News Focus

ખેડૂતો અને ખેતીના ભોગે આપણે કેવો વિકાસ કરવો છે!

By GS Team
3 Sep 20267 mins read
TukuTouch Logo
ઉત્તર ભારતના મેદાનો અને બિહારમાં ખેતીની જમીન એક્સપ્રેસવે માટે લેવાઈ રહી છે. મધ્ય-પૂર્વ ભારતમાં ખનનથી જંગલો અને સ્થાનિકો પર અસર થઈ. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઓગસ્ટ મહિનો કોરો રહેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વિકાસ ખેતી, પર્યાવરણ અને ખાદ્યાન્ન સુરક્ષાને નુકસાન પહોંચાડી રહ્યો છે. ખેડૂતોને મદદ કરવાને બદલે સરકાર શાહમૃગ વૃત્તિ અપનાવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડૂતો અને ખેતીના ભોગે આપણે કેવો વિકાસ કરવો છે!
  • ક્લાઈમેટ ચેન્જ, મોંઘવારી, બિયારણો અને ખાતરોની અછત જેવા સંઘર્ષો કરતા ખેડૂત કે ખેતીને સાચવવા તરફ કોઈનું ધ્યાન જ નથી
  • ઉત્તર ભારતના મેદાનો અને બિહારમાં કૃષિ જમીન એક્સપ્રેસવે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે લેવામાં આવી રહી છે, જેનાથી નાના ખેડૂતો સામે આજીવિકાનું સંકટ ઊભું થયું છે. મધ્ય અને પૂર્વ ભારતમાં કોલસો તેમજ ખનિજોનું વ્યાપક ખનન થયું છે, જેણે જંગલો અને સ્થાનિક સમુદાયો પર ઊંડી અસર પાડી છે : ખેતીની જમીનોનો ભોગ લઈને આપણે જે વિકાસ કરી રહ્યા છીએ તેના કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું છે, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું અને વિકાસથી દેખિતો લાભ થઈ રહ્યો નથી. ખાદ્યાન્નની તંગી કોઈને કોઈ રીતે વધી રહી છે, ઋતુચક્ર ખોરવાઈ ગયું છે, ગરમીમાં ઘટાડો થતો નથી, પાકમાં વારંવાર રોગચાળો ફેલાય છે : સાચી પ્રગતિ એ છે જે એક્સપ્રેસવેની તેજ ગતિ સાથે કતારમાં ઊભેલા છેવાડાના માનવીનો પણ હાથ પકડીને ચાલે.

ભારતમાં ચોમાસું ખેંચાયું છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને તેની આસપાસના રાજ્યોમાં વરસાદ પડયો નથી. ગુજરાત માટે તો ઓગસ્ટ સાવ કોરો રહ્યો છે. આ સ્થિતિમાં અનેક રાજ્યોમાં ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. આ પહેલાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિએ પાકની હાલત ખરાબ કરી હતી, તેની પહેલા માવઠાનો માર પડયો હતો અને હવે ભરચોમાસે ઓગસ્ટ કોરો રહ્યો અને બીયારણો સુકાવાની એરણે આવી ગયા છે. આવી સ્થિતિમાં ખેડૂતને મદદ કરવાના બદલે સરકાર શાહમૃગ વૃત્તિ દાખવી રહી છે. દેશભરમાં ખેડૂતોમાં રોષ છે, દિલ્હીમાં વારંવાર પ્રદર્શન થઈ રહ્યા છે પણ સરકારના પેટનું પાણી હાલતું નથી. વિકાસની બિનજરૂરી બાંગો પોકારીને અને પોકળ દાવા કરીને લોકોને તંદ્રામાં રાખવા સિવાય સરકાર કશું જ કરતી નથી.
ઉલ્લેખનીય છે કે, સરકારો જ્યારે કથિય વિકાસ યોજનાઓની રૂપરેખા તૈયાર કરે છે, ત્યારે તેની પાછળ દેશને સફળતાના શિખર પર લઈ જવાની તત્પરતા રહેલી હોય છે. આ વિકાસયાત્રા જ્યારે શરૂ થયા છે ત્યારે તેની પાછળ સતત અંધકાર વ્યાપતો જાય છે અને તેને કોઈ જોતું નથી. સરકાર રસ્તા બનાવે કે બંધ બાંધે કે પછી વિશાળ હોસ્પિટલો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરે આ તમામ માળકા આખરે જમીન ઉપર જ ઊભા થાય છે. કૃષિપ્રધાન ભારતમાં ખેડૂતો માટે તેમની જમીન કેટલી મહત્ત્વની છે તે આપણે જાણીએ જ છીએ. તેમાંય કોઈ ખેડૂત કે આદિવાસી માટે જમીન એ માત્ર માટી કે સર્વે નંબર નથી, પરંતુ તેનું અસ્તિત્વ, પૂર્વજોનો વારસો અને પેઢીઓની આજીવિકાનો અતૂટ આધાર છે. રોજીરોટી હોય કે પરંપરા હોય ખેડૂત માટે તેની જમીન જીવ કરતા પણ સવાઈ હોય છે.
