મોંઘવારી, નબળું ચોમાસું અને અમેરિકી ટેરિફથી અર્થતંત્ર ઉપર વ્યાપક દબાણ !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સરકાર ભલે અચ્છે દિનના નગારા વગાડે પણ આરબીઆઈએ બુરે દિનના સંકેત આપી દીધા છે
- ક્રૂડનું સંકટ હજુ શાંત પણ નથી થયું ત્યાં નબળા ચોમાસા, વધતી મોંઘવારી અને યુએસ ટેરિફ સંબંધિત નવી મુશ્કેલીઓએ ભારતીય અર્થતંત્રની ચિંતાઓ વધારી દીધી છે. તાજેતરમાં આરબીઆઈએ બેઠક બાદ દેશમાં મોંઘવારી, આર્થિક સ્થિતિ અને જીડીપીના ગ્રોથ રેટની વાસ્તવિક તસવીર રજૂ કરી છે. આ બેઠકમાં સંકેત આપવામાં આવ્યો હતો કે, આગામી સમય દેશના અર્થતંત્ર માટે પડકારજનક રહેવાનો છે : જરાય બેમત નથી કે અમેરિકા તરફથી રશિયા પર સંભવિત નવા અને કડક પ્રતિબંધો ભારતીય બજાર માટે એક મોટું વૈશ્વિક જોખમ બની શકે છે. ભારત માટે સૌથી મોટો પડકાર ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલો છે, કારણ કે રશિયા સસ્તા ક્રૂડ ઓઇલનો મુખ્ય સ્ત્રોત છે. આવી સ્થિતિમાં જો નવા પ્રતિબંધોને કારણે રશિયાથી તેલ આયાતમાં અડચણ આવે છે, તો તેનાથી સ્થાનિક કંપનીઓની પડતર કિંમત અને દેશનો કુલ આયાત ખર્ચ વધી શકે છે : સૌથી મહત્ત્વનું તો કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનું છે. જળ સંચય, પાક વૈવિધ્યીકરણ અને પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ દ્વારા કૃષિ ક્ષેત્રને નબળા ચોમાસાના જોખમોથી બચાવવું પડશે અને નવી ટેક્નોલોજી તથા નવી રોજગારી દ્વારા યુવાવર્ગને આ ક્ષેત્રમાં આકર્ષીને ભારતમાં ટેક્નોલોજી આધારિત હરિત ક્રાંતિ કરવાની તાતી જરૂરિયાત છે
દેશની સર્વોચ્ચ બેન્ક આરબીઆઈને તાજેતરમાં યોજાયેલી બેઠકમાં જે ચર્ચા થઈ અને જે નિર્ણયો લેવાયા તે દેશના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્ત્વ ધરાવતા હતા. તેનાથી પણ વધારે દેશના સામાન્ય માણસોની જિંદગીને રોજિંદા ધોરણે વ્યાપક અસર કરનારા પણ હતા. આ બેઠકમાં સંકેત આપવામાં આવ્યો હતો કે, આગામી સમય દેશના અર્થતંત્ર માટે પડકારજનક રહેવાનો છે. ક્રૂડનું સંકટ હજુ શાંત પણ નથી થયું ત્યાં નબળા ચોમાસા, વધતી મોંઘવારી અને યુએસ ટેરિફ સંબંધિત નવી મુશ્કેલીઓએ ભારતીય અર્થતંત્રની ચિંતાઓ વધારી દીધી છે. તાજેતરમાં આરબીઆઈએ નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ દેશમાં મોંઘવારી, આર્થિક સ્થિતિ અને જીડીપીના ગ્રોથ રેટ સાથે જોડાયેલી વાસ્તવિક તસવીર રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત મોંઘવારીનો અંદાજ ૫ ટકા કર્યો છે. જીડીપી ગ્રોથનો અંદાજ ૬.૭ ટકા કરવામાં આવ્યો છે. ખાસ કરીને રેપો રેટને સતત ચોથી વખત ૫.