વર્કર તરીકે કામ કરે છે. દિપાંશુએ ગ્રેજ્યુએશન શહીદ ભગતસિંહ કોલેજમાં કર્યું હતું જ્યારે દિલ્હી યુનિવર્સિટીમાં તે બૌધ્ધ અભ્યાસના ડિપાર્ટમેન્ટમાં હતો. કોલેજ કાળમાં તે સ્ટુડન્ટ પોલીટીક્સમાં સક્રીય બન્યો હતો અને આજે તે વાઇસ પ્રેસિડેન્ટ બનીને કેન્દ્ર સ્થાને પહોંચી ગયો છે.
દિલ્હીના પીરાગઢીગામના દિપાંશુનું કુટુંબ તેને યુપીએસસીની પરીક્ષા અપાવવા માંગતું હતું પરંતુ દિપાંશુને વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલું રાજકારણ પસંદ હતું. દિપાંશુ વિદ્યાર્થીઓની સમસ્યાના ઉકેલમાં સક્રીય રસ લેતો હતો માટે તે મતદારોમાં પ્રિય હતો પરંતુ સત્યા નિકેતન દુર્ઘટના વખતે તેણે ખુબ દોડધામ કરીને વિદ્યાર્થીઓની મદદ કરતાં અન્ય વિદ્યાર્થીઓની નજરમાં તે આવ્યો હતો. સત્યા નિકેતનની દુર્ઘટના ૬ સપ્ટેમ્બરે બની હતી . તે પેઇંગ ગેસ્ટ બિલ્ડીંગ હતું. જેમાં સાત લોકોના મોત થયા હતા. વિદ્યાર્થીઓને એકોમોડેશન આપનારે સહી કરાવી હતી કે કોઇ પણ કુદરતી કે માનવ સર્જીત દુર્ધટના થાય તો ભાડે આપનાર જવાબદાર રહેશે નહીં. જેના કરાણે બહુ વિવાદ થયો હતો.
ત્યારે દરેક વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં આવ્યા હતા. દિપાંશુએ એનએસયુઆઇ પાસે ટિકીટ પણ માંગી હતી. તેણે નોમીનેશન પણ ભર્યું હતું પરંતુ છલ્લે તેને ફાર્મ પાછું ખેંચવા જણાવાયું હતું. જોકે દિપાંશુ પીછેહઠ કરવા તૈયાર નહોતો અને તેણે અપક્ષ રહીને લડવાનું નક્કી કર્યું હતું. કોઇ પણ સંગઠનમાં ના હોવા છતાં તેણે સત્યા નિકેતન દર્ઘટનામાં સર્કીય રસ લીધો હોઇ વિદ્યાર્થીઓ તેને માનથી જોવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓમાં તે પ્રિય એટલા માટે પણ બન્યો હતો કે તેણે સત્યા નિકેતન દુર્ઘટનામાં વિદ્યાર્થીઓને ન્યાય ના મળે ત્યાં સુધી ચંપલ કે બુટ નહીં પહેરવાની બાધા રાખી હતી. લોકો તેને ચંપલ વિનાનો જોઇને તેની અસરગ્રસ્તોને મદદ કરવાની ધગશની પ્રશંસા કરતા હતા.
આમ પણ દિલ્હી યુનિવર્સિટીમાં સલામતી, પીજી એકોમોડેશન, કેમ્પસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સમસ્યાઓનો ઉકેલ જરૂરી બન્યો હતો. ચંપલ પહેર્યા વિના તે દરેક ઓફિસો તેમજ પોલીસ સ્ટેશન જેવા સ્થળોએ જઇને અસરગ્રસ્તોને ન્યાય મળે તેવો પ્રયાસો કરતો હતો. વિદ્યાર્થીઓ માટે દિપાંશુ હિરો હતો કેમકે નહોતી તેની પાસે કોઇ કાર કે નહોતી તેની પાસે જીંદાબાદના નારા લગાવતી કોઇ વિદ્યાર્થીઓની ટોળકી. દિપાંશુએ એકલા હાથે કરેલી મહેનત રંગ લાવી હતી. દિલ્હીમાં વિદ્યાર્થી સંગઠનોનું જોર છે પરંતુ દિપાંશુની લોક પ્રિયતા આગળ દરેક લાચાર બની ગયા હતા.
આ લખતાં લખતાં રવિન્દ્રનાથ ટાગોરનું ગુજરાતીમાં ભાષાંતર કરેલું લોકપ્રિય ગીતના કેટલાક અંશો યાદ આવે છે..
તારી જો હાક સૂણી કોઈના આવે, તો એકલો જાને રે..
જ્યારે સૌ બેસે મ્હોં ફેરવી, સૌ ફરી જાય
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મુકી
તારા મનનું ગાણું એકલો ગાને રે..