News Focus

વેક્સિન : રોગને મારવા નહીં શરીરને સજ્જ કરવા લેવાય છે

By GS Team
22 Jul 20268 mins read
TukuTouch Logo
ભારતમાં ડેંગ્યુના વધતા કેસો અને મૃત્યુદરને ઘટાડવા માટે, જાપાનની 'ક્યૂડેન્ગા' રસીને મંજૂરી મળી છે. આ રસી ડેંગ્યુના 4 પ્રકારના વાયરસ સામે રક્ષણ આપશે. ક્લિનિકલ ટ્રાયલમાં 84% સુધી હોસ્પિટલાઇઝેશન ઘટાડવામાં અસરકારક જણાઈ છે. ભારતમાં દર વર્ષે 1.5 થી 2.5 લાખ કેસ અને 400થી વધુ મૃત્યુ નોંધાય છે, ત્યારે આ રસી રોગચાળાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેક્સિન : રોગને મારવા નહીં શરીરને સજ્જ કરવા લેવાય છે

ડેંગ્યૂના જીવલેણ હુમલાને સામાન્ય કરવા ભારતમાં જાપાનની ક્યૂડેન્ગા રસીને મંજૂરી અપાઈ
ભારતમાં દર વર્ષે સત્તાવાર રીતે ૧.૫થી ૨.૫ લાખ જેટલા કેસ નોંધાય છે. તે ઉપરાંત સરેરાશ ૪૦૦થી વધુ દર્દીઓનાં મોત થતા હોય છે. ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં સરેરાશ ૨.૧૫ લાખ કેસ ભારતમાં નોંધાયા છે. સૌથી વધારે ૨૦૨૩માં ૩ લાખ કેસ અને ૪૮૫ જેટલા મોત નોંધાયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં ૧૦.૫૦ લાખથી વધારે કેસ નોંધાયા છે અને ૧૬૦૦થી વધુ લોકોનાં મોત થયા છે : અહેવાલ જણાવે છે કે, દર વર્ષે વિશ્વમાં ડેંગ્યૂના જ અંદાજે ૧.૫ કરોડ જેવા કેસ નોંધાય છે. તે ઉપરાંત તેના કારણે અંદાજે ૧૦ હજાર લોકોનાં મોત પણ થાય છે. ડેંગ્યૂના સૌથી વધારે કેસ ધરાવતા દુનિયાના ટોચના ૧૦ દેશોમાં બ્રાઝિલ મોખરે છે કારણ કે ત્યાં વર્ષે ૧ કરોડ કરતા વધારે કેસ નોંધાય છે અને અંદાજે ૬ હજાર જેટલા લોકોનાં મોત થાય છે : જાણકારોના મતે વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલના પરિણામો ઉત્સાહજનક રહ્યા છે. લાંબા સમય સુધી ચાલેલા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ વેક્સિન ડેંગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને આશરે ૮૪ ટકા સુધી ઓછું કરી શકે છે

હાલમાં દેશમાં એકવાર ફરી ડેંગ્યુ તાવનો ડર પાછો ફર્યો છે. ચોમાસું સક્રિય થવાની સાથે જ ડેંગ્યુના વાયરસ પણ ઝડપથી વધવા લાગે છે. કેટલીકવાર દર્દી દમ પણ તોડી દે છે. આમાં તાવની સાથે શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યામાં ભારે ઘટાડો થાય છે. આ બીમારી મચ્છરોના કરડવાથી ફેલાય છે. ૨૦૨૪માં ડેંગ્યુથી દેશમાં ૨૯૭ લોકોના મોત થયા હતા, જ્યારે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આનાથી સંક્રમિત થાય છે. હવે ભારતમાં પહેલીવાર ડેંગ્યુ સામે એક વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જાપાની તાકેદાની ક્યૂડેન્ગા વેક્સિનને આ મંજૂરી મળી છે.
ભારતમાં જ નહીં દુનિયાભરના ઘણા દેશોમાં ચોમાસા દરમિયાન ડેંગ્યુ, મેલેરિયા ને અન્ય મચ્છરજન્ય રોગોને ફેલાવો થતો હોય છે.
