ડીઝલ પંપ મંજૂર કરાવી આપવાની લાલચે પોરબંદરના યુવાન સાથે 64 લાખની ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોરબંદર : પોરબંદરના એક યુવાનને ડીઝલ પંપ પાસ કરાવવા માટે ગાંધીનગરમાં ઓળખાણ હોવાનું જણાવી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક ઇસમે ૬૪ લાખ રૂપિયા પડાવી લીધા બાદ ડીઝલ પંપની મંજૂરી ન અપાવતા અને રૂપિયા પણ પરત નહીં અપાતા છેતરપિંડી અને વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા જિતેન્દ્ર માધવજીભાઇ બરીદૂન (ઉ.વ.૪૯) સાથે ડીઝલ પંપની મંજૂરી આપવાના નામે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા નિર્મળ જયસુખ પટેલ નામના શખ્સે પોતાની ગાંધીનગર ખાતે ઉચ્ચ ઓળખાણ હોવાનો દાવો કરી લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા.
આરોપી નિર્મળે લીઝવાળી જગ્યા અને મંડળના બેંક સ્ટેટમેન્ટ સહિતના ડોક્યુમેન્ટ્સ મંગાવી પ્રોસેસ શરૂ કરવાના બહાને નાણાં મંગાવાનું શરૂ કર્યું હતું. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન તેણે કટકે-કટકે કુલ ૬૪ લાખ રૂપિયા પડાવી લીધા હતા. સમય વીતવા છતાં ડીઝલ પંપની મંજૂરી ન મળતાં અને રકમ પણ પરત ન અપાતા જિતેન્દ્રભાઇને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થયો હતો. ત્યારબાદ આરોપીએ પોતાનો મોબાઇલ પણ બંધ કરી દીધો હતો.
પોરબંદરના યુવાને ગાંધીનગર પોલીસ ભવન ખાતે ડીઆઇજીને રૂબરૂ લેખિત રજૂઆત કરી હતી અને ઉચ્ચકક્ષાએથી આદેશ મળ્યા બાદ પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથકમાં અમદાવાદના નિર્મળ પટેલ વિરુદ્ધ ૬૪ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.




