News Focus

મોદીના ગોડમધર ઇન્દિરા ગાંધી : ઈડી સત્તા ટકાવવાનું અણમોલ શસ્ત્ર

By GS Team
6 Aug 20267 mins read
TukuTouch Logo
ઈન્દિરા ગાંધીએ 1969 થી 1977 દરમિયાન કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કર્યો હતો, ખાસ કરીને કટોકટીમાં વિરોધીઓને દબાવવા. વર્તમાનમાં, મોદી-શાહ સરકાર પણ ED જેવી એજન્સીઓનો ઉપયોગ વિરોધ પક્ષોને નિશાન બનાવવા કરી રહી છે, જેનો સફળતા દર માત્ર 1% છે. લોકો માને છે કે મોદી ઈન્દિરા ગાંધીના જ રસ્તે ચાલી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદીના ગોડમધર ઇન્દિરા ગાંધી : ઈડી સત્તા ટકાવવાનું અણમોલ શસ્ત્ર
  • દેશની તમામ તપાસ એજન્સીઓને પહેલાં ઈન્દિરા ગાંધીએ ભરપૂર વાપરી અને હવે મોદી-શાહ પોતાના માટે સદુપયોગ કરે છે
  • ૧૯૬૯થી ૧૯૭૭ સુધીના ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં કેન્દ્રીય એજન્સીઓનો વ્યાપક રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હતો. તેમાંય ૧૯૭૫-૭૭ દરમિયાન દેશમાં આંતરિક કટોકટી લાદવામાં આવી, ત્યારે વિપક્ષી નેતાઓ, વેપારીઓ અને વિરોધી અવાજોને દબાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો વ્યાપક દુરુપયોગ કરવામાં આવ્યો હતો : વર્તમાન સમયમાં ટૂજી સ્પેક્ટ્રમ કેસ, છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસ, દિલ્હી લિકર એક્સાઈઝ કેસ, ભીમા કોરેગાંવ કેસ, વિદેશી ભંડોળ કેસ જેવા ઘણા કેસમાં પણ મોદી સરકાર દ્વારા દેખીતી રીતે ઈડીનો હથિયાર તરીકે જ ઉપયોગ કરાયાનું સાબિત થયું હતું, અમિત શાહે વિરોધીઓનો ડામવા કેન્દ્રીય એજન્સીઓનો શિકારી કૂતરાની જેમ ઉપયોગ કર્યો હોવાની પણ ફરિયાદો છેઃ નરેન્દ્ર મોદીએ કાયમ જવાહરલાલ નહેરુના શાસનની કાયમ ટીકા કરી છે, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીને પણ સંભળાવવાની કે તેમની હાંસી ઉડાવવાની એકપણ તક જવા દીધી નથી. આ નરેન્દ્ર મોદીએ ક્યારેય કોઈપણ વાતો ઈન્દિરા ગાંધી વિશે કોઈ વાત કહી નથી. લોકો માને છે કે, તેઓ ઈન્દિરા ગાંધીને ગોડમધર માનીને તેમના જ રસ્તે ચાલી રહ્યા છે

સંસદમાં તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ અહેવાલ સોંપતા જણાવ્યું કે, ઈડી દ્વારા કરાતા કેસોમાંથી માત્ર ૧ ટકા કેસમાં જ સફળતા મળે છે અથવા તો આરોપોનો ગુનો સાબિત થાય છે. બાકીના ૯૯ ટકા કેસ અધ્ધરતાલ ચાલતા હોય છે. ઈડી ક્યારેય ગુના સાબિત કરી શકતું જ નથી. અહેવાલો જણાવે છે કે, ઈડીએ છેલ્લાં પાંચ વર્ષમાં ૪૬૨૨ કેસ દાખલ કર્યા હતા. વિવિધ ગુના અને કલમો હેઠળ દાખલ કરવામાં આવેલા આ કેસમાંથી માત્ર ૪૩ કેસમાં ઈડીને સફળતા મળી છે અને આરોપીઓને સજા કરવામાં આવી છે. તેનો દેખીતો અર્થ એ છે કે, આ એજન્સીનો સક્સેસ રેટ માત્ર ૧ ટકા જેટલો છે.
