News Focus

ગેર વહિવટનો વરસાદ : તંત્ર ભ્રષ્ટાચારમાં અને શહેરો પાણીમાં ડૂબેલા છે

By GS Team
21 Jul 20269 mins read
TukuTouch Logo
વરસાદની શરૂઆત થતાં જ અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ભુવા પડવા, પાણી ભરાવા અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ સર્જાય છે. પ્રી-મોન્સૂન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થતો હોવાથી તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાય છે. શહેરી આયોજનમાં પાણીના નિકાલને અવગણી, તળાવો પુરીને બાંધકામો કરાયા છે. આ વહીવટી નિષ્ફળતા છે, કુદરતી આફત નહીં. 'સ્પોન્જ સિટી' જેવા ઉપાયો કાગળ પરથી અમલમાં મુકાય તો જ સ્થિતિ સુધરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગેર વહિવટનો વરસાદ : તંત્ર ભ્રષ્ટાચારમાં અને શહેરો પાણીમાં ડૂબેલા છે

વિકાસના નામે જે હદે પ્રિ મોન્સુન ભ્રષ્ટાચાર કરવામાં આવે છે કે, વરસાદ પડે કે ન પડે પણ શહેરોમાં ભુવા ચોક્કસ પડે છે
સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારતમાં ખરેખર વરસાદ વધુ પડી રહ્યો છે કે પછી આપણી શહેરી વ્યવસ્થા સંકોચાઈ ગઈ છે? બીજો જવાબ વધુ સચોટ જણાય છે. કુદરતે પોતાનો સ્વભાવ સંપૂર્ણપણે નથી બદલ્યો. વાસ્તવમાં, આપણે આપણા શહેરોનું ચિત્ર બદલી નાખ્યું છે : આપણા નગર આયોજનમાં વર્ષોથી એક ગંભીર ભૂલ થતી રહી છે. શહેરોને માત્ર વસ્તી વસાવવાની જગ્યા સમજવામાં આવ્યા, જ્યારે પાણીના પ્રવાહના વિજ્ઞાાનને લગભગ ભુલાવી દેવાયું. રસ્તાઓ પહોળા થતા ગયા, પરંતુ નાળાઓ સાંકડા થતા ગયા. તળાવો અને વાવો અદ્રશ્ય થતી ગઈ. સિમેન્ટ અને ડામરે ધરતીના શ્વાસ રુંધી નાખ્યા. પાણીને જમીનમાં ઊતરવાના રસ્તા બંધ થતા ગયા : દુર્ભાગ્ય એ છે કે આપણા દેશમાં જવાબદારી નક્કી કરવાની સંસ્કૃતિ હજુ પણ નબળી છે. વરસાદ પૂરો થતાં જ ફાઈલો પણ સુકાઈ જાય છે અને આગામી ચોમાસા સુધી બધું ભુલાવી દેવાય છે. બીજી તરફ સમાજ પણ આ નિષ્ફળતામાંથી સંપૂર્ણપણે મુક્ત નથી. નાળાઓમાં પ્લાસ્ટિક ફેંકવું, જળ નિકાલના માર્ગો પર અતિક્રમણ કરવું, જાહેર સ્થળોને કચરાપેટીમાં ફેરવી દેવા પણ જળભરાવને આમંત્રણ આપે છે
ભારતમાં વરસાદ પડવો અને ન પડવો બંને વ્યવસ્થા અને વ્યથાનો ભાગ છે. ચામાસું સારું જાય તો ખેડૂતો માટે સારી વ્યવસ્થા થાય છે પણ બીજી તરફ શહેરોમાં વ્યથા ભોગવવાની આવે છે. વરસાદ ઓછો પડે તો શહેરોમાં સારી વ્યવસ્થા જળવાઈ રહે છે પણ ખેતી માટે વ્યથા ઊભી થાય છે. આ બંને પાસા વચ્ચે એક ત્રીજી વ્યવસ્થા ઊભી થયેલી છે. તે છે ગેરવહિવટના વરસાદની વ્યવસ્થા. દેશના દરેક મોટા શહેરો અને નગરોની પાલિકાઓ અને તેની સાથે સંકળાયેલી એજન્સીઓ દ્વારા એવી અદ્વિતિય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આત્મનિર્ભર થઈ ગયા છે. તેમણે પ્રજાના અભાવ અને આફતને પોતાની કમાણીના અવસર બનાવી દીધા છે.