આવા સંજોગોમાં લોકશાહી સામે યક્ષ પ્રશ્ન ઊભો થાય છે, વિકાસની ગતિ અને વિસ્થાપનની પીડા વચ્ચે માનવીય સંતુલન કેવી રીતે જાળવવું? શું રાષ્ટ્રનિર્માણના યજ્ઞામાં આહુતિ હંમેશાં સૌથી નબળા વર્ગે જ આપવી પડશે, કે પછી આપણે એવો કોઈ સર્વસમાવેશી રસ્તો શોધી શકીએ જ્યાં પ્રગતિની કિંમત કોઈની મજબૂરી ન હોય? આપણે એક વખત પણ વિચાર નથી કરતા કે ખેડૂત અને ખેતીના ભોગે જે વિકાસ કરવા દોડી રહ્યા છે તેનો ખરેખર લાંબાગાળે ફાયદો થશે કે નહીં. ખેતીની જમીનો રહેશે જ નહીં, ખેડૂતો યોગ્ય રીતે ખેતી કરી શકશે જ નહીં તો પછી દેશની વધતી જતી વસતીને ભોજન મળશે કેવી રીતે અને લાવીશું ક્યાંથી?
ખેડૂતોને ૧૮૯૪ના સંસ્થાનવાદી કાયદામાંથી મુક્તિ અપાવવા માટે ૨૦૧૩માં 'જમીન સંપાદન અધિનિયમ' લાવવામાં આવ્યો, જે ૧ જાન્યુઆરી ૨૦૧૪થી લાગુ થયો. આ કાયદાએ ગ્રામીણ વિસ્તારોમાં બજાર ભાવના આધારે વધુ વળતર, 'સામાજિક પ્રભાવ મૂલ્યાંકન' (SIA) અને પુનર્વસનની સાથે ખાનગી પ્રોજેક્ટ્સમાં ૮૦ ટકા તથા PPP પ્રોજેક્ટ્સમાં ૭૦ ટકા અસરગ્રસ્ત પરિવારોની સંમતિ ફરજિયાત બનાવી. તેણે બંધારણના અનુચ્છેદ ૩૦૦-A હેઠળ મિલકતના અધિકારને પણ મહત્વનું રક્ષણ આપ્યું, પરંતુ જમીની વાસ્તવિકતા ઘણા કિસ્સાઓમાં તેનાથી વિપરીત જોવા મળે છે.
જાણકારોના મતે 'જાહેર હેતુ' અને કાયદામાં અપાયેલી કટોકટીની જોગવાઈઓ હેઠળ કેટલીક યોજનાઓમાં જમીન સંપાદનની પ્રક્રિયા અલગ હોઈ શકે છે. સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવી વિશેષ પરિસ્થિતિઓ તેમજ કાયદામાં નિર્ધારિત અપવાદોને કારણે સંમતિ અને સામાજિક પ્રભાવ મૂલ્યાંકનની સામાન્ય જોગવાઈઓ દરેક કિસ્સામાં સમાન રીતે લાગુ પડતી નથી. જમીન સમવર્તી યાદીમાં હોવાને કારણે કેન્દ્ર અને રાજ્યો, બંને સ્તરે કાયદા અને નિયમોની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. વિકાસની આ તેજ ગતિમાં ૨૦૧૩ના કાયદાની માનવીય ભાવનાનું અસરકારક અમલીકરણ આજે પણ એક મોટો પડકાર છે. તેના કારણે ખેડૂતોને સતત અન્યાય થતો જ રહે છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતના મેદાનો અને બિહાર જેવા પ્રદેશોમાં લહેરાતી કૃષિ જમીન એક્સપ્રેસવે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે લેવામાં આવી રહી છે, જેનાથી નાના ખેડૂતો સામે આજીવિકાનું સંકટ ઊભું થયું છે. ત્યાં જ, રાષ્ટ્રીની વધતી ઊર્જા જરૂરિયાતો સંતોષવા માટે મધ્ય અને પૂર્વ ભારતમાં કોલસો તેમજ ખનિજોનું વ્યાપક ખનન થયું છે, જેણે જંગલો અને સ્થાનિક સમુદાયો પર ઊંડી અસર પાડી છે. તે ઉપરાંત ફોસિલ ફ્યૂઅલ અટકાવવાના નામે મકાઈ અને શેરડીના પાકની ખેતી મબલખ થાય છે પણ ભોજનના બદલે ક્રૂડમાં તેનો ઉપયોગ વધ્યો છે. તેના કારણે ખેડૂતને દેખિતી રીતે પૈસા વધારે મળે છે પણ સતત એક જ પાક લેવાથી જમીન પોષણ ગુમાવી રહી છે અને ખાદ્યન્નની અછત ઊભી થવાથી મોંઘવારી વધી રહી છે જેની અસર તેના ઘર સુધી પણ પહોંચી છે. આ સિવાય પશ્ચિમ ભારતમાં 'સ્વચ્છ ઊર્ર્જા'ના નામે સ્થાપાતા 'મેગા સોલાર પાર્ક'ને કારણે પશુપાલકોના પરંપરાગત ગોચર/ગૌચર જમીનના ઉપયોગ અંગે પણ વિવાદો સામે આવ્યા છે.