મહત્ત્વનું એ છે કે, ઈડી હોય કે પછી સીબીઆઈ કે આઈટી કે અન્ય સરકારી એજન્સી, આ તમામનો રાજકીય ઉપયોગ ભરપૂર રીતે કરવામાં આવે છે. વર્તમાન મોદી સરકાર જ તેનો પોતાના હીતો સાધવા ઉપયોગ કરે છે તેવું નથી, દાયકાઓથી ભારતમાં જે પણ પક્ષ કેન્દ્રીય સત્તામાં રહ્યો છે તેણે આ એજન્સીઓનો એક યા બીજી રીતે રાજકીય ઉપયોગ કર્યો જ છે. જાણકારોના મતે ઈન્દિરા ગાંધીના સમયમાં સરકારી એજન્સીઓનો દૂરપયોગ ભરપૂર પ્રમાણમાં શરૂ થયો હતો. તેમણે તમામ સ્તરે વિરોધીઓને દબાવવા માટે આ એજન્સીઓનો ઉપયોગ કર્યો અને હવે તેમનો રાજકીય વારસો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાચવી રહ્યા હોવાની ચારેકોર ચર્ચા છે. તેઓ પણ તમામ સ્તરે વિરોધીઓને કચડવા આ એજન્સીઓના હથિયારે સારી રીતે વાપરી જાણે છે.
લોકોમાં ચર્ચા છે કે, ૧૯૬૯થી ૧૯૭૭ સુધીના ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં કેન્દ્રીય એજન્સીઓનો વ્યાપક રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હતો. તેમાંય ૧૯૭૫-૭૭ દરમિયાન દેશમાં આંતરિક કટોકટી લાદવામાં આવી, ત્યારે વિપક્ષી નેતાઓ, વેપારીઓ અને વિરોધી અવાજોને દબાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો વ્યાપક દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
ખાસ વાત એ છે કે, ૧૯૬૯માં કોંગ્રેસ પક્ષના વિભાજન પછી, ઈન્દિરા ગાંધીએ નાણા મંત્રાલયનો હવાલો પણ પોતાની પાસે રાખ્યો હતો. તેમણે પોતાના રાજકીય હરીફો સામે નાણાકીય એજન્સીઓનો ઉપયોગ શરૂ કર્યો. ઓલ્ડો કોંગ્રેસનો ભાગ ગણાતા મોરારજી દેસાઈ અને કોંગ્રેસ સિન્ડિકેટના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે જોડાયેલા સપોર્ટરો કે ઉદ્યોગપતિઓ પર આર્થિક ગેરરીતિઓના આક્ષેપો હેઠળ ઈડી અને ઇન્કમ ટેક્સ દ્વારા નજર રાખવામાં આવતી હતી. આ ઉપરાંત ફોરેન એક્સ્ચેન્જ રેગ્યુલેશન એક્ટ એટલે કે વિદેશી હુંડિયામણ સાથે સંકળાયેલા કાયદાનો પણ તે સમયે ઈડીના નામે ભયાનક દૂરુપયોગ કરવામાં આવ્યો હતો. તેના અમલ અને ચકાસણીના જવાબદારી ઈડી પાસે હતીય આ કાયદો એટલો કડક હતો કે નાનામાં નાના વિદેશી નાણાકીય વ્યવહારને પણ ગુનો ગણીને વગર વોરંટે અટકાયત કરી શકાતી હતી. જે વેપારીઓ કે ટ્રસ્ટો વિપક્ષી પક્ષો (જેમ કે જનસંઘ કે આઝાદ પાર્ટી) ને આર્થિક મદદ કરતા હતા, તેમના પર FERAના ઉલ્લંઘનના આરોપો મૂકીને ED દ્વારા રેડ પાડવામાં આવતી અને તેમની સંપત્તિ ફ્રીઝ કરી દેવાતી હતી.
આ ઉપરાંત ઈન્દિરા ગાંધીએ પ્રિવી પર્સ (રાજવી ભથ્થાં) નાબૂદ કર્યા બાદ રાજવી પરિવારો તેમની સામે વિરોધમાં આવ્યા હતા. જ્યારે જયપુરના મહારાણી ગાયત્રી દેવીએ સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટણી જીતીને ઈન્દિરા ગાંધીના કડક વિરોધી તરીકે ઉભરી આવ્યા, ત્યારે કટોકટી દરમિયાન તેમના મહેલો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમની સામે FERA અને નાણાકીય ગેરરીતિઓના આરોપો લગાવીને દિલ્હીની તિહાર જેલમાં મોકલી દેવાયા હતા. આ ઉપરાંત ગ્વાલિયરના રાજમાતા વિજયારાજે સિંધિયાએ પણ જનસંઘને સમર્થન આપતા તેમની સામે ટેક્સ અને વિદેશી સંપત્તિના કાયદા હેઠળ કાર્યવાહી કરીને તેમને જેલમાં પુરવામાં આવ્યા હતા.