આપણા દેશમાં ગેરવહિવટનો વરસાદ જ એવો પડે છે કે, તંત્ર આખું ભ્રષ્ટાચારમાં અને શહેરો પાણીમાં ડૂબી જાય છે. પ્રજા માત્ર લાચારીથી પોતાની જ વ્યથાને જોતી રહે છે. વરસાદ આજે શહેરોમાં ભયનું પર્યાય બનતો જઈ રહ્યો છે. વાદળો વરસે છે, ત્યારે મહાનગરોથી લઈને નાના શહેરો સુધીના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જાય છે. ક્યાંક વાહનો તણાઈ જાય છે, ક્યાંક હોસ્પિટલોમાં પાણી ભરાઈ જાય છે, તો ક્યાંક એરપોર્ટ ઠપ થઈ જાય છે. ઘણીવાર તો લોકો પોતાના ઘરોમાં કેદ થઈને રહી જાય છે. આ દ્રશ્ય હવે અપવાદ નથી રહ્યું, લગભગ દરેક ચોમાસામાં આ લાચારી જોવા મળે છે. દેશના દરેક મોટા શહેરમાં પાણી ભરાવાની, તેના કારણે વીજળી ગુલ થવાની, ટ્રાફિક જામ થવાની અને બીજી ઘણી સમસ્યાઓ સતત વધી રહી છે પણ તંત્રને તેમાં રસ જ નથી. સ્પેસ ટેક્નોલોજીથી રસ્તા બનાવતી સરકારને ખરેખર રસ્તા ઉપર ભરાતા પાણી અને તેમાં અટવાતો સામાન્ય માણસ દેખાતો નથી.
જાણકારોના મતે સૌથી પહેલાં તો કેટલાક સવાલોના જવાબો શોધવાની તાતી જરૂર છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારતમાં ખરેખર વરસાદ વધુ પડી રહ્યો છે કે પછી આપણી શહેરી વ્યવસ્થા સંકોચાઈ ગઈ છે? બીજો જવાબ વધુ સચોટ જણાય છે. કુદરતે પોતાનો સ્વભાવ સંપૂર્ણપણે નથી બદલ્યો. વાસ્તવમાં, આપણે આપણા શહેરોનું ચિત્ર બદલી નાખ્યું છે. જે તળાવોમાં પાણી રોકાવું જોઈતું હતું, ત્યાં બહુમાળી ઈમારતો ખડી કરી દેવામાં આવી. જે નાળાઓમાંથી વરસાદનું પાણી નીકળતું હતું, ત્યાં મકાનો બનાવી દેવાયા. જે વેટલેન્ડ્સને શહેરની 'કુદરતી કિડની' કહેવામાં આવે છે, તેમને સિમેન્ટ-કંક્રિટથી ઢાંકી દેવામાં આવી. હવે પાણી પોતાના જૂના રસ્તા શોધે છે, તો આપણે તેને 'આપત્તિ' કહી દઈએ છીએ.
પર્વતીય રાજ્યોમાં પણ એક જ વરસાદમાં જે પૂર આવે છે, વાદળ ફાટે છે અને ફ્લેશ ફ્લડ આવે છે તેમાં પણ આ અવિચારી અને અયોગ્ય વિકાસ જ જવાબદાર છે. આકાશમાંથી આવતું પાણી નદીમાં ભળીને આગળ વધે છે અને તે પોતાના કુદરતી રસ્તે જ આગળ જાય છે. જો તેમાં કોઈ વિઘ્ન આવે છે તો તે રસ્તો બદલે છે. આપણે નદીઓ કાપીને શહેરો વિકસાવી દીધા છે. તળાવો પૂરીને મકાનો અને હોટેલો બનાવી દીધા છે. તેના કારણે હવે પાણી પોતાના આગળ વધવાના રસ્તા શોધે છે અને દર વર્ષે ચોમાસામાં શહેરોમાં અફરાતફરી સર્જાય છે.
