Panchmahal

ઉદ્ઘાટનના 5 વર્ષે પણ ગોધરામાં કરોડોના 'ચેરિટી ભવન'નો રસ્તો ગાયબ, રોડ બનાવવાનું તંત્ર 'ભૂલી' ગયું!

By GS Team
13 Aug 20264 mins read
TukuTouch Logo
ગોધરામાં 2021થી કરોડોના ખર્ચે બનેલા ચેરિટી કમિશનરના ભવનનો રસ્તો 5 વર્ષથી બન્યો નથી. કોમર્સ કોલેજ પાસેના આ ભવન સુધી પહોંચવા ખાનગી પ્લોટનો રસ્તો બંધ થતા હવે કાદવ-કીચડ અને ઝાડી-ઝાંખરાવાળા વૈકલ્પિક રસ્તે જવું પડે છે. અરજદારો અને વકીલોને ભારે હાલાકી ભોગવવી પડે છે, ફોર-વ્હીલર તો દૂર, પગપાળા પણ જવું મુશ્કેલ છે. આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરની રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉદ્ઘાટનના 5 વર્ષે પણ ગોધરામાં કરોડોના 'ચેરિટી ભવન'નો રસ્તો ગાયબ, રોડ બનાવવાનું તંત્ર 'ભૂલી' ગયું!

Godhra Charity Office Road Issue: આપણા દેશમાં 'સરકારી કામ અને આંધળો ગોળ' જેવી કહેવતો અમસ્તા જ નથી પડી! ગોધરામાં કરોડો રૂપિયાના અધધ સરકારી ધુમાડા સાથે તૈયાર કરાયેલું 'નામદાર ચેરિટી કમિશનરનું ભવન' તંત્રના અદભુત મોડેલ અને આંધળા વહીવટની જીવતી-જાગતી મિસાલ બની ગયું છે. વર્ષ 2021માં તંત્રે જે ભવનનું ઉદ્ઘાટન તાસીરા-ઢોલ અને રંગેચંગે કર્યું હતું, તે ભવન સુધી પહોંચવાનો કાયમી રસ્તો બનાવવાનું મહાન કામ તંત્ર 5-5 વર્ષથી 'ભૂલી' ગયું છે!

તાળાઓ તો ખૂલે છે, પણ રસ્તો બંધ!

શરૂઆતમાં જેમ-તેમ કરીને એક ખાનગી પ્લોટમાંથી 'ચોરી-છૂપીથી' રસ્તો કાઢવામાં આવ્યો હતો. પરંતુ હવે એ પ્લોટના માલિકે પોતાની જમીન પર ફેન્સિંગ (તારની જાળી) મારી દેતાં તંત્રની લાપરવાહીનો દેકારો થયો છે. બીજી તરફ વૈકલ્પિક રસ્તા પર હવે મોટા-મોટા ઝાડી-ઝાંખરા અને કાદવ-કીચડનું 'રાજ' ચાલે છે!

image.png

ચેરિટી કમિશનરની કચેરીએ જવું એટલે સરકસના ખેલ જેવા દ્રશ્યો

અહીં સ્થિતિ એટલી દયાજનક અને હાસ્યાસ્પદ છે કે ફોર-વ્હીલર કે ટુ-વ્હીલર લઈને જવાની વાત તો દૂર રહી, પગપાળા જવામાં પણ સરકસના ખેલ જેવા દ્રશ્યો સર્જાય છે. કચેરીથી અડધો (0.5) KM દૂર વાહનો પાર્ક કરીને, પેન્ટ ઊંચા પકડીને કાદવ ખૂંદતા-ખૂંદતા જવું એ જ હવે ન્યાય મેળવવાની પહેલી શરત બની ગઈ છે. આ 'વિકસિત' કચેરીની હાલત તો કોઈ અંતરિયાળ ગામડાં કરતાં પણ વધુ ભયાનક છે. સ્થિતિ તો ત્યાં સુધી પહોંચી છે કે સરકારી ટપાલ લાવતા પોસ્ટમેન પણ અઠવાડિયામાં માત્ર 1 જ વાર મોઢું બતાવે છે! તાજેતરમાં એક ખાનગી કોલેજના ટ્રસ્ટી રજૂઆત માટે આવ્યા ત્યારે કાદવમાં પગ ખૂંપી જતાં, કચેરીમાં બેઠા-બેઠા નવા કપડાં મંગાવવાની નોબત આવી હતી.

image.png

3 ને બદલે 1 જ દિવસ બોર્ડ!