ખાસ કરીને આફ્રિકા અને એશિયાના દેશોમાં મચ્છરજન્ય રોગોની સમસ્યા મોટી છે. તેમાંય ડેંગ્યૂ જીવલેણ બિમારી છે. મચ્છરજન્ય બિમારીઓમાં મેલેરિયા બાદ સૌથી વધારે લોકોના ભોગ ડેંગ્યૂના કારણે લેવાતા હોવાના અહેવાલો છે. આ બિમારીને હવે જડમૂળથી જ સાધારણ કરી દેવા અને લોકોને તેના જીવલેણ જોખમથી બચાવવા માટે ક્યૂડેન્ગા વેક્સિનને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે.
જાણકારોના મતે સૌથી રસપ્રદ બાબત એ પણ છે કે જ્યારે વાયરસને એન્ટીબાયોટિકથી ખતમ કરી શકાતો નથી અને તે શરીરની અંદર જીવંત કોષોમાં છુપાઈને વધે છે, તો પછી વેક્સિન તેને કેવી રીતે રોકે છે? હકીકતમાં, વેક્સિન વાયરસને મારતી નથી, શરીરને લડતા શીખવે છે. એટલે કે વેક્સિનનું કામ વાયરસને મારવાનું નથી હોતું. અસલમાં વેક્સિન આપણી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ)ને તાલીમ આપે છે. તે શરીરને અગાઉથી જ જણાવી દે છે કે જો ભવિષ્યમાં કોઈ ખાસ વાયરસ હુમલો કરે તો તેની સામે કેવી રીતે લડવું.
જ્યારે અસલી વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઇમ્યુન સિસ્ટમ તેને ઓળખવામાં સમય લે છે. આ દરમિયાન વાયરસ ઝડપથી વધે છે અને બીમારી ગંભીર બની શકે છે. પરંતુ જો પહેલાથી જ વેક્સિન લીધેલી હોય, તો શરીર પાસે તે વાયરસની ઓળખ અને તેની સામે લડવાની તૈયારી પહેલેથી જ હોય છે. તેથી સંક્રમણ થવા છતાં બીમારી થતી જ નથી અથવા તો ખૂબ જ હળવી રહે છે.
ઉલ્લેખનીય છે કે, ડેંગ્યુને અવારનવાર એક જ બીમારી માનવામાં આવે છે, પરંતુ તેની પાછળ ચાર અલગ-અલગ વાયરસ રહેલા છે. જેને DENV-1, DENV-2, DENV-3 અને DENV-4 કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને એકવાર ડેંગ્યુ થઈ જાય તો જરૂરી નથી કે તે બીજી વાર પણ સુરક્ષિત રહે. બીજી વાર કોઈ અન્ય વાયરસથી સંક્રમણ થવા પર બીમારી ઘણા કિસ્સાઓમાં વધુ ગંભીર બની શકે છે. આ જ કારણ છે કે વૈજ્ઞાાનિકો સામે સૌથી મોટો પડકાર એવી વેક્સિન બનાવવાનો હતો જે માત્ર એક નહીં, પરંતુ ચારેય પ્રકારના વાયરસ સામે પ્રતિકારક શક્તિ તૈયાર કરી શકે. નવી વેક્સિન ક્યૂડેન્ગા આ જ સિદ્ધાંત પર તૈયાર કરવામાં આવી છે. તેને ટેટ્રાવેલેન્ટ વેક્સિન કહેવામાં આવે છે કારણ કે તે ચારેય સીરોટાઇપ (વાયરસના પ્રકારો) સામે ઇમ્યુન રિસ્પોન્સ તૈયાર કરે છે.
દુનિયાભરમાં ડેંગ્યૂની સ્થિતિ અત્યંત કપરી છે અને તેના કારણે લાખો લોકો પરેશાન થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં જ આવેલો અહેવાલ જણાવે છે કે, દર વર્ષે વિશ્વમાં ડેંગ્યૂના જ અંદાજે ૧.૫ કરોડ જેવા કેસ નોંધાય છે. તે ઉપરાંત તેના કારણે અંદાજે ૧૦ હજાર લોકોનાં મોત પણ થાય છે. ડેંગ્યૂના કેસમાં બ્રાઝિલ દુનિયાના ટોચના ક્રમે આવે છે.
