Panchmahal

તાપીના ઉકાઈમાં 11.81 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરપાડામાં 8.35 ઈંચ ખાબક્યો, 193 તાલુકામાં મેઘમહેર

By GS Team
12 Sep 20264 mins read
TukuTouch Logo
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તાપીના ઉકાઈમાં સૌથી વધુ 11.81 ઇંચ વરસાદ નોંધાયો. સુરત, ડાંગ, નર્મદા અને ભરૂચ સહિત 193 તાલુકામાં મેઘમહેર થઈ. અમદાવાદ, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ અને અમરેલીમાં પણ વરસાદી માહોલ છવાયો. ખેડૂતોમાં ખુશીની લહેર છે, પાકને જીવતદાન મળવાની આશા બંધાઈ છે. આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાપીના ઉકાઈમાં 11.81 ઈંચ વરસાદથી જળબંબાકાર, ઉમરપાડામાં 8.35 ઈંચ ખાબક્યો, 193 તાલુકામાં મેઘમહેર

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં સૌથી વધુ 11.81 ઇંચ (300 મિમી) વરસાદ નોંધાયો છે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. આ ઉપરાંત સુરતના ઉમરપાડા તાલુકામાં 8.35 ઇંચ (212 મિમી) અને ડાંગના સુબિર તાલુકામાં 5.71 ઇંચ (145 મિમી) તથા વાઘઈમાં 5.67 ઇંચ (144 મિમી) વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કુુલ 193 તાલુકામાં મેઘમહેર નોંધાઈ હતી.

image.png

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની હેલી જોવા મળી છે. તાપીના સોનગઢમાં 5.51 ઇંચ (140 મિમી) અને ઉચ્છલમાં 3.98 ઇંચ (101 મિમી) વરસાદ નોંધાયો છે. સુરતના ચોર્યાસીમાં 4.41 ઇંચ (112 મિમી), ઓલપાડ અને સુરત શહેરમાં આશરે 2.72 થી 2.80 ઇંચ (71-69 મિમી), તેમજ ડાંગ-આહવામાં 4.37 ઇંચ (111 મિમી) પાણી વરસી ગયું છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં 4.25 ઇંચ (108 મિમી) અને ચીકડામાં 3.46 ઇંચ (88 મિમી) વરસાદ નોંધાયો છે.

image.png

ભરૂચ અને ભાવનગર પંથકમાં પણ ભારે વરસાદનું જોર જોવા મળ્યું છે. ભરૂચના અંકલેશ્વરમાં 3.35 ઇંચ (85 મિમી), ભરૂચ શહેરમાં 2.87 ઇંચ (73 મિમી), જ્યારે ભાવનગરના ઘોઘામાં 3.23 ઇંચ (82 મિમી) અને ભાવનગર શહેરમાં 1.77 ઇંચ (45 મિમી) વરસાદ નોંધાયો છે. નર્મદાના તિલકવાડામાં 3.19 ઇંચ (81 મિમી), સાગબારામાં 2.76 ઇંચ (70 મિમી), નંદોડમાં 2.48 ઇંચ (63 મિમી) તથા ભરૂચના હાંસોટમાં 2.76 ઇંચ (70 મિમી) અને વાલિયામાં 2.64 ઇંચ (67 મિમી) વરસાદ વરસ્યો છે. નવસારીના વાંસદામાં 2.80 ઇંચ (71 મિમી) પાણી વરસી ગયું છે.

image.png

ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. ખેડાના નડિયાદમાં 2.48 ઇંચ (63 મિમી) અને આણંદમાં 2.36 ઇંચ (60 મિમી) વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફમાં 2.05 ઇંચ (52 મિમી), છોટાઉદેપુરના નાસવાડીમાં 1.77 ઇંચ (45 મિમી), અને મહેસાણાના સાતરસણ તથા બનાસકાંઠાના હડદ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

image.png

બીજી તરફ, રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત અથવા ખૂબ જ ઓછું રહ્યું છે. પાટણના સિદ્ધપુર, સામી તેમજ અમદાવાદના બાવળા, માંડલ અને મહેસાણાના ખેરાલુ તથા વિસનગર જેવા વિસ્તારોમાં માત્ર 0.04 ઇંચ (1 મિમી) જેટલો જ સૌથી ઓછો છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ખેતીના પાકને જીવતદાન મળ્યું છે પરંતુ ભારે વરસાદવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવું વાતાવરણ સર્જાયું છે.

image.png

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. શહેરના પાલડી, વિશાલા, વાસણા, બલોલ નગર, રાણીપ, નવાવાડજ, અખબાર નગર, મકરબા, સરખેજ, એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ થયો.

છોટા ઉદેપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ

લાંબા વિરામ બાદ છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે શનિવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા છોટા ઉદેપુર, પાનવડ સહિત બોડેલી પંથકમાં ધીમીધારે વરસાદ થયો છે. દોઢ માસના વરસાદી વિરામથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. જેમાં અંતરિયાળ વિસ્તારોના મોટાભાગના ખેડૂતો ચોમાસુ પાક પર નિર્ભર છે, ત્યારે છોટા ઉદેપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં હરખ છવાયો છે. અલ-નીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની ખેડૂતોની ચિંતા વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસતા પાકને જીવનદાન મળવાની આશા બંધાઈ છે.

મહીસાગરના લુણાવાડામાં વરસાદી ઝાપટું

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ છે. તેવામાં મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વરસાદી ઝાપટું પડ્યું છે. મહીસાગરમાં ધીમીધારે વરસાદ થતાં છેલ્લા એક મહિનાથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

પંચમહાલના ગોધરામાં મેઘમહેર

પંચમહાલમાં એક મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાની રી-એન્ટ્રી થઈ છે. જેમાં ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. જો કે, અચાનક વાતાવરણમાં પલટો આવતાં ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મેઘરાજાની રી-એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. વરસાદના આગમનથી પાકને જીવનદાન મળવાની આશા સાથે ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.

અમરેલીમાં સતત વરસાદી ઝાપટાં

કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની મોટી ઘટ વચ્ચે રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. તેવામાં અમરેલી જિલ્લામાં સતત વરસાદી ઝાપટાં છે. જેમાં જાફરાબાદના ટીંબી, છેલાણા સહિતના ગામોમાં હળવો વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી: રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર, જાણો ક્યાં કેવો વરસાદ પડશે

ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી

ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. લો-પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર સહિત 20 જિલ્લામાં મેઘતાંડવની શક્યતા છે.