સામાન્ય રીતે અઠવાડિયામાં 3 દિવસ બોર્ડ ચાલવું જોઈએ, પણ આ કાદવ-કીચડના 'દિવ્ય રસ્તા'ના કારણે તંત્રે દયા ખાધી હોય તેમ બોર્ડ ઘટાડીને સપ્તાહમાં માત્ર 1 દિવસ કરી દીધું છે! એટલે કે અરજદારોના કેસ તો લટક્યા જ રહે, પણ હાલાકી પણ 1 જ દિવસ ભોગવવી પડે! ખુદ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરે વર્ષ 2023થીમાર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને પત્રો લખી-લખીને થાકી ગયા છે, પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગવાનું નામ નથી લેતું.

image.png

આ સમસ્યાને જણાવતા વકીલે કહ્યું કે-

ગોધરામાં નામદાર ચેરિટી કમિશનરનું ભવન આવેલું છે, જે કોમર્સ કોલેજ આગળ આવેલું છે. 2021માં આ ભવનનું ઉદ્ઘાટન રંગેચંગે કરવામાં આવેલું હતું, તે સમયે પણ રોડની તકલીફ હતી અને આજદિન સુધી ત્યાં જવા માટે તંત્ર દ્વારા કોઈ રોડ બનાવવામાં આવેલ નથી. આજે પાંચ-પાંચ વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયો તેમ છતાં ત્યાં રોડ નથી. પક્ષકારોને અને વકીલ મિત્રોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં પણ ચોમાસાની પરિસ્થિતિમાં ત્યાં જવું ખૂબ જ અશક્ય બન્યું છે. ગાડી લઈને ત્યાં જઈ શકાતું નથી, ખૂબ જ પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. તંત્રને એટલું જ કહેવું છે કે જો આવી જગ્યાએ ભવન બન્યું છે ને જો રોડ ના થઈ શકતો હોય, તો કોઈ અલાયદી વ્યવસ્થા વકીલ મિત્રો માટે તથા પક્ષકારો માટે કરવામાં આવે જેથી ત્યાં કોર્ટ એટેન્ડ કરી શકાય. ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે બધા અને તંત્રને એવું મારુ સૂચન છે કે તાત્કાલિક અસરથી ત્યાં રોડ બનાવવામાં આવે, જેથી કરીને પક્ષકારોને અને વકીલ મિત્રો અથવા સ્ટાફના મિત્રો, સાહેબો ત્યાં આરામથી અવરજવર કરી શકે

પંચમહાલ ગોધરાના આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરે આ અંગે કહ્યું કે-

ચેરિટી ભવનની કચેરી ન્યુ કોમર્સ કોલેજની બાજુમાં બામરોલી રોડ ખાતે 2021થી સક્રિય છે. સદર કચેરીના ઉદ્ઘાટન સમયે વૈકલ્પિક રસ્તો ફાળવવામાં આવેલો. ત્યારબાદ ચોમાસાની સીઝનમાં અવારનવાર તકલીફો થાય છે અને અમે 2023થી કાર્યપાલક ઇજનેરને અવારનવાર રજૂઆતો કરેલી છે, રસ્તા બાબતે પત્રો લખેલા છે. પણ હાલની સ્થિતિમાં અત્યારે જે વૈકલ્પિક રસ્તો અમે જે કચેરીમાં અને ટ્રસ્ટીઓ, અરજદારો જે વાપરતા હતા, એ રસ્તો એક કોમન પ્લોટમાં થઈને એક વ્યક્તિગત માલિકીના પ્લોટમાં થઈને હતો. તે વ્યક્તિએ હાલમાં, તે માલિકે હાલમાં એ રસ્તા પર ફેન્સિંગ કરી દીધેલું છે. હાલ અત્રેની કચેરીમાં આવવા માટે જે વૈકલ્પિક કોમર્સ કોલેજનો રસ્તો છે, ત્યાં પણ ઝાડી-ઝાંખરા ઊગી ગયેલ છે અને એ રસ્તેથી આવવું અશક્ય બની ગયેલું છે. આમ, હાલની સ્થિતિમાં કચેરીમાં અરજદારો, ટ્રસ્ટીઓને ઘણી આવવા માટે અહીંયા તકલીફ પડે છે અને પોતાના પ્રશ્નોને રજૂઆત કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે. અને આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલ છે, તેમ છતાં આજદિન સુધી રસ્તાનું કોઈ નિરાકરણ થયેલ નથી.

આ સવાલોનો જવાબ તંત્ર પાસે છે?

  • શું બિલ્ડિંગ બનાવતી વખતે રસ્તાનો પ્લાન પેપર પરથી ગાયબ હતો? કરોડો રૂપિયા ભવન બનાવવામાં વાપરી નાખ્યા, પણ રસ્તો બનાવવાનું મગજમાં ન આવ્યું, આ કેવું 'સુપર સ્માર્ટ' આયોજન?
  • 2021થી લઈને 2026 સુધીનો 5-5 વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયો છતાં એક રોડ બનાવવામાં કયું 'રોકેટ સાયન્સ' નડે છે?
  • ખુદ કચેરીના કમિશનર 2023થી કાગળો લખીને આજીજી કરી રહ્યા છે, છતાં માર્ગ-મકાન વિભાગના અધિકારીઓના પેટનું પાણી કેમ હલતું નથી?
  • સપ્તાહમાં 3 ને બદલે માત્ર 1 જ દિવસ બોર્ડ મૂકીને દૂર-દૂરથી આવતા નિર્દોષ અરજદારોના સમય અને નાણાંનો વ્યય કરવા માટે જવાબદાર કોણ?
  • વકીલો અને અરજદારો કાદવમાં લપસીને પડે કે કોઈ મોટો અકસ્માત થાય, ત્યારે જ સરકારી બાબુઓની આંખ ખૂલશે?