૨૫ ટકાના સ્તરે યથાવત્ રાખવામાં આવ્યો છે. આરબીઆઈએ એવું પણ કહ્યું છે કે આગામી દિવસોમાં અલ નીનોની અસર, ચોમાસું નબળું રહેવાને કારણે અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને લીધે ખાણીપીણીની ચીજવસ્તુઓ અને પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયા સંકટ અને અમેરિકાની આર્થિક નીતિઓનું ભારતીય અર્થતંત્ર પર ચારેય તરફથી દબાણ જોવા મળી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા-નવા આર્થિક અને વ્યાપારી પ્રોટેક્શનિસ્ટ પગલાંથી ભારત માટે પડકારો વધી ગયા છે. આ સ્થિતિ મુખ્યત્વે અમેરિકાના વેપાર, કૃષિ, બૌદ્ધિક સંપદા અને શ્રમ બજાર સાથે જોડાયેલા નીતિગત ફેરફારોને કારણે ઊભી થઈ છે. આયાત પર વધારાનો કર લાદવાથી અને નીતિઓ કડક બનાવવાથી ભારતીય નિકાસ પ્રભાવિત થઈ રહી છે. આ સાથે જ અમેરિકા પોતાના કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે ભારતીય બજારમાં વધુ પહોંચની માંગ કરી રહ્યું છે. અમેરિકાની વિઝા નીતિઓમાં કડકાઈ અને ફી વધારાથી ભારતીય માહિતી-ટેકનોલોજી કંપનીઓ અને વ્યાવસાયિકો સામે વ્યાપક અનિશ્ચિતતા ઊભી થઈ રહી છે.
તાજેતરમાં જ અમેરિકી સંસદના સેનેટે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસ ખરીદનારા દેશો સામે પગલા લેવા એક આકરું બિલ રજૂ કર્યું છે. જો આ બિલ નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) માંથી મંજૂર થઈ જાય છે, તો અમેરિકી રાષ્ટ્રપતિને ભારત અને ચીન જેવા મુખ્ય તેલ ખરીદનાર દેશો પર સો ટકા સુધીનો ટેરિફ લાદવાનો અધિકાર મળી જશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયા અને ઈરાનની અર્થવ્યવસ્થા પર દબાણ બનાવવાનો અને તેમના યુદ્ધ પ્રયાસોના નાણાકીય સ્ત્રોતોને સીમિત કરવાનો છે.
તેમાં જરાય બેમત નથી કે અમેરિકા તરફથી રશિયા પર સંભવિત નવા અને કડક પ્રતિબંધો ભારતીય બજાર માટે એક મોટું વૈશ્વિક જોખમ બની શકે છે. ભારત માટે સૌથી મોટો પડકાર ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલો છે, કારણ કે રશિયા સસ્તા ક્રૂડ ઓઇલનો મુખ્ય સ્ત્રોત છે. પશ્ચિમી દેશોના વધતા પ્રતિબંધો છતાં ભારતે આ વર્ષે જુલાઈમાં સતત બીજા મહિને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની રેકોર્ડ આયાત કરી છે. ઉલ્લેખનીય છે કે, 'સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર' અનુસાર, ભારતીય કંપનીઓએ જુલાઈમાં ૫.૫ અબજ યુરોનું રશિયન ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. આ ભારતની કુલ પચાસ લાખ બેરલ પ્રતિદિનની આયાતના પંચાવન ટકાથી વધુ છે. આવી સ્થિતિમાં જો નવા પ્રતિબંધોને કારણે રશિયાથી તેલ આયાતમાં અડચણ આવે છે, તો તેનાથી સ્થાનિક કંપનીઓની પડતર કિંમત અને દેશનો કુલ આયાત ખર્ચ વધી શકે છે.
તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ H-1B અને L-1 વિઝાના એક્સ્ટેન્શન (વિસ્તરણ) અરજીઓ પર વધારાનું શુલ્ક લાદવાની જાહેરાત કરી છે. આ વર્ષે ૯ સપ્ટેમ્બરથી લાગુ થનારા આ નિયમ હેઠળ H-1B વિઝા એક્સ્ટેન્શન માટે ૪,૦૦૦ ડોલર (લગભગ રૃા. ૩.૬૮ લાખ) અને L-1 એક્સ્ટેન્શન માટે ૪,૫૦૦ ડોલર (લગભગ રૃા. ૪.૨ લાખ) ફી ચૂકવવી પડશે. આ નિયમ પચાસ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી એ મોટી કંપનીઓ પર લાગુ થશે જેના ૫૦ ટકાથી વધુ કર્મચારીઓ આ જ વિઝાના આધારે કાર્યરત છે. આ જ સંદર્ભમાં ગયા મહિને અમેરિકી સંસદમાં વર્ક વિઝા પર ત્રણ વર્ષ સુધી રોક લગાવવા અંગેનું એક નવું અને કડક બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ લાગુ થવાથી ટેકનિકલ ક્ષેત્રના ભારતીય વ્યાવસાયિકો પર સીધી અસર પડી શકે છે. નવા પ્રસ્તાવિત નિયમોમાં ૧ લાખ ડોલર (લગભગ રૃા. ૮૫ થી રૃા. ૯૫ લાખ) સુધીનું ભારે શુલ્ક અને કડક લઘુત્તમ વેતન માપદંડો શામેલ છે. આ સિવાય વિઝા ધારકોના આશ્રિતો અને પરિવારજનો પર પણ અસંખ્ય નિયંત્રણો લાદવાનો પ્રસ્તાવ છે.
આ આર્થિક અને વ્યાપારી પડકારો વચ્ચે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) તરફથી તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે પશ્ચિમ એશિયા સંકટ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારાની ભારતના ગ્રોથ રેટ પર પ્રતિકૂળ અસર પડશે. અહેવાલમાં ભારત માટે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે અગાઉ નિર્ધારિત ૬.૯ ટકાના વિકાસ દરને ઘટાડીને ૬.૬ ટકા કરી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે આંતરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ પણ વર્ષે ૨૦૨૬-૨૭ માટે ભારતનો વિકાસ દરનો અંદાજ ઘટાડીને ૬.૪ ટકા કરી દીધો છે. જ્યારે છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ભારતે ૭.૭ ટકાના શાનદાર દરે વૃદ્ધિ નોંધાવી હતી. જોકે, આ સમયે ભારત સપ્લાય ક્ષેત્રના પડકારો સામે લડવા માટે અગાઉ કરતા વધુ સારી સ્થિતિમાં છે, છતાં પણ ચાલુ નાણાકીય વર્ષમાં દેશના આર્થિક વિકાસ દરને સાત ટકા સુધી લઈ જવા માટે વ્યૂહાત્મક રીતે નવા આર્થિક ઉપાયો સાથે આગળ વધવું પડશે. સરકારે રીફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના ફોર્મ્યુલાનો વધુ સારી રીતે ઉપયોગ કરવો પડશે. સેન્ટ્રલ બેંકે હવે મોંઘવારી પર નિયંત્રણ રાખવાની સાથે-સાથે વિકાસની ગતિને થંભી જતી અટકાવવી પડશે. આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે સરકારે પોતાના મૂડી ખર્ચને લક્ષ્યાંક મુજબ ઝડપથી અસરકારક બનાવવો પડશે. જાણકારોના મતે વધતી મોંઘવારી અને ધીમા પડી રહેલા જીડીપી ગ્રોથ વચ્ચે રાજકીય સ્તરે પણ અનેક પડકારો જોવા મળી રહ્યા છે. સરકાર માટે એક તરફ રાજકોષીય ખાધ ઓછી રાખવાનું લક્ષ્ય છે, તો બીજી તરફ મૂડીગત ખર્ચ ચાલુ રાખીને અર્થતંત્રને ગતિ આપવાની જરૂરિયાત છે. આ ઉપરાંત અમેરિકામાં વર્ક વિઝા નીતિઓ કડક બનવાથી ભારતીય આઈટી કંપનીઓના માર્જિન પર અસર પડી રહી છે, જેના કારણે નવા રોજગાર સર્જનમાં વિલંબ થઈ રહ્યો છે. સરકારે તેમાં પણ ધ્યાન આપીને