ધરતી તપી રહી છે, આકાશ કોરું છે અને ખેડૂત કંગાળ થઈ રહ્યો છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઓદ્યોગિકરણની આંધળી દોટ, જંગલોનું નિકંદન અને અશ્મિગત ઈંધણોના બેફામ ઉપયોગથી ભારતીય કૃષિ પર જળવાયુ સંકટ વધ્યું
- શિયાળો ટૂંકો અને હુંફાળો બની રહ્યો છે, ઉનાળો ફેબ્રુઆરીથી જ અંગારા વરસાવવા લાગે છે અને ચોમાસું ક્યારેક મહિનાઓ સુધી ખેડૂતને તરસાવ્યા પછી ચોવીસ કલાકમાં આખું વર્ષનું પાણી રેડીને ખેતરો ધોઈ નાખે છે. હવામાનની આ બેફામ અનિશ્ચિતતાએ અનાજની ગુણવત્તા, પાકનું ઉત્પાદન, ખેડૂતોની આર્થિક કમર તોડી કાઢી છે ઃ અંદાજ મુજબ વર્ષ ૨૦૫૦ સુધીમાં દુનિયાભરમાં આઠ કરોડથી વધુ લોકો માત્ર જળવાયુ પરિવર્તનના કારણે ઊભા થયેલા કૃષિ સંકટને લીધે ભૂખમરા અને ગંભીર કુપોષણની ગર્તામાં ધકેલાઈ જશે. ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સમાં ભારત દુનિયાના ટોચના સૌથી વધુ સંવેદનશીલ દેશોમાં સ્થાન ધરાવે છે ઃ દેશના ૮૫ ટકાથી વધુ ખેડૂતો નાના અને સીમાંત છે. હવામાનના પ્રકોપથી સતત બે કે ત્રણ મોસમ નિષ્ફળ જાય છે, ત્યારે ખેડૂત સ્થાનિક શાહુકારો કે બેંકોના દેવાના એવા વિષચક્રમાં ફસાય છે જેમાંથી બહાર નીકળવું તેના માટે અસંભવ બની જાય છે. તેના કારણે યુવા પેઢી ખેતી છોડીને શહેરોમાં મજૂરી કે નોકરી કામ કરવા માટે મોટા પાયે હિજરત કરી રહી છે
ઔદ્યોગિકીકરણની આંધળી દોડ, જંગલોનો બેફામ નિકંદન અને અશ્મિભૂત ઇંધણના અમર્યાદિત વપરાશના પરિણામે પૃથ્વીનું વાતાવરણ આજે એક અણધારી અને અસહ્ય ગરમીની ઝપટમાં આવી ગયું છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ હવે માત્ર પર્યાવરણીય પરિસંવાદો કે વૈશ્વિક સમિટના એરકન્ડિશન્ડ હોલમાં ચર્ચાવા પૂરતા સીમિત મુદ્દા રહ્યા નથી, પરંતુ તેણે ખેતરોના છેવાડે ઊભેલા ખેડૂતના જીવનમાં સીધો અસર કરતો મુદ્દો છે. એશિયા અને ખાસ કરીને ભારતમાં તાપમાનનો પારો જે રીતે વિક્રમો તોડી રહ્યો છે, તેની સૌથી કારમી અને ઘાતક અસર દેશના કૃષિ અર્થતંત્ર પર પડી રહી છે. જે ઋતુચક્રના ભરોસે સદીઓથી ભારતનો ખેડૂત વાવણી અને લણણીનું ગણિત માંડતો હતો, તે કુદરતી ચક્ર હવે સંપૂર્ણપણે વેરવિખેર થઈ ચૂક્યું છે.
શિયાળો ટૂંકો અને હુંફાળો બની રહ્યો છે, ઉનાળો ફેબ્રુઆરીથી જ અંગારા વરસાવવા લાગે છે અને ચોમાસું ક્યારેક મહિનાઓ સુધી ખેડૂતને તરસાવ્યા પછી ચોવીસ કલાકમાં આખા વર્ષનું પાણી રેડીને ખેતરો ધોઈ નાખે છે. હવામાનની આ બેફામ અનિશ્ચિતતાએ અનાજની ગુણવત્તા, પાકનું ઉત્પાદન, ખેડૂતોની આર્થિક કમર અને સમગ્ર દેશની ખાદ્ય સુરક્ષા સામે અસ્તિત્વનો ગંભીર સવાલ ઊભો કરી દીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રગટ થતા સંશોધન અહેવાલો પણ આ ખતરાની ભયાનકતા તરફ સતત લાલબત્તી ધરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની ખાદ્ય અને કૃષિ સંસ્થા તેમજ આબોહવા પરિવર્તન પરની આંતરરાષ્ટ્રીય સમિતિના મૂલ્યાંકન સ્પષ્ટપણે દર્શાવે છે કે જો સરેરાશ વૈશ્વિક તાપમાનમાં દોઢથી બે ડિગ્રી સેલ્સિયસનો પણ વધારો થશે, તો એશિયા અને આફ્રિકાના કૃષિપ્રધાન દેશોમાં અનાજ ઉત્પાદનમાં ૧૫થી ૩૦ ટકા સુધીનો જંગી ઘટાડો આવી શકે છે.