આપણા નગર આયોજનમાં વર્ષોથી એક ગંભીર ભૂલ થતી રહી છે. શહેરોને માત્ર વસ્તી વસાવવાની જગ્યા સમજવામાં આવ્યા, જ્યારે પાણીના પ્રવાહના વિજ્ઞાાનને લગભગ ભુલાવી દેવાયું. રસ્તાઓ પહોળા થતા ગયા, પરંતુ નાળાઓ સાંકડા થતા ગયા. તળાવો અને વાવો અદ્રશ્ય થતી ગઈ. સિમેન્ટ અને ડામરે ધરતીના શ્વાસ રુંધી નાખ્યા. પાણીને જમીનમાં ઊતરવાના રસ્તા બંધ થતા ગયા. પરિણામ એ આવ્યું કે થોડાક કલાકનો વરસાદ પૂરા શહેરની ગતિ રોકી દે છે. ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય હોય છે.
ઉલ્લેખનીય છે કે, ક્લાઈમેટ ચેન્જે અનેક પડકારોને વધુ કઠિન બનાવી દીધા છે. હવે વરસાદનું સ્વરૂપ બદલાઈ ગયું છે. પહેલાં જે પાણી કેટલાય દિવસોમાં પડતું હતું, તે હવે થોડાક કલાકોમાં જ પડી જાય છે. એવામાં પચાસ-સાઠ વર્ષ જૂના ધોરણો પર બનેલી સીવર વ્યવસ્થા ધ્વસ્ત થઈ જાય છે. નાળાઓ છલકાવા લાગે છે. રસ્તાઓ નદી બનવા લાગે છે. એવામાં વ્યવસ્થા પાસેથી અપેક્ષા રાખવી એ પોતાની જાતને છેતરવા સમાન છે. તેમાંય હાલમાં તો મોટાભાગે ફરિયાદો આવે છે કે, સ્થાનિક તંત્ર અને મળતીયાઓ અને કોન્ક્ટ્રાક્ટરો ભ્રષ્ટાચારમાં એવા ડૂબેલા હોય છે કે, પાણી અને વરસાદના નામે શહેર આખું ડૂબી જાય તો પણ તેમને કોઈ ફરક પડતો નથી.
નવાઈની વાત એ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જૂની યોજનાને નવા વાઘા પહેરાવીને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત ૨.૦ / છસ્ઇેં્ ૨.૦), રેઇન વોટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણીનો સંચય), અર્બન ફ્લડ મેનેજમેન્ટ અને 'સ્પોન્જ સિટી' જેવી વિભાવનાઓને આગળ વધારવામાં આવી હતી. જો આ યોજનાઓનું પ્રામાણિકતાથી અમલીકરણ થાય, તો ભારતીય શહેરોનું ચિત્ર બદલાઈ શકે છે. ભારતમાં એ ક્રમ રહ્યો છે કે, સરકારી યોજનાઓ પહેલાં સરકારી જાહેરાતોમાં જોવા મળે છે અને ત્યારબાદ તેના પરિણામો પણ સરકારની વાહવાહી કરતી જાહેરાતો અને પોસ્ટરોમાં જ જોવા મળે છે. તેનું અમલીકરણ અને તેની અસરો જમીની સ્તરે તો જોવા જ મળતા નથી.
જાણકારોના મતે 'સ્પોન્જ સિટી' શબ્દ સાંભળવામાં આધુનિક લાગે છે, પરંતુ તેની મૂળ વિભાવના ભારતીય પરંપરાથી બહુ દૂર નથી. ગામડાઓમાં ખાબોચિયા તળાવ હતા, વાવ હતી, તળાવો હતા, ખુલ્લા મેદાનો હતા અને ખેતરોની પાળ હતી. આજથી દાયકાઓ પહેલાં વરસાદનું પાણી જમીનમાં સમાઈ જતું હતું. ગામડાઓમાં આજે પણ વરસાદી પાણી જમીનમાં ઉતરી જાય છે પણ શહેરોમાં તેમ થતું નથી. શહેરોમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર વધ્યો અને તળાવો, મેદાનો અને ખુલ્લી જગ્યાનો ભોગ લેવાયો. ત્યારબાદ ત્યાં બેફામ રીતે બાંધકામો થયો અને પછી જમીનમાં ઉતરતું પાણી અટકી ગયું. ચારે તરફ ડામર અને સિમેન્ટ-કોંક્રિટના રસ્તા થઈ ગયા અને જમીનમાં ઉતરતું પાણી અટકી ગયું. વાવા, કુવા બધું જ બંજર થઈ ગયું અને પાણી જમા થવાના બદલે ભરાવા લાગ્યું.
