પંચમહાલ: ગોધરાના ચાંદીપુરા વાઈરસથી બે બાળકોના મોત! તંત્ર ઍલર્ટ મોડ પર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Two Children Die of Chandipura Virus in Godhra: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ચાંદીપુરા વાયરસનો પ્રકોપ શરૂ થયો છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઈરસે દસ્તક આપી છે. ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાઈરસના કારણે બે માસૂમ બાળકોના મોત નિપજ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. બંને બાળકોના સેમ્પલ વડોદરા ખાતે તપાસમાં પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રાથમિક લક્ષણો બાદ સિવિલથી વડોદરા રીફર કરાયા હતા
મળતી માહિતી અનુસાર, ગોધરા તાલુકાના વિંઝોલ ગામ અને જીતપુરાના સરદાર ફળિયામાં રહેતા બે બાળકોને પ્રાથમિક તબક્કે તીવ્ર તાવ અને સાથે આંચકી (ખેંચ) આવવાના લક્ષણો દેખાયા હતા. બાળકોની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેને ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતા ડોક્ટરોએ બંને બાળકોને વધુ હાઈસ્કિલ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા.
વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન શંકાસ્પદ લક્ષણોને આધારે બાળકોના બ્લડ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ તપાસમાં બંને બાળકોના રિપોર્ટ 'ચાંદીપુરા પોઝિટિવ' આવ્યા હતા. તબીબોના પ્રયાસો છતાં બંને સંક્રમિત બાળકોના સારવાર દરમિયાન જ મોત નીપજ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
એક જ તાલુકાના બે અલગ-અલગ ગામોમાં ચાંદીપુરા વાઈરસથી મોતના પગલે પંચમહાલ જિલ્લા આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. વાઈરસ વધુ ન ફેલાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે.
આરોગ્યની ટીમો દ્વારા સ્થાનિક સ્તરે તમામ ઘરોમાં બાળકોનું સઘન સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી અન્ય કોઈ બાળકમાં આવા લક્ષણો હોય તો વહેલા નિદાન કરી શકાય.આ વાઈરસ સેન્ડ ફ્લાય (રેતીની માખી) દ્વારા ફેલાતો હોવાથી, ટીમો દ્વારા ગામના કાચા મકાનો અને ફળિયામાં દવાનો સઘન છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોને પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા રાખવા અને બાળકોને તાવ કે ખેંચ જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વિના નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.