અંદાજ મુજબ વર્ષ ૨૦૫૦ સુધીમાં દુનિયાભરમાં આઠ કરોડથી વધુ લોકો માત્ર જળવાયુ પરિવર્તનના કારણે ઊભા થયેલા કૃષિ સંકટને લીધે ભૂખમરા અને ગંભીર કુપોષણની ગર્તામાં ધકેલાઈ જશે. ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સમાં ભારત દુનિયાના ટોચના સૌથી વધુ સંવેદનશીલ દેશોમાં સ્થાન ધરાવે છે. ભારત જેવા ૧૪૦ કરોડથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્રમાં જ્યાં ૬૦ ટકાથી વધુ આજીવિકા કૃષિ પર ટકેલી હોય, ત્યાં તાપમાનનો અડધો ડિગ્રીનો ઉછાળો પણ લાખો પરિવારોની થાળીમાંથી રોટલો છીનવી લેવા સક્ષમ છે.
કૃષિ વિજ્ઞાાનનો પાયાનો સિદ્ધાંત કહે છે કે કોઈપણ વનસ્પતિના બીજ અંકુરણથી માંડીને તેના ફૂલ આવવા, પરાગનયન થવું અને દાણો ભરાવો-આ તમામ શારીરિક પ્રક્રિયાઓ ચોક્કસ તાપમાન અને ભેજના સંતુલન પર નિર્ભર હોય છે. ખાસ કરીને શિયાળુ એટલે કે રવિ પાકો માટે ઠંડક એ અમૃત સમાન હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ફેબ્રુઆરી મહિનાના ઉત્તરાર્ધમાં જ અચાનક ગરમીનું મોજું (ટર્મિનલ હીટ સ્ટ્રેસ) ફરી વળે છે. ઉત્તર ભારત અને મધ્ય ભારતના ઘઉંના પાક માટે આ સ્થિતિ જીવલેણ નીવડે છે. જ્યારે ઘઉંના દાણામાં દૂધ ભરાઈ રહ્યું હોય અને દાણો પરિપક્વ થઈ રહ્યો હોય, ત્યારે જો તાપમાન સામાન્ય કરતાં ત્રણથી પાંચ ડિગ્રી વધી જાય તો છોડ અકાળે સૂકાવા લાગે છે. પરિણામે દાણા સંકોચાઈ જાય છે, વજન ઘટી જાય છે અને પાકની આવકમાં સીધો ૨૦ ટકા સુધીનો ઘટાડો આવી જાય છે. આ જ પરિસ્થિતિ સરસવ, ચણા, જીરું અને વરિયાળી જેવા તેલીબિયાં અને મસાલા પાકોમાં જોવા મળે છે, જ્યાં ઊંચા તાપમાનને લીધે ફૂલો ખરી પડે છે અને દાણા બેસવાનું પ્રમાણ નહિવત થઈ જાય છે.
બીજી તરફ ચોમાસુ પાકો પર પણ અસહ્ય ઉકળાટ અને અતિવૃષ્ટિ - અનાવૃષ્ટિના ડબલ માર પડી રહ્યા છે. ડાંગર, મકાઈ અને બાજરી જેવા પાકોમાં પરાગનયનના નાજુક સમયે જો દિવસનું તાપમાન ૩૫ ડિગ્રીથી ઉપર વટી જાય, તો પરાગરજ બળી જાય છે અને કણસલાં અંદરથી સાવ ખાલી કે ફોતરાં જેવાં રહી જાય છે. ખેડૂતને ખેતરમાં પાક લહેરાતો લીલોછમ દેખાય, પરંતુ જ્યારે થ્રેશરમાં લણણી થાય ત્યારે હાથમાં ધૂળ સિવાય કશું આવતું નથી. આ માત્ર ઉપજનો પ્રશ્ન નથી, પરંતુ અનાજના પોષક મૂલ્યનો પણ મોટો વિનાશ છે. સંશોધનો સાબિત કરી ચૂક્યા છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ગરમી વધવાથી વનસ્પતિ ઝડપથી કદ વધારી લે છે ખરી, પરંતુ તે જમીનમાંથી પ્રોટીન, આયર્ન અને ઝિંક જેવા અનિવાર્ય ખનિજો શોષી શકતી નથી. પરિણામે જે ઘઉં કે ચોખા પાકે છે તે પોષણની દ્રષ્ટિએ પોકળ હોય છે.