ભ્રષ્ટાચારીઓનું તેનાથી પણ પેટ ભરાયું નહીં. પ્રજાને સુવિધાના નામે લુંટયા બાદ ફરી એક સુવિધા આપવાનું કહીને લોકોના પરસેવાની ટેક્સની કમાણી ફરી પાછા વહિવટોમાં વાપરવાનું નક્કી કરવામાં આવ્યું. શહેરોમાં કરોડો રૂપિયા ખર્ચીને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા, રેઈન ગાર્ડન અને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમો બનાવવામાં અને લગાવવામાં આવી જેથી પાણી જમીનમાં ઉતરે. બોરવેલ રિચાર્જ થાય અને ભૂગર્ભજળનું સ્તર વધે. આ ખરેખર પ્રજાનો કે વ્યવસ્થાનો વિકાસ નથી પણ ભ્રષ્ટ તંત્ર, તેમના મળતીયાઓ અને કૌભાંડી કોન્ટ્રાક્ટરોનો વિકાસ છે.
નગરપાલિકાઓ કે મહાનગરપાલિકાઓની જવાબદારી નક્કી કર્યા વિના આ સંકટનો ઉકેલ શક્ય નથી. જો કોઈ શહેરમાં દર વર્ષે એ જ રસ્તાઓ ડૂબે છે, એ જ અંડરપાસ જળમગ્ન થાય છે અને એ જ વિસ્તારો જળભરાવનો ભોગ બને છે, તો આને કુદરતી આપત્તિ ન કહી શકાય. આ વહીવટી નિષ્ફળતા છે. દુર્ભાગ્ય એ છે કે આપણા દેશમાં જવાબદારી નક્કી કરવાની સંસ્કૃતિ હજુ પણ નબળી છે. વરસાદ પૂરો થતાં જ ફાઈલો પણ સુકાઈ જાય છે અને આગામી ચોમાસા સુધી બધું ભુલાવી દેવાય છે. બીજી તરફ સમાજ પણ આ નિષ્ફળતામાંથી સંપૂર્ણપણે મુક્ત નથી. નાળાઓમાં પ્લાસ્ટિક ફેંકવું, જળ નિકાલના માર્ગો પર અતિક્રમણ કરવું, વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા ન કરવી અને જાહેર સ્થળોને કચરાપેટીમાં ફેરવી દેવા પણ જળભરાવને આમંત્રણ આપે છે. શહેરોની દેખરેખ સરકાર કરે છે, પરંતુ નાગરિકોની પણ જવાબદારી બને છે. દરેકની પોતાની ફરજ છે.

અમદાવાદી તંત્રનું મેઘદૂતમ : હે મેઘ… તું આ ૧૦૮ સ્થળે વરસાદમાં જઈશ તો તને ૧૦૮ પણ નહીં મળે
અમદાવાદની જ વાત કરીએ તો અહીંયા તંત્ર એવું નઘરોળ અને નિંભર થઈ ગયું છે કે, પ્રજાના કામમાં કોઈ રસ જ નથી. તેમાંય ચોમાસું આવે એટલે પ્રિ મોન્સુન પ્લાનના નામે પ્રિ-ભ્રષ્ટાચારની કામગીરીઓ શરૂ થઈ જાય છે. અમદાવાદમાં એવા અનેક વિસ્તારો છે જ્યાં દાયકાઓથી પાણી ભરાય છે ત્યાં તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને મળતીયાઓ દ્વારા ઘણો સ્વવિકાસ કરાયો પણ આજની તારીખે પાણી ભરાય છે, ભુવા પડે છે. ઘણા વિસ્તારોમાં વિકાસ એટલો વધી ગયો છે કે, વગર વરસાદે પણ ભુવા પડી જાય છે. તેમાંય ચોમાસું શરૂ થાય એટલે અમદાવાદી તંત્ર પોતાનું ભ્રષ્ટાચારનું ઋતુકાવ્યા લખે છે. તે મનપાના મેઘદૂતમમાં મેઘને ચેતવવામાં આવે છે. હે મેઘ તું સૌથી પહેલાં ખમાસાથી નીકળીને પૂર્વ ઝોનમાં જોજે ત્યાં ૩૮ જગ્યાએ વર્ષોથી પાણી ભરાય છે. ત્યાં ન જવાય તો દક્ષિણ ઝોનમાં જજે ત્યાં મણિનગરમાં તને અચૂક પાણી ભરાયેલા મળશે અને તારું નસીબ હશે તો એકાદ ભુવામાં પણ પડવાનો તને લાહવો મળશે. જો તારું પુણ્ય તપતું હશે તો નારોલ-નરોડા રોડ ઉપર તને ભરાયેલા પાણી અને ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ રહેવાનો અવસર પણ મળશે. તારામાં હિંમત વધે તો મધ્ય ઝોનમાં આંટો મારી આવજે ત્યાં પણ આઠ-દસ વિસ્તાર તને જળમગ્ન દેખાશે. ત્યાંથી નીકળ્યા બાદ તું ઉત્તર ઝોનમાં જજે ત્યાં ત્રીસેક વિસ્તારો છે જેમાં તને રસ્તા ઉપર બોટ લઈને ફરવાનો આનંદ માણવાનો અવસર મળશે. ત્યાંથી આગળ વધીને તું ઉત્તર પશ્ચિમ ઝોન અને ત્યાંથી આગળ શીલજ, શેલા રોડ સુધી જઈ આવજે ત્યાં તને ત્રણ-ત્રણ દિવસ સુધી રસ્તા ઉપર પાણી ભરાયેલા જોવાનો લાહવો મળશે.