દક્ષિણમાં આઈટી કોરિડોર માટે જમીનનો ઉપયોગ બદલવો અને ઉત્તર-પૂર્વમાં જળવિદ્યુત યોજનાઓ તથા સરહદી રસ્તાઓના વિસ્તરણને કારણે સ્થાનિક સમુદાયોના અધિકારો અને પર્યાવરણ અંગે ચર્ચા છેડાઈ છે.
ચિંતાજનક બાબત એવી છે કે, સરકારી આંકડાઓ અનુસાર, ૨૦૨૨-૨૩માં દેશના ૪૫.૮ ટકા શ્રમિકો કૃષિ અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં રોકાયેલા હતા. બીજી તરફ, કૃષિ ગણતરી ૨૦૧૫-૧૬ મુજબ, દેશમાં ખેતીલાયક જમીન ધારકો પૈકી લગભગ ૮૬ ટકા નાના અને સીમાંત ખેડૂતો હતા. આ ખેડૂતોની ફળદ્રુપ જમીનનું સંપાદન માત્ર મિલકતનો સોદો નથી, પરંતુ પેઢીઓની આજીવિકાને અસર કરતો નિર્ણય છે. નાણાકીય સાક્ષરતાના અભાવે રોકડ વળતર 'મુઠ્ઠીની રેતી' સાબિત થઈ શકે છે અને ખેડૂત થોડાં જ વર્ષોમાં ફરી આર્થિક સંકટમાં ફસાઈ શકે છે. વળી, જમીનવિહોણા મજૂરો અને ભાગિયાઓ પુનર્વસનની પ્રક્રિયાથી ઘણીવાર વંચિત રહી જાય છે. આ સંજોગોમાં ખેતમજૂરો અને ભાગીયાઓ બિચારા આખરે અભાગિયા જ સાબિત થાય છે. ખેડૂતો એક સમયે વધુ પૈસાના નામે જમીન વેચી દીધા બાદ રોજગાર અને જમીન વગરના થઈ જાય છે અને સરવાળે બધું જ ગુમાવી દેતા આર્થિક અને સામાજિક ભીંસમાં આવી જાય છે. બીજી તરફ, કૃષિ જમીન પર કોર્પોરેટ નિયંત્રણનું એક નવું અને પરોક્ષ સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. કેટલાક રાજ્યોમાં 'લેન્ડ બેંક' અને લાંબા ગાળાના લીઝ જેવા મોડલ દ્વારા ઔદ્યોગિક અને રોકાણ પ્રોજેક્ટ્સ માટે મોટા જમીનખંડો પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 'કોન્ટ્રાક્ટ ફાર્મિંગ' દ્વારા ઉત્પાદનથી લઈને બજાર સુધી કોર્પોરેટ ભાગીદારી વધી છે. આવા મોડલમાં પારદર્શિતા, સ્થાનિક સમુદાયોની ભાગીદારી અને જમીન વપરાશના સામાજિક પ્રભાવ પર સવાલો ઊઠતા રહ્યા છે. વિકાસના ઓઠા હેઠળ વધતી આ પ્રવૃત્તિ એવા ભવિષ્યની આશંકા પેદા કરે છે, જ્યાં સ્વતંત્ર અન્નદાતા પોતાની જ જમીન પર આર્થિક રીતે નિર્ભર મજૂર બનવા મજબૂર થઈ શકે છે. પોતાની જ જમીન હોવા છતાં તેમાં જ મજૂરી કરવાના દિવસો આવી ગયા છે. કોલસાની ખાણો, મોટા બંધો અને અન્ય યોજનાઓ દરમિયાન વન અધિકારો તેમજ ગ્રામસભાની પ્રક્રિયાઓના પાલન અંગે સતત વિવાદો ઊભા થતા રહ્યા છે. જંગલો, ખેતીલાયક જમીનોનો જે રીતે અવિચારી વિકાસ માટે ઉપયોગ થઈ રહ્યો છે તેની અસર પર્યાવરણ પર પણ પડે છે.

