પંચમહાલ: અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાંથી 5 સગીર બાળકોનું રેસ્ક્યૂ! બાળતસ્કરી રેકેટનો પર્દાફાશ? ગોધરા RPF-GRPનું 'ઓપરેશન મુસ્કાન'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Godhra RPF-GRP 'Operation Muskaan' Minor Children Rescued: પંચમહાલમાં ગોધરા રેલવે પોલીસે(RPF અને GRP) 'ઓપરેશન મુસ્કાન' અંતર્ગત એક મોટી કાર્યવાહી કરી છે. જેમાં દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે બિનવારસી હાલતમાં મળી આવેલા 5 સગીર બાળકોનું રેસ્ક્યૂ કર્યું છે. આ બાળકોને મજૂરીકામ અર્થે બિહારથી અમદાવાદ, ગુજરાત લવાઈ રહ્યા હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
31 બાળકોની બાતમી બાદ સઘન ચેકિંગ
મળતી વિગતો મુજબ, દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાં લગભગ 31 જેટલા સગીર બાળકોને મજૂરીકામ માટે લઈ જવામાં આવી રહ્યા હોવાની ગોધરા રેલવે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ટ્રેન ગોધરા રેલવે સ્ટેશને પહોંચતા જ RPF અને GRPની ટીમોએ તરત જ ટ્રેનના કોચમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
બિનવારસી હાલતમાં મળી આવ્યા 5 બાળકો
રેલવે પોલીસની તપાસ દરમિયાન ટ્રેનના કોચમાંથી શંકાસ્પદ અને બિનવારસી હાલતમાં 5 સગીર બાળકો મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે, રેસ્ક્યૂ કરાયેલા આ તમામ બાળકો બિહારના સીતામઢી, દરભંગા અને મધુબની જિલ્લાના વતની છે. પોલીસે તમામ બાળકોને જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઇલ્ડ વેલફેર કમિટી(CWC)ને સોંપવાની કાયદેસરની કાર્યવાહી કરી છે.
અગાઉ પણ 6 બાળકોનું રેસ્ક્યૂ કરાયેલું
ઉલ્લેખનીય છે કે, આ જ દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાંથી અગાઉ પણ 6 સગીર બાળકોને બાળમજૂરીના ચંગુલમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. ટૂંકા સમયગાળામાં એક જ ટ્રેનમાંથી સતત બાળકો મળી આવતા રેલવે તંત્ર અને પોલીસ ચોંકી ઉઠી છે.
માનવ તસ્કરી કરતી ગેંગ સક્રિય હોવાની આશંકાને પગલે ગોધરા રેલવે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે અને બાળકોને કોણ લઈ આવ્યું હતું, તેમજ અમદાવાદમાં કોને સોંપવાના હતા તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.