એક વાતનું સ્મરણ રહે કોઈપણ અંડરબ્રિજમાં જઈશ અને ફસાઈ જઈશ તો જવાબદારી મનપાની નહીં તારી પોતાની રહેશે તો અંડરબ્રિજથી દૂર રહેજે. હે મેઘ આ શહેરમાં એવી ૧૦૮ જગ્યાઓ છે જ્યાં તું જઈશ અને કંઈક થશે તો બચવા માટે ૧૦૮ પણ તાત્કાલિક નહીં મળી શકે.

સરકારી યોજના અને ઉકેલોને કાગળ ઉપરથી રસ્તા ઉપર લાવવા પડશે તો સ્થિતિ સુધરશે
૨૦૩૦ સુધીમાં ભારત સંપૂર્ણપણે જળભરાવ મુક્ત થઈ જશે એવું કહેવું ઉતાવળ ગણાશે. આટલો મોટો દાવો ત્યારે જ વિશ્વસનીય બનશે જ્યારે શહેરોના માસ્ટર પ્લાનમાં કુદરતી જળ નિકાલને પ્રાથમિકતા મળે, ગેરકાયદેસર દબાણો દૂર થાય, દરેક નવા મકાનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાતપણે લાગુ થાય, નાળાઓનું વૈજ્ઞાાનિક રીતે પુન:નિર્માણ થાય અને શહેરી વિકાસનો દરેક નિર્ણય જળ વિજ્ઞાાનને ધ્યાનમાં રાખીને લેવામાં આવે. માત્ર યોજનાઓના નામ બદલવાથી કે નવી સમયમર્યાદા ઘોષિત કરવાથી શહેરો બદલાતા નથી. વાસ્તવમાં જળભરાવનું સંકટ આપણને વિકાસની એક મોટી ભૂલની યાદ અપાવે છે. આપણે શહેરોને રહેવા યોગ્ય બનાવવાને બદલે માત્ર ફેલાવવાનો પ્રયાસ કર્યો. ભારતને જો ખરેખર વિકસિત રાષ્ટ્ર બનવું હોય, તો તેણે પોતાના શહેરોને પાણી સામે લડવાનું નહીં, પરંતુ પાણી સાથે જીવવાનું શીખવવું પડશે. આ પ્રશ્ન માત્ર જળભરાવનો નથી, શાસનની પ્રાથમિકતાઓ અને વિકાસની દિશાનો છે. જે દેશે સદીઓ પહેલા તળાવો, વાવો, ખાબોચિયાં અને જળમાર્ગોની એવી પરંપરા વિકસાવી હતી, તે જ દેશ આજે થોડાક કલાકના વરસાદના મારથી લાચાર થઈ જાય છે. આ વિડંબના કોઈ કુદરતી શ્રાપની નથી, પરંતુ આયોજનની ભૂલોની વાર્તા છે. જો અમૃત ૨.૦, 'સ્પોન્જ સિટી' અને વરસાદી પાણીના સંચય જેવી પહેલો કાગળ પરથી નીકળીને પ્રામાણિકતાથી જમીન પર ઊતરે, તો આવનારા વર્ષોમાં ચિત્ર બદલાઈ શકે છે.