ઉલ્લેખનીય છે કે, પાણીની કટોકટી આ જળવાયુ સંકટનું સૌથી ભયાનક પાસું છે. ભારતમાં વીસમી સદીની શરૂઆતમાં સરેરાશ વાર્ષિક વરસાદ આશરે ૧૪૧ સેન્ટિમીટર નોંધાતો હતો, જે વીસમી સદીના અંત સુધીમાં ઘટીને ૧૧૯ સેન્ટિમીટરની આસપાસ આવી ગયો છે. વરસાદના દિવસો ઘટી ગયા છે પરંતુ વરસાદની તીવ્રતા અત્યંત વિનાશક બની છે. એક સમયે જે વરસાદ ધીમી ધારે આખા અઠવાડિયામાં બે-ત્રણ ઇંચ પડતો અને જમીનમાં ઊંડે ઉતરતો, તે હવે માત્ર બે કલાકમાં વાદળ ફાટવાની જેમ ખાબકે છે અને ચારેતરફ તારાજી સર્જે છે. આવું પાણી જમીનમાં ઉતરવાને બદલે ઉપલા ફળદ્રુપ પડને તાણીને નદીઓમાં વહાવી જાય છે. બીજી તરફ હિમાલયની ગંગોત્રી અને યમુનોત્રી જેવી હિમનદીઓ અભૂતપૂર્વ ગતિએ પીગળીને સંકોચાઈ રહી છે. નદીઓમાં ઉનાળા દરમિયાન પાણીનો પ્રવાહ ઘટવાથી નહેરો ખાલી પડી રહે છે અને ખેડૂતો ભૂગર્ભ જળ પર નિર્ભર બનવા મજબૂર થાય છે. લાખો ટયુબવેલ દ્વારા અવિરત પાણી ખેંચાવાના કારણે દેશના મોટા ભાગોમાં ભૂગર્ભ જળના તળ ૫૦૦થી ૧૦૦૦ ફૂટ નીચે ઉતરી ગયા છે, જેમાંથી હવે ક્ષારયુક્ત અને રસાયણોવાળું પાણી નીકળે છે જે પાકને બાળી નાખે છે.
આ વૈશ્વિક અને રાષ્ટ્રીય સંકટની સૌથી જીવંત અને કરુણ વાસ્તવિકતા ગુજરાતના અલગ-અલગ કૃષિ વિસ્તારોમાં પ્રત્યક્ષ અનુભવાઈ રહી છે. ગુજરાત ભૌગોલિક રીતે લાંબો દરિયાકિનારો અને રણ પ્રદેશની નિકટતા ધરાવતું રાજ્ય હોવાથી અહીં આબોહવા પરિવર્તનની અસર બેવડી તીવ્રતાથી વર્તાય છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો છેલ્લા એક દાયકાથી હવામાનની જે અણધારી થપાટો સહન કરી રહ્યા છે, તેના ત્રણ ચોક્કસ કેસ સ્ટડી આ સંકટની ગંભીરતાને ખુલ્લી પાડે છે.