ડેંગ્યૂના સૌથી વધારે કેસ ધરાવતા દુનિયાના ટોચના ૧૦ દેશોમાં બ્રાઝિલ મોખરે છે કારણ કે ત્યાં વર્ષે ૧ કરોડ કરતા વધારે કેસ નોંધાય છે અને અંદાજે ૬ હજાર જેટલા લોકોનાં મોત થાય છે. ત્યારબાદ અંદાજે ૬ લાખ કેસ સાથે આર્જેન્ટિના બીજા ક્રમે આવે છે. ત્યાં વર્ષે ૫૦૦થી વધુ લોકો ડેંગ્યૂને પગલે જીવ ગુમાવે છે. વર્ષે પ.૫૦ લાખ કેસ અને ૪૦૦ મોત સાથે મેક્સિકો વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ત્યારબાદ કોલિંબિયાનો ચોથા ક્રમ આવે છે. તેમાં વર્ષે ૩.૨૫ લાખ કેસ આવે છે અને ૩૦૦થી વધુનાં મોત થાય છે.
પ્રાગ પણ વિશ્વમાં પાંચમા ક્રમે આવે છે. અહીંયા વર્ષે ૩ લાખ જેટલા ડેંગ્યૂના કેસ નોંધાય છે તેમાંથી ૨૦૦થી વધુનાં મોત થાય છે. તેવી જ રીતે પેરૂ પણ વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. અહીંયા વર્ષે ૨.૮૦ લાખથી વધુ કેસ આવે છે અને ૨૫૦ લોકોનાં મોત થાય છે. ઈન્ડોનેશિયામાં વર્ષે ૬૦૦થી વધુનાં મોત અને ૨ લાખ લોકો ભોગ બને છે. વિયેતનામમાં પણ ડેંગ્યૂના ૧.૭૦ લાખથી વધારે કેસ આવે છે અને ૧૫૦ લોકોનાં મોત થતા હોય છે. આ સિવાય મલેશિયામાં અંદાજે ૧.૨૫ લાખ કેસ અને ૧૨૦ મોત દર વર્ષે ડેંગ્યૂના કારણે નોંધાય છે. તે સિવાય ફિલિપાઈન્સમાં ૧.૫૦ લાખ કેસ અને ૫૦૦થી વધુ મોત દર વર્ષે આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ સ્થિતિમાં ભારત પણ બાકાત નથી. ભારતમાં દર વર્ષે સત્તાવાર રીતે ૧.૫થી ૨.૫ લાખ જેટલા કેસ નોંધાય છે. તે ઉપરાંત સરેરાશ ૪૦૦થી વધુ દર્દીઓનાં મોત થતા હોય છે. તેના કારણે ભારતમાં ડેંગ્યૂની સ્થિતિ વકરતી જાય છે. ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં સરેરાશ ૨.૧૫ લાખ કેસ ભારતમાં નોંધાયા છે. ૨૦૨૧થી ૨૦૨૫ની વાત કરીએ તો તેમાં સૌથી વધારે ૨૦૨૩માં ૩ લાખ કેસ અને ૪૮૫ જેટલા મોત નોંધાયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં ૧૦.૫૦ લાખથી વધારે કેસ નોંધાયા છે અને ૧૬૦૦થી વધુ લોકોનાં મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, દુનિયામાં ડેંગ્યુની વેક્સિન નવી નથી. આ પહેલા પણ એક વેક્સિન ઉપલબ્ધ હતી, પરંતુ તે આપતા પહેલા એ તપાસ કરવી પડતી હતી કે વ્યક્તિને પહેલા ક્યારેય ડેંગ્યુ થયો છે કે નહીં. નવી વેક્સિનની સૌથી મોટી ખાસિયત એ જ માનવામાં આવી રહી છે કે તે આપતા પહેલા આવી કોઈ તપાસ જરૂરી નથી. આનાથી મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવું સરળ બની શકે છે. આફ્રિકા અને એશિયા જેવા પ્રદેશોમાં જ્યાં દર વર્ષે લાખો લોકો ડેંગ્યુની ચપેટમાં આવે છે, તેના માટે આ સુવિધા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
જાણકારોના મતે વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલના પરિણામો ઉત્સાહજનક રહ્યા છે. લાંબા સમય સુધી ચાલેલા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ વેક્સિન ડેંગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને આશરે ૮૪ ટકા સુધી ઓછું કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોઈપણ વેક્સિનનો સૌથી મોટો ઉદ્દેશ્ય સંક્રમણને પૂરેપૂરું ખતમ કરવાનો નહીં, પરંતુ ગંભીર બીમારી, મોત અને હોસ્પિટલમાં ભરતી થવાની નોબત ઘટાડવાનો હોય છે. આ ધોરણ પર આ વેક્સિન ખૂબ જ અસરકારક છે.

