શોખ અને દેખાદેખીમાં ક્રેડિટ કાર્ડ અને હપ્તાઓની ગુલામ થઈ ગઈ યુવાપેઢી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આજના ઉપભોક્તાવાદી સમાજમાં આખી પરિભાષા ઉલટાઈ ગઈ છે. આજે દેવું કરવું એ આધુનિકતા અને ગર્વની બાબત ગણાઈ રહી છે
- મહિનાની પહેલી તારીખે ખાતામાં આવતો પગાર પાંચમી તારીખ સુધીમાં ક્રેડિટ કાર્ડના બિલ, પર્સનલ લોન અને ગેજેટ્સના હપ્તાઓમાં વહેંચાઈ જાય છે. યુવાન ફરી પાછો આગામી પચીસ દિવસ વિતાવવા માટે તે જ ક્રેડિટ કાર્ડ પર નિર્ભર બની જાય છે. આ એક એવું વિષચક્ર છે જેમાંથી બહાર નીકળવું દિવસે ને દિવસે કપરું બનતું જાય છે : ક્રેડિટ કાર્ડ પોતે કોઈ ખરાબ કે અનિષ્ટ સાધન નથી; તે આધુનિક નાણાકીય વ્યવસ્થાનું એક અત્યંત ઉપયોગી ઉપકરણ છે, શરત માત્ર એટલી છે કે તેનો ઉપયોગ વિવેકબુદ્ધિ અને નિયંત્રણ સાથે થવો જોઈએ. જીવનમાં સંતોષ મેળવવા માટે પૃથ્વી પરની તમામ ભૌતિક વસ્તુઓ હસ્તગત કરવી જરૂરી નથી : યુવા પેઢીએ કડવી વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે કે ભૌતિક ચમક-દમકની પાછળ દોડીને માસિક હપ્તાઓ ચૂકવવામાં આખી જિંદગી સરકી રહી છે. દેવાના આ અદ્રશ્ય પાંજરામાંથી મુક્ત થઈને સમજદારીપૂર્વક નાણાંનું આયોજન કરવું એ જ આજના યુવાન માટે આત્મનિર્ભર બનવાનો સાચો રાજમાર્ગ છે
આજના વૈશ્વિક અને ઔદ્યોગિક યુગમાં યુવા પેઢી જેટલી પ્રતિભાશાળી, સક્ષમ અને સંસાધનયુક્ત દેખાય છે, તેટલી જ તે અંદરથી માનસિક અને આર્થિક તાણ વચ્ચે ઘેરાયેલી જણાય છે. પાછલા કેટલાક દાયકાઓની તુલનામાં આજના યુવાનોમાં શીખવાની ધગશ, નવા વિચારોનું સર્જન અને ટેક્નોલોજી સાથે અનુકૂલન સાધવાની ઝડપ અદ્ભુત છે. પરંતુ આ ક્ષમતાની પાછળ એક અત્યંત ખતરનાક વલણ વિકસી રહ્યું છે, બધું જ ઝડપથી મેળવી લેવાની આંધળી દોડ. દેખાદેખી અને સોશિયલ મીડિયા પર ખુદને વૈભવી સાબિત કરવાની લતે આ ઉતાવળને વધારે વેગ આપ્યો છે. આ આંધળી સ્પર્ધાના કારણે આજનો યુવાન બજારવાદના એવા સંકજામાં ફસાઈ રહ્યો છે, જ્યાં તેનું વ્યક્તિત્વ માત્ર એક ગ્રાહક બનીને રહી ગયું છે અને જીવન માસિક હપ્તાઓના ચોખઠામાં કેદ થઈ ચૂક્યું છે.
હકિકતે આજના યુવાનોમાં જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા લગભગ ધૂંધળી થઈ ગઈ છે. તેઓ શું ખરીદી રહ્યા છે, શા માટે ખરીદી રહ્યા છે અને શું તેની વાસ્તવિક ઉપયોગિતા છે, આ પ્રશ્નો હવે ગૌણ બની ગયા છે. સમાજમાં, મિત્રવર્તુળમાં અને ઈન્ટરનેટના પડદા પર મોટા અને સફળ દેખાવાની લાલસામાં યુવાનો એવી ચીજવસ્તુઓ પાછળ લાખો રૂપિયા ઉડાવી રહ્યા છે જેની કદાચ તેમને ક્યારેય સાચી જરૂરિયાત હોતી નથી.