આશ્ચર્યની વાત એ છે કે, ૧૯૭૭માં જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે કટોકટીમાં થયેલી સત્તાના દૂરુપયોગની તપાસ માટે જસ્ટિસ જે.સી. શાહ કમિશનની રચના કરવામાં આવી. કમિશનના રિપોર્ટમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું હતું કે ઈન્દિરા ગાંધી સરકાર દરમિયાન સીબીઆઈ, ઈડી અને રેવન્યુ ઈન્ટેલિજન્સ જેવી સરકારી એજન્સીઓનો ઉપયોગ વ્યક્તિગત અને રાજકીય બદલો લેવા માટે, સામાન્ય નાગરિકોને ડરાવવા માટે અને વિરોધી અવાજોને શાંત કરવા માટે કરવામાં આવ્યો હતો. હાલમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષો દ્વારા પણ મોદી સરકાર સામે આવી જ ફરિયાદો કરવામાં આવી રહી છે. તેમાં જરાય ખોટું નથી. છેલ્લાં ૧૨ વર્ષમાં ભાજપ સરકાર દ્વારા અનેક પ્રસંગો વિરોધીઓ, ટીકાકારોને દબાવવા માટે અને વિપક્ષોને બરબાદ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો જ છે.
વર્તમાન સમયની વાત કરીએ તો ઈડી દ્વારા મોટાપાયે વાજતેગાજતે હાઈપ્રોફાઈલ કેસ દાખલ કરવામાં આવ્યા હતા પણ તેમાં સાબિત કોઈ મળી નહોતી. સૌથી પહેલાં ટૂ જી સ્પેક્ટ્રમ કેસ જે દેશના ઈતિહાસનો સૌથી મોટો ૧.૭૬ લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કેસ હતો. તે વખતે તત્કાલિન ટેલકોમ મંત્રી એ.રાજા, કનિમોઝી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સામે સીબીઆઈ અને ઈડીએ તપાસ હાથ ધરી હતી. ઘણા વર્ષ બાદ વર્ષ ૨૦૧૭માં સ્પેશિયલ સીબીઆઈ/ઈડી કોર્ટે તમામ ૧૭ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. જજે ટિપ્પણી કરી હતી કે, સાત વર્ષે પણ એજન્સીઓ નક્કર પુરાવા રજૂ કરી શકી નથી. માત્ર અફવાઓ અને ધારણાઓના આધારે કેસ ઊભો કરાયો હતો. આ ઉપરાંત છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસમાં પણ પૂર્વ કોંગ્રેસ સરકાર સામે ૨૧૬૧ કરોડના કૌભાંડના આરોપો મુકાયા હતા. સુપ્રીમે આઈટીની ફરિયાદના આધારે ઈડીએ દાખલ કરેલા કેસને ફગાવી દીધો અને પુરાવાના અભાવે કોઈ સાબિતી થઈ શકી નહીં.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આપના સાંસદ સંજય સિંહની દિલ્હી દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પણ ઈડી કશું જ સાબિત કરી શકી નહીં અને તમામને જામીન આપવા પડયા. તે ઉપરાંત ભીમા કોરેગાંવ અને વિદેશી ભંડોળના ઘણા કેસો થયા હતા. ઘણા કિસ્સાઓમાં માનવ અધિકાર કાર્યકર્તાઓ, પત્રકારો અને એનજીઓ સામે PMLA અને FEMA ના કાયદા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી, પરંતુ વર્ષો સુધી કોઈ નક્કર ચાર્જશીટ રજૂ કરી શકાઈ નથી.
આ સિવાય અઢળક કિસ્સા અને કેસ છે જેમાં ચૂંટણી જીતવા માટે, સત્તા લેવા માટે કે પછી પચાવી પાડવા માટે અમિત શાહ દ્વારા કેન્દ્રી એજન્સીઓને વિરોધીઓની પાછળ શિકારી કૂતરાની જેમ ખુલ્લી આવી છે. અમિત શાહના ઈશારે આ એજન્સીઓ વિપક્ષોનો શિકાર કરી લાવે છે. લોકો માને છે કે, મોદી અને શાહ દ્વારા વિપક્ષોને રંજાડવા માટે અને ઘુંટણીયે લાવવા માટે જ આ એજન્સીનો ઉપયોગ કરાય છે. વિરોધી પીડાય તેમાં આ લોકોને આનંદ આવતો હોવાની પણ રાજકીય રાવ ઊઠી છે.