શહેરમાં એક બ્રિજ ઓછો બંધાશે તો ચાલશે પણ ગામડાં જીવતા રહે તે વધુ જરૂરી છે
કોંક્રિટના જંગલોના વિસ્તરણથી કુદરતી જળ નિકાલ અને સ્થાનિક ઇકોલોજી પર દબાણ વધે છે.
આ જ કારણ છે કે આજે મહારાષ્ટ્રના 'થર્ડ મુંબઈ' મેગા-સિટીથી લઈને કર્ણાટકના બિદાદી સુધી ખેડૂતો જમીન સંપાદન અને પ્રસ્તાવિત વિકાસ મોડલ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. બીજી વાત એવી છે કે, ખેતીની જમીનોનો ભોગ લઈને આપણે જે વિકાસ કરી રહ્યા છીએ તેના કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું છે, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું અને વિકાસથી દેખિતો લાભ થઈ રહ્યો નથી. ખાદ્યાન્નની તંગી કોઈને કોઈ રીતે વધી રહી છે, ઋતુચક્ર ખોરવાઈ ગયું છે, ગરમીમાં ઘટાડો થતો નથી, પાકમાં વારંવાર રોગચાળો ફેલાય છે. આ તમામને પગલે ખેડૂતને પહેલાં ભોગ બનવું પડે છે અને ત્યારબાદ આ પીડા અન્ય લોકો સુધી પહોંચે છે. છતાં સરકાર ખેડૂતોને હાંસિયામાં ધકેલીને વેવલા વિકાસની જ વાતો કરે છે. આ દીર્ઘકાલીન સંકટનો ઉકેલ વિકાસના પૈડાંને રોકવાનો નથી, પરંતુ આ સમગ્ર પ્રક્રિયાને ન્યાયસંગત અને માનવીય બનાવવાનો છે.
સૌથી પહેલાં તો બળજબરીપૂર્વકના સંપાદનને બદલે પારદર્શક ભાગીદારી મોડલ અપનાવવું જોઈએ, જ્યાં ખેડૂત માલિકી હક ન ગુમાવે અને તેને નિયમિત આવક મળતી રહે. તે ઉપરાંત જમીન છૂટયા પછી વિસ્થાપિત યુવાનો અકુશળ મજૂર ન બને તે માટે તેમને યુદ્ધના ધોરણે કૌશલ્ય વિકાસની તકનીકી તાલીમ આપવી જોઈએ. ખાદ્ય સુરક્ષાના ભોગે ફળદ્રુપ ખેતરોમાં કોંક્રિટ પાથરવાને બદલે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બંજર કે ઓછી ફળદ્રુપ જમીનને પ્રાથમિકતા આપવી જોઈએ.
વિકાસ અને માનવ અધિકારો એકબીજાના વિરોધી નથી, પરંતુ પૂરક છે.
સાચી પ્રગતિ એ છે જે એક્સપ્રેસવેની તેજ ગતિ સાથે કતારમાં ઊભેલા છેવાડાના માનવીનો પણ હાથ પકડીને ચાલે. દેશને આર્થિક ઉડાન માટે કારખાનાઓની જેટલી જરૂર છે, તેટલી જ જરૂરિયાત અન્નદાતાના ચહેરા પર સંતોષ અને શાંતિની પણ છે. ચમકતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લહેરાતા ખેતરો વચ્ચેનું માનવીય સંતુલન જ એક નવા, ન્યાયપૂર્ણ અને સશક્ત ભારતનો મજબૂત પાયો નાખશે. શહેરમાં એકાદ બ્રિજ ઓછો બનશે તો ચાલશે પણ ગામડા જીવતા રહે તે વધારે જરૂરી છે.