પ્રખ્યાત વિચારક વિલ રોજર્સનું એક વિધાન આ પરિસ્થિતિ પર સચોટ બેસે છે કે, આપણે ન ગમતા લોકોને પ્રભાવિત કરવા માટે, જે આપણી પાસે નથી તેવા નાણાં વડે એવી વસ્તુઓ ખરીદીએ છીએ જેની આપણને કોઈ જરૂર નથી. આ દેખાડાની સંસ્કૃતિને પોષવામાં અને યુવાવર્ગને ધીમા ઝેરની જેમ દેવાના કળણમાં ધકેલવામાં ક્રેડિટ કાર્ડ અને 'બાય નાઉ, પે લેટર' (BNPL) જેવી મોડેલ રચનાઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
આજે ક્રેડિટ કાર્ડ માત્ર નાણાકીય સાધન નથી રહ્યું, પરંતું તે એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. ખિસ્સામાં ચાર-પાંચ જુદા જુદા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ રાખવા એ આજના યુવાનો માટે ગર્વની બાબત ગણાય છે. જ્યારે વ્યક્તિ રોકડથી ખરીદી કરે છે ત્યારે હાથમાંથી પૈસા જવાનો વાસ્તવિક અનુભવ થાય છે, પરંતુ પ્લાસ્ટિક કાર્ડ સ્વાઇપ કરતી વખતે કે મોબાઈલ સ્ક્રીન પર ટેપ કરતી વખતે પૈસા ખર્ચાયાનો કોઈ ભાર અનુભવાતો નથી. આ મનોવૈજ્ઞાાનિક પ્રભાવને કારણે અજાણતાં જ દેવાનો બોજ ઉત્તરોત્તર વધતો જાય છે.
આંકડાકીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભારતમાં ક્રેડિટ કાર્ડનો વ્યાપ અત્યંત ઝડપથી વધી રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના હાલના ડેટા અનુસાર દેશમાં સક્રિય ક્રેડિટ કાર્ડ્સની સંખ્યા ૧૦ કરોડને વટાવી ચૂકી છે, જે દેશની આશરે ૫.૫ થી ૭ ટકા વસતીનું પ્રતિનિધિત્વ કરે છે. વૈશ્વિક સ્તરે સરખામણી કરીએ તો કેનેડામાં લગભગ ૮૩ ટકા અને અમેરિકામાં આશરે ૬૭ ટકા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. વિકસિત દેશોમાં ક્રેડિટ કાર્ડ સામાન્ય જરૂરિયાત ભલે હોય, પરંતુ ભારતમાં જે ઝડપે બિન-નાણાકીય સાક્ષરતા વચ્ચે કાર્ડ્સનો વપરાશ વધ્યો છે, તે અર્થતંત્ર અને વ્યક્તિગત નાણાકીય સ્વાસ્થ્ય બંને માટે ચિંતાનો વિષય છે.
ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના અહેવાલો દર્શાવે છે કે ક્રેડિટ કાર્ડ પર લેવાતી વ્યક્તિગત લોન અને ઓવરડયુઝ વાર્ષિક ધોરણે ૨૫થી ૩૦ ટકાના દરે વધી રહ્યા છે.
ક્રેડિટ કાર્ડ આપતી બેંકો અને નાણાકીય સંસ્થાઓ યુવાનોને કેશબેક, રિવોર્ડ પોઈન્ટ્સ, ફ્રી એરપોર્ટ લાઉન્જ એક્સેસ અને નો-કોસ્ટ ઈએમઆઈ જેવા લોભામણા ઓફર્સ પીરસીને પોતાના પાશમાં ખેંચે છે. આરંભમાં આ એક આર્થિક સ્વતંત્રતા જેવું પ્રતીત થાય છે, પરંતુ અસલ રમત મિનિમમ અમાઉન્ટ ડયુ એટલે કે લઘુત્તમ ચૂકવણીના વિકલ્પથી શરૂ થાય છે. યુવાન એવું વિચારે છે કે માત્ર પાંચ ટકા રકમ ચૂકવી દેવાથી તેનું ખાતું સુરક્ષિત રહેશે, પરંતુ વાસ્તવમાં બાકી રહેલી રકમ પર વાર્ષિક ૩૬થી ૪૫ ટકા જેટલું તોતિંગ વ્યાજ વસૂલવામાં આવે છે. આ વ્યાજનો દર સામાન્ય બેંક લોન કરતાં ત્રણથી ચાર ગણો વધુ હોય છે.
આ ભયાનક વ્યાજદરને સમજવા માટે એક વાસ્તવિક ઉદાહરણ પૂરતું છે. ધારો કે એક ૨૫ વર્ષીય યુવાન પોતાની લક્ઝરી શોખ પૂરી કરવા ક્રેડિટ કાર્ડ પર ૧,૫૦,૦૦૦નો ખર્ચ કરે છે અને દર મહિને માત્ર મિનિમમ ડયુ ભરે છે.