સ્થાનિક સ્તરે વધારે રોજગાર આપવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, આ આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટે ભારતે ટૂંકા અને લાંબા ગાળાની વ્યૂહરચનાઓ અમલમાં મૂકવી પડશે. સૌથી પહેલાં તો સ્થાનિક માંગ અને ઉત્પાદન વધારવા માટે પીએલઆઈ (PLI) યોજનાઓ દ્વારા ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવું પડશે જેથી આયાત પર નિર્ભરતા ઘટે. તે ઉપરાંત પુન:પ્રાપ્ય ઊર્જા અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશને પ્રોત્સાહન આપવું જેથી ક્રૂડ ઓઇલના વૈશ્વિક આંચકા સામે રક્ષણ મળે. આ સિવાય યુરોપિયન યુનિયન, બ્રિટન અને અન્ય દેશો સાથે મુક્ત વેપાર કરારો ઝડપથી પૂર્ણ કરીને ટેરિફ જોખમોને ઓછા કરવા. સૌથી મહત્ત્વનું તો કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનું છે. જળ સંચય, પાક વૈવિધ્યીકરણ અને પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ દ્વારા કૃષિ ક્ષેત્રને નબળા ચોમાસાના જોખમોથી બચાવવું પડશે અને નવી ટેક્નોલોજી તથા નવી રોજગારી દ્વારા યુવાવર્ગને આ ક્ષેત્રમાં આકર્ષીને ભારતમાં ટેક્નોલોજી આધારિત હરિત ક્રાંતિ કરવાની તાતી જરૂરિયાત છે.
યુદ્ધનો ઉન્માદ અટકાવી ખેત ઉત્પાદનના વિકાસને મહત્ત્વ આપવું પડશે
દેશ માટે ચિંતાજનક બાબત એ છે કે, મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી માત્ર એક આર્થિક આંકડો નથી પરંતુ તેની સીધી અસર સામાન્ય પરિવારના માસિક બજેટ અને રોજિંદા જીવન પર પડે છે. અલ નીનોની અસર અને નબળા ચોમાસાને કારણે શાકભાજી, કઠોળ અને અનાજના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા છે. તે ઉપરાંત પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ અને અસ્થિરતાની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને એલપીજીના ભાવમાં વધારો થયો છે, જે ટ્રાન્સપોર્ર્ટેશન કોસ્ટ વધારીને તમામ ચીજવસ્તુઓને મોંઘી બનાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં વાસ્તવિક વેતન વૃદ્ધિ મર્યાદિત રહેતા ખરીદશક્તિ ઘટવા લાગી છે. મધ્યમ વર્ગ માટે શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ જેવા પ્રાથમિક ક્ષેત્રો પાછળનો ખર્ચ વધ્યો છે, જેના કારણે બચત દરમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ગ્ર્રામીણ વિસ્તારોમાં રોજગારીનો વ્યાપક અભાવ અને ખેતીમાં મર્યાદિત સરકારી સહાયને પગલે સમગ્ર કૃષિ સેક્ટર પડી ભાંગવાના આરે પહોંચી ગયું છે.
આ સેક્ટરને જ્યાં સુધી બળ અને વેગ નહીં આપવામાં આવે ત્યાં સુધી ગામડાઓનો વિકાસ થશે નહીં અને શહેરીકરણ થયા કરશે. શહેરો મોટા થશે, વિકાસ પાછળ અબજો રૂપિયા ખર્ચાશે પણ રોજગારી મળશે નહીં અને ગામડામાં રોજગારી છે પણ આયોજન થશે નહીં. આમ સરકારની નિરસતા અને અણઘડ નીતિઓને પગલે શહેરો અને ગામડા બધું જ ભાંગવા લાગશે. ભારતમાં યુદ્ધના ઉન્માદને ડામવાની જરૂર છે. જ્યાં સુધી શસ્ત્રો ખરીદવા પાછળ અબજો ડોલરનો વ્યય અટકશે નહીં અને ખેતી પાછળ, ગામડા વિકસાવવા પાછળ, ગરીબો પાછળ આ રકમનો સદુપયોગ નહીં થાય ત્યાં સુધી આ દેશને આર્થિક સંકટમાંથી બહાર લાવી શકાય તેમ નથી.