દાયકાઓથી ટીબી માટે બીસીજીની વેક્સિન આપવામાં આવે જ છે
ડેંગ્યુની જ રસી આપવામાં આવશે તેવું નથી. કેન્સર અને ટીબી જેવા મોટા જીવલેણ રોગોની પણ દાયકાઓથી રસી આપવામાં આવે જ છે. ઉલ્લેખનીય છે કે, ટીબી માટે BCG વેક્સિન દાયકાઓથી આપવામાં આવે છે.
આનો હેતુ બાળકોને ટીબીના ગંભીર સ્વરૂપોથી બચાવવાનો છે. જોકે તે દરેક પ્રકારના ટીબી સંક્રમણને પૂરેપૂરું રોકવાની ગેરંટી આપતી નથી.
બીજી તરફ કેન્સરના કિસ્સામાં ચિત્ર થોડું અલગ છે. મોટાભાગની કેન્સરની રસીની સીધી અસર કેન્સર સામે નથી હોતા, પરંતુ એવા વાયરસ સામે હોય છે જેના કારણે કેન્સર થઈ શકે છે અને આ રસી દ્વારા તે જોખમને ઘટાડવામાં આવે છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો, HPV વેક્સિન સર્વાઇકલ કેન્સરના જોખમને ખૂબ ઓછું કરે છે. તે ઉપરાંત હેપેટાઇટિસ-બી વેક્સિન, લિવર કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આ કિસ્સામાં પણ થોડી ગેરમાન્યતા છે.
ઘણા લોકોનું માનવું છે કે, આ રસી લીધા બાદ ડેંગ્યૂ થશે જ નહીં અથવા તો નાબુદ થઈ જશે. હકિકતમાં એવું કશું જ થવાનું નથી. વેક્સિન આવવાનો અર્થ એ નથી કે ડેંગ્યુ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. આની પાછળ ઘણા કારણો છે. તેમાં સૌથી પહેલું તો ડેંગ્યૂનો ફેલાવો કરતું એડીસ મચ્છર જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી આ રોગના વાઈરસ ફેલાતા રહેશે.
આ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જ અને ઝડપથી થઈ રહેલું શહેરીકરણ મચ્છરોને પાંગરવા માટે નવા વિસ્તારો તૈયાર કરી રહ્યા છે. ચિંતાજનક એ છે કે, ચારેય સીરોટાઇપ વાયરસ અલગ-અલગ સમયે સક્રિય રહે છે. તેથી રોગની વાસ્તવિક સ્થિતિ ખબર પડે તેમ પણ નથી.

ભારત માટે વેક્સિન લાગુ કરવાનું પગલું ખૂબ જ મહત્વનું સાબિત થશે
ભારત વિશ્વના એવા દેશોમાં સામેલ છે જ્યાં ડેંગ્યુના સૌથી વધુ દર્દીઓ છે.
દરેક ચોમાસા પછી હજારો દર્દીઓ હોસ્પિટલ પહોંચે છે અને ઘણા કિસ્સાઓમાં બીમારી જીવલેણ પણ સાબિત થાય છે. એવામાં પહેલીવાર કોઈ લાયસન્સ પ્રાપ્ત ડેંગ્યુ વેક્સિન ઉપલબ્ધ થવી એ જાહેર આરોગ્યની દ્રષ્ટિએ મોટી સિદ્ધિ છે. ખાસ વાત એ પણ છે કે આ વેક્સિનનું ભારતમાં જ ઉત્પાદન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આનાથી ભવિષ્યમાં કિંમત ઓછી થવાની અને પૂરતો પુરવઠો મળવાની શક્યતા છે. ટૂંકમાં કહીએ તો, ડેંગ્યુની વેક્સિન કોઈ જાદુઈ ઢાલ નથી, પરંતુ તે એક મજબૂત સુરક્ષા કવચ ચોક્કસ બની શકે છે. તે વાયરસને મારતી નથી, પરંતુ શરીરને તેની સામે પહેલાથી જ લડતા શીખવી દે છે - અને આ જ આધુનિક વેક્સિન વિજ્ઞાાનની સૌથી મોટી તાકાત છે.