વાર્ષિક ૪૨ ટકાના વ્યાજદરે આ નાનકડી રકમને સંપૂર્ણપણે ચૂકવતાં તેને ૧૨થી ૧૫ વર્ષ લાગી શકે છે અને તે મૂળ રકમ કરતાં ચાર ગણું વધુ વ્યાજ ચૂકવી ચૂક્યો હશે.
સમયસર ચૂકવણી ન થવાના કારણે સિવિલ (CIBIL) સ્કોર ઘટીને ૬૫૦થી નીચે જતો રહે છે. પરિણામે, જ્યારે જીવનમાં વાસ્તવિક જરૂરિયાત, જેમ કે મકાન ખરીદવા માટે હોમ લોન કે વ્યવસાય શરૂ કરવા માટે બિઝનેસ લોનની જરૂર પડે છે, ત્યારે તમામ નાણાકીય સંસ્થાઓ તેના માટે દરવાજા બંધ કરી દે છે.
જાણકારોના મતે આ આર્થિક ચક્રવ્યૂહની અસર માત્ર ખિસ્સા પૂરતી સીમિત નથી રહેતી, તેની ઊંડી સામાજિક અને માનસિક આડઅસરો પણ સર્જાય છે. ક્રેડિટ કાર્ડ અને હપ્તાઓની ભરપાઈ કરવા માટે યુવાનો દિવસ-રાત કામ કરવા મજબૂર બન્યા છે. સવારે વહેલા દોડાદોડ કરીને ઓફિસ જવું, મોડી રાત સુધી લેપટોપ સામે બેસી રહેવું અને વીકએન્ડમાં પણ ઓવરટાઇમ કરવો-આ દિનચર્યા બની ગઈ છે. દરેક વ્યક્તિ એકબીજાને પછાડીને આગળ નીકળી જવાના ચક્કરમાં ખુદ અંદરથી તૂટી રહી છે. લોકો પાસે હવે પરિવાર કે મિત્રો સાથે બેસીને હૃદયપૂર્વક વાત કરવાનો સમય જ બચ્યો નથી.
માનસિક સ્વાસ્થ્યના સંદર્ભમાં પ્રાચીન ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલે સદીઓ પહેલાં કહ્યું હતું કે, 'મનુષ્ય એક સામાજિક પ્રાણી છે; જે સમાજ વિના એકલો રહે છે તે કાં તો ઈશ્વર હોઈ શકે અથવા દાનવ.'
જ્યારે આજના યુવાનો અતિશય કામના બોજ અને નાણાકીય ચિંતાઓને લીધે સમાજથી અળગા થઈ જાય છે, ત્યારે તે એકલતા ઊંડા ડિપ્રેશન અને ચિંતામાં પરિવર્તિત થાય છે. માનવીય સંબંધોમાં હવે આત્મીયતાને બદલે શુષ્ક ઔપચારિકતા અને સ્વાર્થ આવી ગયા છે.
એકબીજાની ભૂલો શોધીને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની હોડ લાગી છે. જો મુશ્કેલ પરિસ્થિતિઓમાં સાથે બેસીને સંવાદ કરવામાં આવે તો ઘણા ગંભીર પ્રશ્નો ઉકેલાઈ શકે છે, પરંતુ ડિજિટલ યુગમાં સ્ક્રીન વધી ગઈ છે અને સંવાદ ઘટી ગયો છે.
ભારતીય સમાજની પરંપરાગત માનસિકતામાં અને આજની માનસિકતામાં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. અગાઉના સમયમાં આપણા વડીલો માનતા હતા કે એટલી સોડ તાણવી જેટલી લાંબી ગોદડી. દેવું કરવું એ તે સમયે સામાજિક શરમ અને કલંક ગણાતું હતું. જૂની પેઢી દેવું ચૂકવીને શાંતિની ઊંઘ લેવામાં માનતી હતી. પરંતુ આજના ઉપભોક્તાવાદી સમાજમાં આખી પરિભાષા ઉલટાઈ ગઈ છે. આજે દેવું કરવું એ આધુનિકતા અને ગર્વની બાબત ગણાઈ રહી છે. લેટેસ્ટ આઈફોન હોય, મોંઘી સ્પોર્ટ્સ બાઈક હોય કે બ્રાન્ડેડ કપડાં-બધું જ શૂન્ય ટકા વ્યાજના ભ્રામક હપ્તા પર ઉપલબ્ધ છે.