જાણકારોના મતે આ સમસ્યાના ઉકેલ માટે પહેલું પગલું એ છે કે દેશમાં ક્લાઇમેટ-રેઝિલિયન્ટ એગ્રીકલ્ચરનું વિસ્તરણ કરવું પડશે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓએ પ્રયોગશાળાઓમાંથી બહાર આવીને ખેતરો સુધી પહોંચવું પડશે. એવી નવી પાક જાતોનું સંવર્ધન કરવું જરૂરી થઈ ગયું છે જે વધુ ગરમી, ઓછા પાણી અને ક્ષારવાળી જમીનમાં પણ ટકી શકે. ઉદાહરણ તરીકે, ઘઉંની એવી જાતો વિકસાવવી જે માર્ચની ગરમી પહેલા ઝડપથી પાકી જાય. આ ઉપરાંત બીજું અને સૌથી મહત્ત્વનું પગલું પાક વૈવિધ્યીકરણ અને પરંપરાગત જાડા ધાન્ય એટલે કે 'મિલેટ્સ' તરફ પાછા વળવાનું છે. બાજરી, જુવાર, રાગી, કોદરી અને સામો જેવા ધાન્યો મૂળભૂત રીતે જળવાયુ પરિવર્તન સામે લડવાની અદભુત ક્ષમતા ધરાવે છે. ખેતી માત્ર એક આર્થિક પ્રવૃત્તિ નથી, એ આ દેશની સંસ્કૃતિ અને જીવનશૈલી છે. જો ખેડૂત કુદરતના આ આકરા પ્રકોપ સામે એકલો હારી જશે, તો તેની કિંમત સમગ્ર સમાજે ભૂખમરા અને મોંઘવારીના રૂપમાં ચૂકવવી પડશે.
અન્નદાતા જ ખેતી છોડી દેશે, તો દેશની ૧૪૦ કરોડ જનતાના પેટનો ખાડો પૂરશે કોણ?
જાણકારોના મતે ગુજરાતમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની વાત કરીએ તો છેલ્લા પાંચ-છ વર્ષથી આંબાના બગીચાઓ જળવાયુ પરિવર્તનની લપેટમાં આવી ગયા છે. આંબા પર મોર આવવા માટે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સતત ઠંડીની જરૂર હોય છે. તાલાલા ગીરના આંબાગીરી કરતા ખેડૂતો જણાવે છે કે હવે શિયાળામાં જરૂરી ઠંડી પડતી જ નથી; રાત્રે ઠંડક હોય તો દિવસે અચાનક તાપમાન ૩૨ ડિગ્રી વટાવી જાય છે. આ અસંતુલનને લીધે આંબા પર નિયમિત મોર આવવાને બદલે અકાળે નવી કૂંપળો ફૂટી નીકળે છે. ફેબ્રુઆરીમાં જ્યારે મોર બેસે ત્યારે અચાનક વાદળછાયું વાતાવરણ અને માવઠું ત્રાટકે છે, જેના કારણે મધીયો અને ભૂકી છારો નામની ફૂગ આખા મોરને કાળો પાડીને બાળી નાખે છે. વળી માર્ચ મહિનામાં જ્યારે નાની ખાખડી (કાચી કેરી) બેસે ત્યારે અસહ્ય લૂ અને હીટવેવના કારણે ફળ મોટા થયા વિના જ ખરી પડે છે. વર્ષ ૨૦૨૧માં ત્રાટકેલા 'તૌકતે' વાવાઝોડાએ સૌરાષ્ટ્રના બાગાયતી વૃક્ષોનો સોથ વાળી દીધા પછી સતત વધી રહેલી ગરમીએ કેસર કેરીનું ઉત્પાદન ૪૦થી ૬૦ ટકા સુધી ઘટાડી દીધું છે. ગુજરાતની આ સ્થિતિ ભારતીય ખેડૂતની દારૂણ વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે. દેશના ૮૫ ટકાથી વધુ ખેડૂતો નાના અને સીમાંત છે, જેમની પાસે બે હેક્ટર કરતાં ઓછી જમીન છે. આ નાના ખેડૂતો પાસે કોઈ આર્થિક બફર હોતું નથી. જ્યારે હવામાનના પ્રકોપથી સતત બે કે ત્રણ મોસમ નિષ્ફળ જાય છે, ત્યારે ખેડૂત સ્થાનિક શાહુકારો કે બેંકોના દેવાના એવા વિષચક્રમાં ફસાય છે જેમાંથી બહાર નીકળવું તેના માટે અસંભવ બની જાય છે. ખેતી હવે નફાનો ધંધો મટીને માત્ર જોખમનો જુગાર બની ગઈ છે. આ જ કારણ છે કે ગ્રામીણ વિસ્તારોમાંથી યુવા પેઢી ખેતી છોડીને શહેરોમાં સુરક્ષા ગાર્ડ, મજૂર કે ડિલિવરી બોય તરીકે કામ કરવા માટે મોટા પાયે હિજરત કરી રહી છે. જો અન્નદાતા જ ખેતી છોડી દેશે, તો દેશની ૧૪૦ કરોડ જનતાના પેટનો ખાડો પૂરશે કોણ. આ પ્રશ્ન આજે રાષ્ટ્રીય સુરક્ષા કરતાં પણ વધુ આકરો બની ચૂક્યો છે.