જાણકારો માને છે કે, ઇડીની રચના થઇ ત્યારથી અત્યાર સુધી ઇન્દિરા ગાંધી હોય કે નરેન્દ્ર મોદી દરેક સત્તાધીશોએ પોતાના ફાયદા માટે તેનો દૂરુપયોગ કર્યો છે આ સિવાય પણ ઇન્દિરા ગાંધીથી માંડીને મોદી સુધીની તમામ સરકારોએ કેન્દ્રિય એજન્સીઓનો પોતાના હિત માટે ઉપયોગ કર્યો છે.આ એજેન્સીઓની નિષ્ફળતા જણાવે છે કે, સુપ્રીમ કોર્ટે ક્યારેય આ એજન્સીઓને ગંભીર ચેતવણી આપી નથી કે ટકોર કરી નથી.
તેણે દાયકાઓથી ખોટા કેસો ચાલવા દીધા છે. આ ઉપરાંત ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી જેવા નેતાઓના નિર્ણયો અને કેન્દ્રિય એજન્સીઓના દુરુપયોગ સામે નરમ વલણ રાખીને આંખ આડા કાન કર્યા છે.

નહેરુની ટીકા કરનારા નરેન્દ્ર મોદીએ ક્યારેય ઈન્દિરા ગાંધીની ટીકા કરી નથી
લોકમુખે અને રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે કે, નરેન્દ્ર મોદી જે રીતે કામ કરી રહ્યા છે, જે રીતે વિપક્ષોને દબાવી રહ્યા છે, સમગ્ર દેશમાં સત્તા મેળવવાની લાલસા સાથે આગળ વધી રહ્યા છે તે જણાવે છે કે, તેમના ગોડમધર ઈન્દિરા ગાંધી જ છે. આટલા વર્ષોમાં નરેન્દ્ર મોદીએ લાખો ભાષણોમાં, સંસદમાં, સંસદની બહાર, દુર્ઘટનાઓમાં કે પછી કોઈપણ ખામીઓમાં સતત કોંગ્રેસની સરકારને વખોડી છે. તેમણે જવાહરલાલ નહેરુના શાસનની કાયમ ટીકા કરી છે, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીને પણ સંભળાવવાની કે તેમની હાંસી ઉડાવવાની એકપણ તક જવા દીધી નથી. આ નરેન્દ્ર મોદીએ ક્યારેય કોઈપણ વાતો ઈન્દિરા ગાંધી વિશે કોઈ વાત કહી નથી. લોકો માને છે કે, તેઓ ઈન્દિરા ગાંધીને ગોડમધર માનીને તેમના જ રસ્તે ચાલી રહ્યા છે. તેઓ સત્તામાં રહેવા ગમે તેમ કરવા તૈયાર હોય છે. વિપક્ષોને ઘુંટણીયા લાવવા માટે કોઈપણ એજન્સીનો દૂરુપયોગ કરતા ખચકાતા નથી. ઈન્દિરા ગાંધીને વિદેશમાં ફરવાનો, જાતભાતના વસ્ત્રો પહેરાવાનો, ડિઝાઈનર કપડાં પહેરાવાનો અને મોટા લાવલશ્કર સાથે ફરવાનો શોખ હતો. નરેન્દ્ર મોદી પણ આ જ રસ્તે ચાલી રહ્યા છે. દેશના લોકોને ઘરમાં રહેવાની સુચના આપીને પોતે દેશને આગળ લઈ જવાના નામે વધુ એક વિદેશનો પ્રવાસ કરી આવે છે. સારામાં સારા ડિઝાઈનર કપડાં પહેરીને દેશના ફકીર વડાપ્રધાન વિદેશોમાં મ્હાલે છે. ૫૦થી વધારે ગાડીઓના કાફલા સાથે કોઈપણ જગ્યાએ ફરતા હોય છે. ઈન્દિરા ગાંધીએ બેન્કો ઉપર તવાઈ લાવી હતી જ્યારે નરેન્દ્ર મોદીએ ચલણી નોટો ઉપર તવાઈ લાવી દીધી હતી. મૂળ વાત એવી છે કે, ઈન્દિરા ગાંધીને સત્તાની લાલસા હતી અને તેના માટે તેમણે કટોકટી પણ લાદી દીધી હતી. નરેન્દ્ર મોદને પણ પોતાના ગોડમધરની જેમ આવી જ સત્તા લાલસા છે પણ તેઓ અકથ્ય કટોકટી લાદીને પ્રજાને પીડી રહ્યા છે અને વિપક્ષોને દબાવવાનો આનંદ માણી રહ્યા છે.