આ બદલાવ પાછળ જીવનશૈલીનો મોટો ફાળો છે. એક તરફ અનહેલ્ધી જંક ફૂડ લોકોના શારીરિક સ્વાસ્થ્યને ગળી રહ્યું છે, તો બીજી તરફ દર મહિને પગાર થતાં જ કપાતા માસિક હપ્તાઓ એટલે કે ઈએમઆઈ તેમની આર્થિક સ્વતંત્રતાને ભરખી રહ્યા છે.
મહિનાની પહેલી તારીખે ખાતામાં આવતો પગાર પાંચમી તારીખ સુધીમાં ક્રેડિટ કાર્ડના બિલ, પર્સનલ લોન અને ગેજેટ્સના હપ્તાઓમાં વહેંચાઈ જાય છે. યુવાન ફરી પાછો આગામી પચીસ દિવસ વિતાવવા માટે તે જ ક્રેડિટ કાર્ડ પર નિર્ભર બની જાય છે. આ એક એવું વિષચક્ર છે જેમાંથી બહાર નીકળવું દિવસેને દિવસે કપરું બનતું જાય છે.ઉલ્લેખનીય છે કે, ક્રેડિટ કાર્ડ પોતે કોઈ ખરાબ કે અનિષ્ટ સાધન નથી; તે આધુનિક નાણાકીય વ્યવસ્થાનું એક અત્યંત ઉપયોગી ઉપકરણ છે, શરત માત્ર એટલી છે કે તેનો ઉપયોગ વિવેકબુદ્ધિ અને નિયંત્રણ સાથે થવો જોઈએ. જીવનમાં સંતોષ મેળવવા માટે પૃથ્વી પરની તમામ ભૌતિક વસ્તુઓ હસ્તગત કરવી જરૂરી નથી. પ્રથમ પ્રાથમિકતા હંમેશાં પ્રાથમિક જરૂરિયાતોને મળવી જોઈએ, ક્ષણિક સુખો કે દેખાડાને નહીં.
નાણાકીય સ્થિરતા માટે ૫૦-૩૦-૨૦ નો સુવર્ણ નિયમ જરૂરી છે
જાણકારોના મતે જીવનમાં નાણાકીય સ્થિરતા માટે કેટલાક નિયમો બનાવવા અને અમલમાં મુકવા જરૂરી છે. તેમાંય ૫૦-૩૦-૨૦નો નિયમ મહત્ત્વનો છે. પોતાની કુલ માસિક આવકમાંથી ૫૦ ટકા રકમ મૂળભૂત જરૂરિયાતો (જેમ કે અનાજ, મકાનનું ભાડું, શિક્ષણ) માટે ફાળવવી.
૩૦ ટકા રકમ વ્યક્તિગત શોખ અને મનોરંજન પાછળ ખર્ચવી. બાકી બચેલી ઓછામાં ઓછી ૨૦ ટકા રકમ કોઈપણ ભોગે ભવિષ્ય માટે બચત અને ઈન્વેસ્ટમેન્ટ (જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, પીપીએફ કે ઈમરજન્સી ફંડ)માં જવી જોઈએ. મહિનાનો પગાર લાખો રૂપિયામાં હોય તો પણ જો માસિક બચત શૂન્ય હોય, તો વ્યક્તિ આર્થિક રીતે કંગાળ જ રહે છે. ખરી કમાણી એ નથી કે તમે કેટલું કમાયા, પરંતુ એ છે કે તમે ભવિષ્યની સુરક્ષા માટે કેટલું બચાવી શક્યા. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવો જોઈએ જ્યારે તે રકમ ચૂકવવા માટેનું ભંડોળ તમારા બેંક ખાતામાં પહેલેથી હાજર હોય. બિલ સાયકલના છેલ્લા દિવસ સુધી રાહ જોયા વિના નિયત સમયે સંપૂર્ણ બિલની ચૂકવણી કરી દેવી એ જ સાચું આર્થિક શાણપણ છે. યુવા પેઢીએ કડવી વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે કે ભૌતિક ચમક-દમકની પાછળ દોડીને માસિક હપ્તાઓ ચૂકવવામાં આખી જિંદગી સરકી રહી છે.
દેવાના આ અદ્રશ્ય પાંજરામાંથી મુક્ત થઈને સમજદારીપૂર્વક નાણાંનું આયોજન કરવું એ જ આજના યુવાન માટે આત્મનિર્ભર બનવાનો સાચો રાજમાર્ગ છે.




